Homeગુજરાતસત્તા માટે જ્ઞાતિવાદનું તુષ્ટીકરણ કરતા ભારતીય ઝીણાઓ

સત્તા માટે જ્ઞાતિવાદનું તુષ્ટીકરણ કરતા ભારતીય ઝીણાઓ

-

Casteism in Indian Politics: Gujarati Article

વિજય બી.પારેગી (માડકા): ખસ એક એવો અતિ ચેપી રોગ છે કે તેની ખંજવાળ ખૂબ જ મીઠી લાગે છે જેમ જેમ ખણો તેમ એને ખંજવાળવાની ઈચ્છા થાય. જો ખંજવાળવાનું બંધ કરો તો પાછી બળતરા ઉપડે એટલે સતત ખંજવાળવાનું જ મન થાય..!! અને એક વખત આ ખસનો રોગ થયો હોય તો મટાડવો મુશ્કેલ બની જાય છે કારણ કે એ ચેપી રોગ છે એટલે જેટલાં પણ એના સંપર્કમાં આવે તેને ચેપ લાગતો જાય છે. જ્ઞાતિવાદ એક ખસ જેવો જ રોગ છે. કોઈ એક જ્ઞાતિના નેતા પોતાની રાજકીય ખીચડી પકાવવા જ્ઞાતિવાદનો સહારો લે એ દેખી અન્ય જ્ઞાતિને પણ આ ચેપ લાગે છે અને એ પણ પોતાની જ્ઞાતિ વિશે વિચારે છે. આવી માનસિક્તાને કારણે જ્ઞાતિવાદનું જોર વધતું જાય છે.

રાષ્ટ્રની સામાજિક એકતા અને લોકશાહીની પ્રગતિ માટેના મુળભૂત મુદ્દાઓ પર આઝાદી સમયના નેતાઓએ ભાર મૂકયો હતો. આજે સાત દાયકા પછી તે મુદ્દાને હડસેલી જ્ઞાતિવાદે સ્થાન લઈ લીધું છે. જે આજના સત્તાલોલુપ નેતાઓની દેન છે.રાજકીય બાબતોમાં જેને વિકાસવાદ કહેવામાં આવે છે તે હવે જ્ઞાતિએ સ્થાન લીધું છે. આજનો વિકાસવાદ એ જ્ઞાતિના પાયા પર રચાયેલા અમુક સમૂહ પૂરતી મર્યાદિત સંકુચિત મનોવૃત્તિ છે. પણ હકીકતમાં તેને લાગતા-વળગતા સમૂહ માટે રાજકીય સત્તા અને રાજ્યાશ્રય મેળવવા પુરતી જ હોય છે. વ્યક્તિવાદ, અલગતાપણું અને ચડતા ઉતરતા દરજ્જાના જ્ઞાતિવાદને હમણાંથી ભારતમાં વધારે પ્રમાણમાં મહત્વ આપવામાં આવે છે. આ જ્ઞાતિવાદ પ્રજાના મનોવિકાસને માટે બંધનરૂપ થઈ પડવાનો છે. આમેય જ્ઞાતિવાદ તો પ્રજાને દુર્બળ કરનારો જ રહ્યો છે. નેતાઓ ખુરશી માટે જ્ઞાતિવાદનું તુષ્ટીકરણ કરી રહ્યા છે. માન્ય જોડણીકોશ પ્રમાણે જોઈએ તો કોઈને સંતોષ આપવો કે રાજી રાખવું એવો અર્થ તુષ્ટીકરણનો થાય છે. પરંતુ રાજકીય શબ્દકોશમાં તેનો અર્થ ‘કોઈ સમુદાયને સતત થાબડતા રહેવું’ એવો થાય છે. તેનો મુખ્ય અને મોટાભાગે એકમાત્ર આશય રાજકીય લાભ ખાટવાનો જ હોય છે..!!

