Homeકલમમારો શામળિયો! નરસૈયાની નહીં, નાનપથી નંદવાયેલાની હૂંડી

મારો શામળિયો! નરસૈયાની નહીં, નાનપથી નંદવાયેલાની હૂંડી

-

રામ મોરી

નાગરી નાતમાં એક સમયે ચોરેચૌટે જેના નામ પર હસાહસ અને તાળિઓની આપ-લે થતી એવું એક નામ, નરસિંહ મહેતા. જૂનાગઢનાં બજારમાં કોઈ મોટાં મનના શેઠ કે જે હૂંડી લખી આપે એની શોધખોળ કરતા જાત્રાળુઓ. મશ્કરીમાં નરસૈયા શેઠના નામની પેઢી છે એમ કહી નરસિંહ મહેતાના દ્નારે ભોળા જાત્રાળુઓને મોકલી અપાયા. રાધે ક્રિષ્ન રાધે ક્રિષ્ન જપતાં જપતાં નરસૈયાએ શામળશા શેઠના નામની હૂંડી લખી આપી. હૂંડી એટલે આમ તો અરજ કે ભલામણ. કાગળની ચબરખી પર લખાયેલી એવી નોંધ કે, ‘આ વ્યક્તિ તમારે ત્યાં આવે એટલે એમને આટલી રોકડ રકમ આપી દેવાની હું તમને ભલામણ કરું છું.’ નાગરી નાત જાણતી હતી કે જાત્રાળુઓની હૂંડી સ્વીકારનારી સામે છેડે કોઈ વ્યક્તિ નથી, પણ મહેતાજીને ભરોસો હતો કે મારો નાથ દુવારક્યાવાળો બેઠો છે એ લાજ રાખશે. આ શ્રદ્ધા અને વિશ્વાસને સૌથી પહેલાં તો નમન. આખરે ભગવાન પોતે શામળશા શેઠ બનીને આવ્યા અને નરસૈયાની હૂંડી વાંચીને જાત્રાળુઓને નાણા ધીર્યા. આ આખી કથા સૌને ખબર છે. મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી!

નરસૈયાનો જે હરખ હતો એ હરખ પણ અહીં કવિતામાં વણાયો છે.


આજે અહીં નરસૈયાની નહીં પણ નાનપથી દબાયેલા એક માણસની વાત કરવી છે. અહીં આ નાનપ એને કદાચ સામાજિક ભેદભાવથી મળી છે, અભાવોની આંટીઘુંટીમા ભીંસાયેલી પરિસ્થિતિએ નાનપ આપી છે. નરસૈયાની હૂંડીમાં જે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા આ હૂંડીમાં પણ છે. નરસૈયાની હૂંડી સ્વીકારાઈ પછી નરસૈયાનો જે હરખ હતો એ હરખ પણ અહીં કવિતામાં વણાયો છે. કવિ નીરવ પટેલની આ રચના છે.

મારા શામળિયે મારી હૂંડી પૂરી
નીકર મારી ગગલીનું આણું શેં નેંકળત?
ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી…
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન!
રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય!
ગગલીની મા તો જે મલકાય જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,
મારો ભંગિયાનો ય બેલી ભગવાન!
– નીરવ પટેલ

‘બહિષ્કૃત ફૂલો’ ભાષાપ્રેમીઓએ ખાસ વાંચવો જોઈએ.


કવિ નીરવ પટેલની રચનાઓ હંમેશા પ્રવાહની કવિતાઓ કરતાં નોખી ભાત પાડે છે. એમની દરેક કવિતામાં એક પૂર્ણ ચિત્ર જોવા મળે. તેમની કવિતામાં ઘોળાયેલું ગદ્ય સારામાં સારા ગદ્યકારની ઈર્ષાનું કારણ બની શકે એટલું સમૃદ્ધ હોય છે. આવી અનેક સુંદર રચનાઓથી તરબતર એમનો કાવ્યસંગ્રહ ‘બહિષ્કૃત ફૂલો’ ભાષાપ્રેમીઓએ ખાસ વાંચવો જોઈએ.

સૌભાગ્યવતીનું મરણ?!


