સુરેશ ભાલીયા, Jetpur News : જેતપુરની કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલ (Kumbhani Girls Highschool)ના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તનની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટના સામે ત્યારે આવી જ્યારે વિદ્યાર્થીનીઓ આ શિક્ષકને ઉઘાડો પાડવા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કથિત મામલે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો જેતપુરમાં સામે આવ્યો છે. જેમાં કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક વીરમ નંદાણીયા વિરૂધ્ધ વિદ્યાર્થીનીઓએ રાવ કરી છે. ત્રાહિમામ પોકારી વિદ્યાર્થીનીઓએ કથિત લંપટ શિક્ષકની લીલા સમાજ સમક્ષ ઉજાગર કરી છે. વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર અને દુર્વ્યહાર કરતા શિક્ષક વિરૂધ્ધ વિદ્યાર્થીનીઓએ મોરચો ખોલી સુત્રોચ્ચાર કર્યા હતા.

કથિત ઘટનાનો આરોપી શિક્ષક વીરમ નંદાણીયા આચાર્ય બિંદુબેન ચંદ્રવાડિયાની નજીકો હોવાથી તેને છાવરમાં આવતો હોવાના પણ આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જેતપુર સિટી પોલીસ સ્ટેશન (Jetpur City Police) માં કલમ આઈપીસી 354-D અને 504 તેમજ પોક્સો એક્ટ 12 હેઠળ ગુનો નોંધી શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.