રાજકરણમાં જ્ઞાતિવાદને રાજકીય એજન્ડા બનાવી સત્તા સ્થાને પહોંચવાનો માર્ગ કરી દીધો છે. જે જ્ઞાતિને વધારે મહત્વ આપવામાં આવે છે એને જોઈ અન્ય જ્ઞાતિઓને પણ સત્તા મેળવવા ચાનક ચડે છે, તે પણ રાજકારણના રવાડે ચડવાથી ગંદા જ્ઞાતિવાદના રંગમાં રંગાય છે. ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદ ચરમસીમાએ પહોંચ્યું છે, ચુંટણીને તો હજી વાર છે પણ એ પહેલાં સકુનીઓ દ્વારા સત્તાની ચોપટે જ્ઞાતિવાદનાં પાસાં ફેંકાઈ ગયાં છે. લોકોની રગેરગમાં જ્ઞાતિવાદ વ્યાપી જાય એવાં કાવતરાં ચાલુ થઈ ગયાં છે. જેમ સહકારી ક્ષેત્રે નોકરી માટે જનાર બેરોજગાર યુવાનને સાંભળવું પડેલ કે કોઈ ચોકક્સ જ્ઞાતિમાં જન્મ લેવો જરૂરી છે, એમ આવનાર સમયમાં પણ ચોકક્સ જ્ઞાતિમાં જન્મેલા હશો તો જ ઉચ્ચ રાજકીય પદની આશા સેવી શકાશે..!! એવી પરિસ્થિતિ ઉભી થાય તો નવાઈ નહિ. યોગ્ય લાયકાત ધરાવતા અન્ય જ્ઞાતિના હોવાથી અપમાનનો કડવો ઘૂંટ જ પીવો પડે છે કેમ કે સત્તા પર બેઠેલ વ્યક્તિ સમગ્ર જ્ઞાતિને એક અલગ દ્રષ્ટિથી જુએ છે. આવા પ્રકારની ઈજારાશાહી દેશ માટે ખતરારૂપ સાબીત થઈ રહી છે. એક વિચારકે સાચું કહ્યું છે કે, ‘વ્યક્તિ પાસે જયારે જ્ઞાતિવાદના આધારે રાજકીય સત્તા આવી જાય ત્યારે તે પોતાના વ્યક્તિગત સ્વાર્થ સિવાય બીજું કશું જ વિચારી શક્તો નથી.’ સ્વતંત્ર વિચારક , સમાજસેવક કે સુધારક ઉભરી ન આવે તે માટે જ્ઞાતિવાદનું ઝેર ફેલાવી પ્રજાને પોતાની જ્ઞાતિના ચોગઠામાં સીમિત કરી દેવાય છે. આરોગ્ય, શિક્ષણ, રોજગારી કે વિકાસને લગતા કોઈ મુદ્દાઓ નથી એટલે સત્તા ટકાવી રાખવા કોઈપણ ભોગે જ્ઞાતિવાદના કાવાદાવા કરી રહ્યા છે. હાલમાં ફક્ત કોમી જ નહીં, જ્ઞાતિવાદી લાગણીઓ અને તેના તુષ્ટીકરણનું રાજકારણ જોરમાં છે. માત્ર જ્ઞાતિ આધારિત રાજકારણ અને અન્ય જ્ઞાતિઓને દબાવી, શોષણ કરી અને એક જ જ્ઞાતિનું પ્રભુત્વ જળવાઈ રહે અને પોતાની સત્તા પણ ટકી રહે એવી નીતિ હોય છે. બ્રિટિશ શાસકોએ ભારતમાં રહેલાં વિવિધ જૂથોને ઉત્તેજન આપી સત્તા ટકાવવા ‘ભાગલા પાડો ને રાજ કરો’ ની નીતિ અપનાવી તેમ આજે ‘જ્ઞાતિવાદ પોષો, સત્તા ટકાવો’ નીતિ થી પ્રજાને વિભાજીત કરી રહ્યા છે. એક ભાષણમાં સરદાર પટેલે કહ્યું હતું કે, ‘હવે સૌ ચેતજો. હવે પૂરેપૂરા જાગ્રત રહેજો, ગાફેલ ન રહેશો. સરકાર એકેય ઉપાય બાકી નહીં રાખે. તમારામાં ફાટફૂટ પાડશે, કજિયા કરાવશે, કંઈ કંઈ ખેલ કરશે, પણ તમે તમારા બધા અંગત કજિયાને કુવામાં નાખજો પણ એક રહેજો.’

દેશ વે’ચાયો,

જ્ઞાતિવાદના રંગે;

નેતાના લીધે.

વિજય બી.પારેગી (માડકા)

Must Read