ખેડૂત સમાચાર, કાલાવડ Kalavad : દેશભરમાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવથી લોકો પરેશાન છે. ત્યારે ઈંઘણના વધતા ભાવથી ખેતી કરતા ખેડૂતોને પણ અસર પહોંચી છે. બીજી તરફ ટૂ વ્હિલર અને ફોર વ્હિલર વાહનો ઈલેક્ટ્રીક તરફ આગળ વધી રહ્યાં છે. પ્રદુષણ ઘટવા સહિત ઈ-વાહનના ફાયદા પણ અનેક છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ખેડૂતે પણ મોંઘવારી અને પર્યાવરણને ધ્યાને રાખી ઈ-ટ્રેક્ટર બનાવી લીધું છે. હાલ ઈલેક્ટ્રીક ટ્રેકટરનું આ કામ શરૂઆત કહેવાય પરંતુ ભવિષ્ય માટે ઉજળું ભવિષ્ય છે તેમ કહી શકાય.
જામનગર Jamnagar ના કાલાવાડ તાલુકાના પીપર ગામના ખેડૂત મહેશભાઈ ભૂતએ ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવો મોંઘો લાગતો નવો જુગાડ શોધી કાઢવા પ્રયાસ શરૂ કર્યા હતા. મોંઘવારીમાં ખેતીમાં ટ્રેક્ટર પાછળ મેન્ટેન્સ ખર્ચ અને ઈધણ માટે પ્રતિ કલાક 100-125 રૂપિયા જેટલો ખર્ચ આવતો હતો તેમ મહેશભાઈ જણાવે છે. આ ગડમથલમા તેમને વિચાર સ્ફૂર્યો કે ઈ-બાઈક, ઈ-કાર જેવા વાહનો આવે તો ઈ-ટ્રેક્ટર કેમ ન બને. આ વાતથી તેમણે જાતે જ શરૂઆત કરી ઈલેક્ટ્રીક ટ્રેક્ટર બનાવવા કામ શરૂ કર્યું. 7-8 મહિનાની જહેમત અને વિવિધ પ્રયોગો બાદ તેમણે ઈલેક્ટ્રીક ટ્રેક્ટર બનાવી સફળતા હાંસલ કરી છે.
કાલાવડના ખેડૂત પુત્રની કમાલ ઈ-ટ્રેક્ટર E-Tractorનો કર્યો આવિષ્કાર: જાણવા જેવું
મહેશભાઈ એ બનાવેલું આ ઈ-ટ્રેક્ટર અંદાજીત સાડા પાંચ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થાય છે. માટે મહેશભાઈ માને છે કે સરકાર જો કોઈ યોજના લાગુ પાડી સબસિડી જેવી વ્યવસ્થા કરે તો ખેડૂતોને ત્રણ થી સાડા ત્રણ લાખમાં આ ઈલેક્ટ્રીક ટ્રેક્ટર મળી શકે. જેનાથી ખેડૂતોને ડીઝલ કરતા ખુબ જ ઓછા ભાવે એટલે કે, માત્ર 15-20 રૂપિયામાં પ્રતિ કલાકના ખર્ચે ટ્રેક્ટરનો ઉપયોગ થઈ શકે છે.
મહેશભાઈ દ્વારા બનાવાયેલા ઈ-ટ્રેક્ટરમાં 70 વોલ્ટની લીથીયમ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બેટરીને ફૂલ ચાર્જ કરવામાં આશરે 4 કલાક જેટલો સમય લાગે છે અને 10 કલાક જેટલો ટ્રેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. આ બેટરી બનાવનાર કંપની 7 હજાર કલાકની ગેરેન્ટી આપે છે જેથી ખેડૂતોને બેટરી બાબતે પણ ચિંતા ઓછી છે. સાથે જ આ ટ્રેક્ટરમા ડિજિટલ ડિસ્પ્લે ઈન્ડીકેટર સહિતની સુવિધા છે. જેમાં ટ્રેક્ટરનું તાપમાન સહિતની વિગતો જોઈ શકાશે. સાથે જ મોબાઈલ ચાર્જ કરવાની પણ સુવિધા આ ટ્રેક્ટરમાં મળી રહેશે.
આ ટ્રેક્ટરમાં 500 કીલોગ્રામ સુધી વજન ઉંચકવાની ક્ષમતા છે માટે મીની ટ્રેક્ટરની સમકક્ષ ઉપયોગ કરી શકાય તેમ છે. સાથે જ 200 મણ જેટલો વજન ખેંચવાની સુવિધા આ ટ્રેક્ટરમાં છે અને ખેતી માટે ઉપયોગી ઓજાર જોડી શકાય છે.
ખેડૂત પુત્ર મહેશભાઈ ભૂત જણાવે છે કે તેઓ એ બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. અને તેઓએ ઈ-રીક્ષાનો કોર્ષ કરી સરકાર માન્ય સર્ટીફિકેટ તેમજ આઈ.એસ.ઓ. પ્રમાણ પત્ર પણ પ્રાપ્ત કરેલું છે. ખેડૂત પુત્ર મહેશભાઈની કોઢાસુઝ અને ટાંચા સાધનો વડે પણ નવો આવિષ્કાર થયો તે વાત સાબિત કરે છે મન હોય તો માળવે પણ જવાય. મહેશભાઈનો આ આવિસ્કાર જોવા માટે આસપાસના ગામ સહિત દૂર-દૂરથી પણ લોકો આવવા લાગ્યા છે. આશા છે કે મહેશભાઈના આવિસ્કારને સરકાર પણ યોગ્ય પ્રોત્સાહન આપી ખેડૂતો માટે હાથવગુ થાય તેવું ટ્રેક્ટર બનાવવા પ્રયાસ કરવામાં આવશે.