હવે પ્રસ્તુત કવિતાની વાત કરીએ. ગામને છેવાડે સ્મશાન પાસે દલિતનું ખોરડું છે. આપણે માની લઈએ કે એ ખોરડામાં રહેનાર વૃદ્ધ બાપનું નામ નરશી છે. સમયની થપાટો ખાઈ ખાઈને આળી થયેલી વૃદ્ધ ચામડીને મેલ ભરાયેલા નખથી ખંજવાળી રહ્યો છે. ઝુંપડાની બહાર બેઠો બેઠો બીડી પી રહ્યો છે. ફીક્કી પડી ગયેલી તળિયે જઈને બેઠેલી આંખ્યું વારેવારે ભરાઈ આવે છે. નરશી મુંઝાયેલો છે, કેમકે જુવાનજોધ દીકરી ગગલીનું આણું કરવાનો સમય થયો છે. આણા માટેની વસ્તુઓ તો નરશી અને એની હંમેશા કમર ઝૂકાવીને ચાલતી વહુ મંગુડોશી મહામહેનતે એકઠી કરી શક્યાં છે, પણ દીકરીના ડિલે ઓઢાડીને ઠાઠથી સાસરિયે મોકલી શકાય એવી લાલ શુકનવંતી સાડી નથી. સારી સાડીના અભાવે પતિપત્ની મનમાં કોચવાયા કરે છે. મંગુ ડોશીએ નાનો પટારો ને હડફો ત્રીજી વાર ખોળી નાખ્યો પણ એટલા રુપિયા નથી નીકળ્યા કે દીકરી માટે લાલ ગવન ખરીદી શકાય. ડોશી પણ લમણે હાથ દઈ ઝૂંપડાના ઉંબરે બેઠી છે. જેનું આણું એક સારા સાડલાના વાંકે અટક્યું છે ઈ ગગલી અંધારા ખૂણામાં બેસીને નખ ચાવી રહી છે અને એની આંખ્યું આવનારા સમયના અંધારાને ઉલેચી રહી છે. ડોશી નિહાકા નાખતી જાય છે અને કૂળદેવી ચાવંડ(ચામુંડા) માને બાધા માને છે કે માડી હાલીને ચોટીલા આવીશ, મારી સોડીનું આણું ઉકેલી દે મા… એક સાડલા વાંકે મારી સોડીનું જીવતર ઉંબરેથી પાછું ઠેલાઈ જાશે. નરશીડોહો આકાશમાં કાળા ડિબાંગ વાદળને જોઈને કાળિયા ઠાકરને યાદ કરે છે. પરભા ગોરે કોઈ દિવસ મંદિરના પગથિયા ચડવા તો દીધા નથી એટલે શેરીમાં ઊભા ઊભા એ માથેથી પન્યુ ઉતારીને ઠાકરજીને પગે લાગતો. આજ ઈ ફરી પન્યુ ઉતારી ધોળા વાળને ખંખેરતો આકાશ સામે આજીજી કરે છે કે, મારા નાથ મારી લાજ રાખો. નરશીડોસા આટલું બોલ્યા કે એને પરભા ગોરની કથા યાદ આવી ગઈ. કથાના મંડપની બહાર કઢાયેલા બુટ–ચંપલને ડાઘીયા મોતિયા કૂતરાની પાંહે બેસીને એણે નરસિંહ મહેતાની વાત સાંભળેલી. ઈમાં નરસૈયાની હૂંડી ભગવાને સ્વીકારેલી. નરશી ડોહાને થયું કે મારા નાથ, મહેતા જેટલી બુદ્ધિ તો નથી પોગતી પણ મારી અરજ પોગાડું છું, સાંભળી લેજો. સાંજ પડવા આવી. આખા આકાશમાં લાલીમા પથરાઈ ગઈ. ડોશી વાંકી વાંકી ઘરમાં ગઈ અને એણે ચૂલો સળગાવ્યો. ચૂલાના અજવાસમાં એણે ગગલીનું રોઈ રોઈને રાતુંચોળ થઈ ગયેલું મોઢું જોયું. ઈ કશું બોલી શકી નહીં, ટગર ટગર ચૂલે બળતી આગ જોઈ રહી. એકાએક એને રામ બોલો ભાઈ રામ… રામ રામ… રામ બોલો ભાઈ રામ… અવાજ સંભળાયા. ગગલી સામે જોઈને ડોશી બોલી કે, માળું બેટું ગામમાંથી કોણ ગયું? કોઈને ખાટલા પથારી તો હતી નહીં. એ વાંકી વાંકી બહાર આવી. ત્યાં ખબર મળ્યા કે ગામમાં ગઈ પૂનમે મોટી ડેલીમાં પરણીને આવેલી ગરાસણી મૃત્યુ પામી છે. ડોશી નરશી ડોસાની સામે જોઈ રહી. માણસોનું ધણ નનામી લઈને સ્મશાને આવી રહ્યું હતું. ડોશી મનમાં બોલી કે, સૌભાગ્યવતીનું મરણ?! એણે ફરી ડોસા સામે જોયું. ડોસાએ જોયું કે ડોશીની આંખમાં હરખ ઉગ્યો અને પછી એ હરખના આંસુડાની કરચલીવાળા ગાલે લાંબી ધાર “એય મારી ગગલી, માર પેટ તારું આણું હવે થાહે જો… હે ચાવંડા મારી બાધા ફળી.” ડોસાને હજું સમજાયું નહીં, પણ ડોશીની તગતગતી આંખમાં નનામી પર સૂતેલી ગરાસણીના અંગે ઓઢાડેલું રાતુચોળ ગવન દેખાયું. ડોસો ઉપર રાતાચોળ અંકાશમાં જોઈને રોઈ પડ્યો કે, મારા નાથ તારી લીલા! માબાપને હરખાતા સાંભળીને ગગલી ફટાફટ ઝૂંપડાની બહાર આવી. નરશી ડોસાએ દીકરીનું રાતુચોળ મોઢું જોયું ને જાણ્યું કે દીકરી પણ માની જેમ ચિતા પરથી કાઢવામાં આવેલા રાતાચોળ સાડલાને જોઈ રહી છે. મા–દીકરી બેય એકબીજાને અડઘા–પડધા ઝાલીને રોઈ પડ્યાં. ડાઘુઓએ રાતા ગવનને કાઢીને બાજુમાં ઉગેલા આંકડાના છોડ બાજુ ઘા કર્યો. આથમતા આકાશ બાજુનો પવન લહેરાયો. આંકડાના છોડે પથરાયેલું રાતુચોળ ગવન લહેરાઈ રહ્યું હતું. ચિતાની રાતીચોળ જ્વાળા આકાશને આંબવા અધીરી થઈ. મંગુ ડોશી નેઝવું કરી કરીને રાતાચોળ ગવનને જોઈ રહીને ચિતાના ઓવારણા લઈને બોલી કે, “મારી હાહુ, આ ડાઘુઓ મસાણ મેલે ને સીધી પરબારી દોડ મેલુ ઓલા આંકડા પાસે ને મારી સોડી હાટું ગવન ખેંચી લાવું.” આથમતા આકાશ તરફ જોઈને નરશીએ ભીની આંખો ફરી લૂંછી ને બોલ્યો કે આજ સમજાયું, અમારા દરેકનો બેલી છે ભગવાન!

