ભરૂચ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી તૈયારીમાં લાગી ગઈ હોય તેમ જણાય છે. રાજ્યમાં આમ આદમી પાર્ટી AAP સતત વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક રીતે વિરોધ પ્રગટ કરતા ભરૂચમાં 25 ફાંસીના ગાળીયા બનાવી ગેસ, વીજળી, કઠોળ અને પેટ્રોલ-ડીઝલના પ્લેકાર્ડને ફાંસી આપતો કાર્યક્રમ યોજ્યો હતો.
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે જીવન જરૂરિયાતની મહત્વની ચીજ-વસ્તુઓ પર GST ઝીંકી દેતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આજ આજરોજ 24 જૂલાઈએ ભરૂચ (Bharuch)ના પાંચબત્તી ચોક ખાતે આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શનનું આયોજન હતું. જ્યાં 25 જેટલા ફાંસીના ગાળીયા બનાવી પ્રતિકાત્મક રીતે ગેસ, વીજળી, અનાજ, કઠોળ અને પેટ્રોલ-ડીઝલ સહિતના પ્લે કાર્ડ સાથે મોંઘવારીને ફાંસી આપતો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારી સાથે ભ્રષ્ટાચાર અને બેરોજગારીને પણ મુદ્દો બનાવી વિરોધ પ્રગટ કર્યો હતો.

ભરૂચ આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના નેતા આકાશ મોદીએ કહ્યું કે, “ભાજપ સરકારના રાજમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે આજે અમે વિરોધ નોંધાવ્યો છે. ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં અને નેતુત્વ વિહીન વિપક્ષ કોંગ્રેસના કારણે ગુજરાતની પ્રજા પીસાઈ રહી છે, ત્યારે ગુજરાતની જનતા માટે આપ જ એક વિકલ્પ છે.” સાથે જ તેમણે ભાજપ સરકારના અન્યાય અને શોષણ સામે વિરોધ ઉઠાવતા અંગ્રેજોને પણ શરમાવે તેવી જોર જુલમની સરકાર હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભરૂચ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્વી વાલાણીએ જણાવ્યું હતું કે, ‘લોકો તમામ જીવન જરૂરિયાત ચીજ-વસ્તુના વધતા ભાવને કારણે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે રાજ્યમાં અસ્થિરતાને દૂર કરવા આમ આદમી પાર્ટી પર્યાય તરીકે રાજ્યમાં ઉભી થઈ છે.’
પાંચબત્તી ખાતે ફાંસીના ફાંદા બનાવી આપના વિરોધ પ્રદર્શનને લઈ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પોલીસે 7 આપ આગેવાનો ઊર્મિ પટેલ, આકાશ મોદી, તેજસ પટેલ, અભિલેશ ગોહિલ, પિયુષ પટેલ, ગોપાલ રાણાની અટકાયત કરી હતી.