Wankaner News : ગુજરાતમાં હવે હત્યાના બનાવો સામાન્ય બની ગયા છે. નજીવી બાબતના ઝગડા હત્યામાં પરિણમે છે. ત્યારે મોરબી (Morbi News)ના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં મંદિર નજીક લઘુશંકા કરવા બાબતે બે ઇસમોએ યુવાન સાથે બોલાચાલી કરીને છરીનો ઘા ઝીંકી દેવાની ઘટના સામે આવી છે. યુવાનને ગળાના ભાગે છરી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, માટેલ ગામમાં રહેતા લાલજીભાઈ ટીસાભાઈ સરાવાડિયા (ઉં.23) ગામના દશામાંના મંદિર નજીક સાઇડમાં લઘુશંકા કરતા હતા. ત્યારે સુરેશ સાદુર વિંજવાડિયા અને વિપુલ ધીરાભાઈ નામના બે શખ્શોએ અહીં લઘુશંકા કેમ કરે છે કહીને ગાળો આપીને ઢીકોપાટુનો માર માર્યો હતો.
વધુ વાંચો- લો બોલો… ચોર દાગીના તો ચોરી ગયા પણ ગીતાજીની ચોપડી પણ ચોરી ગયા: જામજોધપુર
તે ઉપરાંત આરોપી વિપુલભાઈ ધીરાભાઈએ છરી વડે લાલજીભાઈને પગના સાથળમાં ઘા મારીને ઈજા કરી હતી. જેમાં આરોપી વિપુલનો હાથ પકડવા જતા લાલજીભાઈને ગળાના ભાગે છરી વાગી જતા ઈજા પહોંચી હતી. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સુરેશ સાદુર વિંજવાડિયા અને વિપુલ ધીરાભાઈ રહે. બંને માટેલ તા. વાંકાનેર વાળા વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
