રાજકોટ તા.૪ જાન્યુઆરી- ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ (Rajkot) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો સાતમો ઇનોવેશન ફેસ્ટીવલ (Innovation Festival) યોજાયો હતો. જેમાં વિરનગર પ્રાથમિક શાળાના શિક્ષક દેવકુબેન બોરીચાએ (Devkuben Boricha) પોતાનાં નવતર પ્રયોગ “જોડાક્ષર શબ્દ પટારો”નું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતુ.
ઉચ્ચ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે કામ કરતા તેમણે જોયું કે વિદ્યાર્થીઓ માતૃભાષાના વાચન- લેખનમાં કચાશ ધરાવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અપેક્ષિત અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરી શકતા નથી.જ્યાં સુધી વિદ્યાર્થીઓ દૂધભાષામાં પૂરતી અધ્યયનક્ષમતા કેળવશે નહીં, ત્યાં સુધી અભ્યાસમાં સારૂં પ્રદર્શન કરી શકશે નહીં.
ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભાષા શિક્ષક તરીકે પાયાની કચાશમાં મહાવરો આપવાની સાથે અભ્યાસક્રમ પણ પૂરો કરાવવો એ પડકારરૂપ કાર્ય છે. એમણે આ પડકારને નવતર કાર્ય સ્વરૂપે પ્રયાસમાં ફેરવી દીધો.
જોડાક્ષર શીખવવા માટે તેમણે માસવાર જોડાક્ષર શબ્દ પટારો, જોડાક્ષર શબ્દકાર્ડ દ્વારા હાજરી,જોડાક્ષર શબ્દ સાપસીડી,જોડાક્ષર રમતો, જોડાક્ષર નોંધપોથી વગેરે જેવી અનેક નવી પ્રવૃત્તિ ચાલુ કરી. જેનું ખૂબ સારૂં પરિણામ પણ મળ્યું. વર્ગના બધા જ વિદ્યાર્થીઓ અપેક્ષિત અધ્યયનસિદ્ધિ મેળવે એ માટે દેવકુબેન હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને એના માટે મૂળાક્ષર વાચન લેખનથી શરૂઆત કરવી પડે તો પણ તેઓ તત્પર રહે છે.
તેમનો આ નવતર પ્રયોગ અનેક શિક્ષકો અને ભવનના તાલીમાર્થીઓએ નિહાળ્યો. આ નવતર પ્રયોગ પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાના અન્ય શિક્ષકોને પણ ઉપયોગી બનશે. તેમના આ નવતર પ્રયોગ વિશે વિશેષ માહિતી એમની યુટ્યુબ ચેનલ EDUCATION BY D.D.BORICHA પર મળી રહેશે.