કલ્યાણપુર : દેવભમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ચંદ્રાવાડા ગામની મહિલાના મૃત્યુ બાદ કુદરતી રીતે મોત ગણાવી ઉતાવળી અંતિમ વિધી કરી દેવાયા બાદ મૃતક મહિલાની પુત્રીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદમાં તેણીએ માતાની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે તપાસ કરતા મૃતક મહિલાના સગાભાઈની અટકાયત કરી હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાં મૃતક મહિલાની હત્યા ચારિત્ર પર શંકા જવાના કારણે કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
ગતરોજ પોરબંદરના ખાપટ ગામના રહીશ ચંદ્રવાડા ગામના સામતભાઈ નાગાભાી મોઢવાડીયાની પુત્રી ભૂમિબેન પરબતભાઈ ગોરાણીયાએ શંકાના આધારે પોતાની માતાના મૃત્યુનું કારણ હત્યા હોય શકે તેવી ફરિયાદ કરી હતી. ગત તારીખ 20 જૂલાઈના રોજ તેણીની માતા સુમરીબેન સામતભાઈ મોઢવાડિયાનું મૃત્યુ થતા તેણીના કાકા, મોટાબાપુ અને ગોરાણા ગામના રહિશ તેના મામાએ હ્રદય રોગના હુમલાનું કારણ આગળ ધર્યું હતું.
શંકાસ્પદ રીતે ભારે ઉતાવળે મૃતક મહિલાના અંતિમ સંસ્કાર કરી દેવાતા મૃતક સુમરીબેન મોઢવાડિયાની પુત્રીએ પોતાના બાપુ, કાકા અને ત્રણ મામા વિરૂધ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ઉંડી તપાસ કરી જેમાં એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવી હતી. જેમાં સાયન્ટિફિક રીતે તપાસ કરી પુરાવા એક્ત્રીત કર્યા બાદ મૃતકના જેઠની પુછપરછ કરવામાં આવી હતી. પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા મૃતકના જેઠ નાગાભાઈ મોઢવાડિયા સહિતના બે શખ્સોએ મોં ખોલતા ચોંકાવનારો ખુલાસો થયાની માહિતી મળી હતી.
પોલીસને માહિતી મળી કે આરોપીઓએ બે શખ્સોને બોલાવી મૃત સુમરીબેનને ગત તારીખ 20 જૂલાઈના રોજ માથાના ભઆગે લોખંડનો સળીયો ફટકાર્યો હતો. ચારિત્ર્ય પરની શંકાને કારણે કરેલા ઝઘડામાં થયેલો હુમલો જીવલેણ સાબિત થયો અને મૃતકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. પોલીસે આ મામલે મૃતકના જેઠ તેમજ ભાઈની અટકાયત કરી હતી.
ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે ભૂમિબેનના મોટા બાપુ કાનાભાઈ નાગાભાઈ મોઢવાડિયા, કાકા બાલુભાઈ નાગાભાઈ મોઢવાડિયા અને ગોરાણાના રહિશ મામા અરજણભાઈ ગોરાણીયા, અરશીભાઈ ગોરાણીયા અને રામદેભાઈ ગોરાણીયા વિરૂધ્ધ હત્યા અને પુરાવાના નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.