Homeગુજરાતતેલિયા રાજાઓને ડામવા ખાદ્યતેલની કાળાબજારી પર કેન્દ્રની લાલ આંખ શરૂ કર્યું આ...

તેલિયા રાજાઓને ડામવા ખાદ્યતેલની કાળાબજારી પર કેન્દ્રની લાલ આંખ શરૂ કર્યું આ કામ

-

Latest Gujarati news ગાંધીનગર : મોંઘવારી માજા મુકી રહી છે ત્યારે તેલની કાળાબજાર કરતા તત્વો પણ સક્રિય થયા છે. ખાદ્ય પદાર્થોની સંગ્રહખોરી કરી કાળાબજારી કરતા વ્હાઈટ કોલર ક્રિમિનલ પર કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની ટીમને સાથે રાખી કાર્યવાહી શરૂ કરી છે. હાલ તો રાજ્ય સરકાર ખુદ નહીં જાણતી હોય કે આ કાળાબજાર કરતા વેપારીઓ પર શું કાર્યવાહી થશે.

ખાદ્યતેલના ભાવ આસમાને આંબવા જઈ રહ્યાં છે અને મોંઘવારી ચરમસીમા પર છે. પરિણામે ગરીબ અને મધ્યવર્ગનું જીવન મુશ્કેલ થતું જાય છે. ત્યારે ખાદ્યતેલની સંગ્રહખોરી અને કાળાબજારી ન થાય તે તરફ કેન્દ્ર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેન્દ્ર સરકારની ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમે ગુજરાતમાં ધામા નાખ્યા છે અને ઠેર-ઠેર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે.

કેન્દ્ર સરકારની આ ટીમ રાજ્યના ગાંધીનગર ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમ તેમજ અમદાવાદના પુરવઠા વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી શરૂ કરી છે. ઓચિંતા સિક્રેટ ઓપરેશનમાં દિલ્હીની ટીમે અમદાવાદ જિલ્લાના ચાંગોદર, બગોદરા સહિતની જગ્યા પર આવેલા ખાદ્યતેલના ડેપો પર તપાસ કરી હતી. અહેવાલો મુજબ છેલ્લા 4 દિવસથી રાજ્યમાં આ ટીમ તેલ અને તેલીબિયાંના વ્યવસાય ધારકોની દુકાનો અને ગોડાઉન પર ચેકિંગ કરી રહી છે. રાજ્યમાં કેન્દ્ર સરકારની ટીમ આવી તપાસ કરવા લાગતા તેલના કાળાબજારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખાદ્યતેલની કાળાબજારી પર કેન્દ્રની લાલ આંખ Latest Gujarati News

પ્રાપ્ત અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે આ પ્રકારે માત્ર ગુજરાતમાં જ નહીં પણ અન્ય 8 રાજ્યોમાં આ પ્રકારે ટીમને મોકલી છે. જે ટીમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ખાદ્યતેલ ઉત્પાદન, સંગ્રહખોરી અને કાળાબજારી મામલે તપાસ કરી રહી છે. દરેક રાજ્યમાં જે તે રાજ્યની ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ટીમને સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ઘણાં વેપારીઓની સંગ્રહખોરી અને કાળાબજારીનો પણ પર્દાફાશ પણ થયો છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સરકાર દ્વારા કાળાબજારી અને સંગ્રહખોરીને ધ્યાને રાખી ખાદ્યતેલ અને તેલીબિયાં વેચવા માટે કેટલાક નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે. જે મુજબ રિટેલર 30 ક્વિન્ટલ, હોલસેલર 500, અને ડેપોમાં 1000 ક્વિન્ટલથી વધારે તેલનો જથ્થો રાખી ન શકે. સાથે જ તેલીબિયાના રિટેલર ૧૦૦ ક્વિન્ટલ, હોલસેલર 2 હજાર ક્વિન્ટલથી વધુ જથ્થો રાખી શકે નહીં. 90 દિવસથી વધુના સ્ટોકની સંઘરાખોરી કરવી તે પણ ગુનાની જોગવાઇમાં આવે છે.

Must Read