Rajkot Updates News રાજકોટ : રાજ્યમાં સતત વધતા કોરોના કેસ ચિંતા વધારી રહ્યાં છે. ત્યારે રાજકોટ અને જામનગરની શાળાના વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયા કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મનપાની તમામ શાળામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળા માટે માસ્ક ફરજિયાતનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શાળા માટે માસ્ક ફરજિયાત
કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લેતા જામનગરની શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાવનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સંઘની 46 શાળાઓ છે. મનપા કમિશનર વિજય ખરાડીએ વિદ્યાર્થીઓને આવતીકાલે તારીખ 21 જૂનથી ફરજિયાત માસ્ક સાથે શાળામાં હાજર થવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાં એક પખવાડીયામાં સંક્રમિતોની સંખ્યા 27 નોંધાઈ છે.
જીએસટીવી ન્યૂઝની વેબસાઈટ પરથી મળતી માહિતી મુજબ, રાજકોટમાં પણ જિલ્લા શિક્ષણ અધિકારી બી. એસ. કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાતનો સોમવારે નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ ન વધે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ન બગડે અને સુરક્ષિત રહે માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પણે પાલન કરવા માટે શાળાઓને સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આજરોજ તારીખ 20 જૂનના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 02 કોવિડ સંક્રમિત દર્દીઓ નોંધાયા છે, જ્યારે 42 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટીંગ વધારી દેવાનો પણ આદેશ કર્યો હતો અને માસ્ક પહેરવા માટે પણ લોકોને અપિલ કરી હતી.