પરાગ સંગતાણી (વેરાવળ): ગીર સોમનાથ જિલ્લા સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા જિલ્લાના જળાશયોની સ્થિતિ વિશે મળેલ માહિતી પ્રમાણે જિલ્લાની 5 સિંચાઈ યોજનાઓમાં પીવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં જો વરસાદ ખેંચાય છે તો ઓગસ્ટ મહિના બાદ હિરણ 2 સિંચાઈ યોજના કે જે વેરાવળ સોમનાથને પીવાનું પાણી તેમજ ઉદ્યોગોને વપરાશનું પાણી આપે છે.
જિલ્લાની 5 સિંચાઈ યોજનામાં નીચે પ્રમાણે પાણી નો જથ્થો આજની પરિસ્થિતિમાં છે.
હિરણ 2 ડેમમાં 77 mcft (મિલયન ક્યુબીક ફૂટ) પાણી ઉપલબ્ધ છે. જે ડેમની કુલ ક્ષમતાનું માત્ર 6% પાણી વધ્યું છે. જે આગામી ઓગસ્ટ માસ ના અંત સુધી ચાલી શકે તેટલું છે. આ આંકડાને લિટરમાં કન્વર્ટ કરવામાં આવે તો 218 કરોડ લીટર જેટલું પાણી હજુ ડેમમાં ઉપલબ્ધ છે. જે આગામી માસ સુધી ઉદ્યોગો અને નગરપાલિકાઓને પૂરું પાડી શકાશે.
હિરણ 1 સિંચાઈ યોજના ને જંગલ મધ્યમાં આવેલી છે ત્યાં 150 mcft પાણી છે જે ડેમની કુલ ક્ષમતાનું 20% છે. ઉલ્લેખનીય છે કે તેમાંનું 100 mcft પાણી જંગલી પ્રાણીઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે.
શીંગોળા પરિયોજનામાં હાલ 200 mcft પાણી છે જે ડેમની કુલ ક્ષમતાનું 15% છે.
મછુન્દ્રી પરિયોજનામાં હાલ 630 mcft પાણી છે જે ડેમની કુલ ક્ષમતાનું 60% છે.
આ સાથે રાવલ ડેમમાં જિલ્લાનું સૌથી વધુ 750 mcft પાણી છે જે ડેમની ક્ષમતાનું 75% છે.
ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડા સમયે થયેલા વરસાદને કારણે મછુન્દ્રી ડેમ અને રાવલ ડેમમાં નવા પાણી આવક થઈ હતી.
ત્યારે હાલમાં જિલ્લાના તમામ ડેમમાં પીવાના પાણી માટે પૂરતી વ્યવસ્થા છે. તેમ છતાં જો વરસાદ વધારે માત્રામાં ખેંચાય છે અને ઓગસ્ટ ના અંત સુધીમાં વરસાદ નથી થતો તો હિરણ 2 ડેમ નું પાણી પૂર્ણ થઈ શકે છે જે સોમનાથ તીર્થ, વેરાવળ પાટણ શહેર અને સ્થાનીય ઉદ્યોગો માટે મોટી સમસ્યા સર્જી શકે છે.