Homeરાષ્ટ્રીયઆ રાજ્યમાં કોરોનાનો તરખાટ, 2 દિવસ સંપૂર્ણ લૉક ડાઉન

આ રાજ્યમાં કોરોનાનો તરખાટ, 2 દિવસ સંપૂર્ણ લૉક ડાઉન

-

2 Days Lock Down in Kerala Due to Covid-19 (Corona).

કોરોના મહામારીની ત્રીજી આશંકા વચ્ચે કેરળમાં સંક્રમણના આંકડામાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે કેરળમાં સરકારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. સાથે જ કેન્દ્રએ રાજ્ય સરકારની મદદ માટે નિષ્ણાતોની એક ટીમ પણ ત્યાં મોકલી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે હાલમાં જ કેરળમાં મનાવવામાં આવેલ ઈદને ‘સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સ’ તરીકે ગણાવતા રાજ્ય સરકારને એક પત્ર લખ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કોરોનાના દિશાનિર્દેશોનું સખત રીતે પાલન કરવાની જરૂર છે.

તહેવારો / સામાજિક કાર્યો દરમિયાન કોરોનાના નિયમોનું સખતપણે પાલન કરવાની જરૂર છે. જણાવી દઈએ કે કેરળ સરકારે ઈદ દરમિયાન રાજ્યમાં લોકડાઉન હળવું કરી દીધું હતું, એના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

કેરળમાં કોરોના સંક્રમણના કેસોમાં અચાનક વધારો થયો છે. કેરળમાં વધી રહેલા કોરોના દર્દીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રોગ નિયંત્રણ વિભાગના નિયામકની અધ્યક્ષતાવાળી છ સભ્યોની એક ટીમ કેરળ મોકલી છે. નિષ્ણાતોની આ ટીમ રાજ્ય સરકારના સહયોગથી કોરોના વાયરસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આ માહિતી આપી હતી.

જણાવી દઈએ કે કેરળમાં બુધવારે કોરોનાના 22,056 નવા કેસ નોંધાયા છે, જેથી સંક્રમણની કુલ સંખ્યા 33,27,301 પર પહોંચી છે, જ્યારે વાયરસથી મૃત્યુઆંક વધીને 16,457 થઈ ગયો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં એવું કહેવામાં આવ્યું છે કે, 17,761 લોકોએ કોરોનને માત આપી છે , હજુ પણ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 1,49,534 છે.

Must Read