કવિતા એ સમાજનો અરીસો છે એ વાત સાંભળી તો હતી.


આ કવિતા વાંચીને સુન્ન થઈ જવાય છે. એવું લાગે જાણે આપણી સુધબુધ બહેર મારી ગઈ છે. કોઈએ ગાલ પર કસકસાવીને તમાચો માર્યો હોવાની લાગણી થઈ આવે છે. હસવું કે રડવું એ સમજાય નહીં ને છતાં રચના પર વ્હાલ થઈ આવે. આ તો કેવી કથા! કવિ નીરવ પટેલે આમ તો એક સામાજિક ચિત્ર ઊભું કર્યું છે પણ એ ચિત્રને જોયા પછી આપણે આમાં કેટલા અંશે જવાબદાર અને આપણે હવે શું કરી શકીએ… ભાવકની અંદર ઉમટતા આ વિચારો, એ આ કવિતાની સફળતા છે. પીડામાંથી અહીં પરમ આનંદ શોધાયો છે. માણસ કેવી રીતે કેવા કેવા સંજોગોમાંથી જવાબ શોધતો હોય છે, એ વાતની વિચિત્રતા અહીં રજૂ થઈ છે. કવિતા એ સમાજનો અરીસો છે એ વાત સાંભળી તો હતી પણ આ કવિતા વાંચી ત્યારે શબ્દશ: સમજાઈ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...