Surat News Gujarati સુરત : મહારાષ્ટ્રથી શિવસેનાના ધારાસભ્યો ગુજરાત (Shivsena MLA in Gujarat) ના સુરતની હોટલમાં પહોંચ્યા છે. પરંતુ આ ધારાસભ્યો કોઈ પ્રવાસ કે મુલાકાત પર નથી તે સ્પષ્ટ છે. આ અહેવાલો સામે આવતા જ મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકારણમાં ગરમી જોવા મળી રહી છે. પંરતુ આ સમગ્ર ઘટના ક્રમ પાછળ રાજકીય લડાઈ સામેલ હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.
રાજકીય અરમાનોની આ લડાઈ વર્ષ 2019માં શરૂ થઈ હતી જ્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી હતી. મુખ્યમંત્રી પદને લઈ શિવસેના અને ભાજપ વચ્ચે ઘમાસાણ હતું. બાદમાં આ લડાઈ શિવસેનામાં પ્રવેશી અને હવે આર-પારની લડાઈ લડાતી હોય તેમ જણાય છે. શિવસેનાના નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) બગાવતનું બ્યુગલ ફૂંકી દીધું છે. પરંતુ શા માટે તેઓ બગાવતના મૂડમાં આવી ગયા ? આ સવાલનો જવાબ મેળવવા થોડું મહારાષ્ટ્રમાં શિવસેનાનું રાજકારણ સમજવું પડશે.

મહારાષ્ટ્રમાં સત્તાની ખુરશી પર બિરાજમાન થવા માટ શિંદે અનેક રીતે પ્રયાસો કરી રહ્યાં હતા. ટૂંકમા કહી શકાય કે તેમનું સપનું હતું પણ હવે એ સપનું સતત તૂટી રહ્યું હતું. માટે તેમણે પોતાના સપનાને પુરા કરવા માટે બગાવતનો માર્ગ અપનાવ્યો છે. આમ તો ગત વિધાનસભા ચૂંટણી બાદથી જ મહારાષ્ટ્રમાં રાજકારણ ખુબ ઝડપથી પડખા ફેરવતું જોવા મળ્યું છે. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપી મળીને સરકાર બનાવવામાં સફળ રહી હતી. પરંતુ હવે ફરી સરકાર જોખમમાં આવે તેવા એંધાણ વ્યક્ત થઈ રહ્યાં છે. જેના પગલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.
મહાવિકાસ અઘાડીની સરકારમાં સહયોગી દળ એનસીપી અને કોંગ્રેસ પણ સતર્ક બની ગયા છે. તેઓ પણ પોતાના ધારાસભ્યોને હાથ પર લેવા અને બેઠક કરવા બોલાવવા લાગ્યા છે. પરંતુ ક્યારેક એક શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવીશ તેવું નિવેદન આપનાર ઉદ્ધવ ઠાકરે અધવચ્ચે ફસાયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કેટલાક અહેવાલોમાં એકનાથ શિંદે પાસે 35થી વધારે ધારાસભ્યો હોવાનો દાવો કરાયો છે જો આ સ્થિતી હોય તો શિવસેના બે ટૂકડામાં વિભાજીત થઈ શકે છે. ખરેખર આ સ્થિતી હોય તો મહારાષ્ટ્રની સરકારનું કામ સુરતથી ગોટાળે ચડે તો ના નહીં.
ઉદ્ધવ ઠાકરે એ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં વર્ષ 2019ની ચૂંટણી સમયે એક નિવેદન આપ્યું હતું કે, મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી એક શિવસૈનિક જ બનશે. ત્ણે કહ્યું હતુ કે તેઓ એક શિવસૈનિકને મુખ્યમંત્ર બનાવીને જ રહેશે. તેમણે તો એવું પણ કહ્યું હતું કે, મેં બાલાસાહેબ ઠાકરેને આ વચન આપ્યું હતું. છતાં મહાવિકાસ અઘાડી સરકાર બનાવી વાત આવી ત્યારે એકનાથ શિંદેનું નામ આગળ આવવા લાગ્યું હતું ત્યારે ઉદ્ધવ ખુદ મુખ્યમંત્રી પદનો દાવ કરી ગયા હતા.
મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે શિવસેનાને મુખ્યમંત્રી પદ મળશે ત્યારે જ શિંદેના સમર્થકો શિંદેના નામને આગળ કરવા લાગ્યા હતા. સાથે જ પોસ્ટર લગાવી એકનાથ શિંદેને ભાવી મુખ્યમંત્રી બતાવતા પ્રયાસ પણ જોવા મળ્યા હતા. પરંતુ જ્યારે ઉદ્ધવ મેદાને આવ્યા ત્યારે એકનાથ શિંદેનું પત્તુ કપાઈ ગયું હતું.
બાદમાં શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેને પક્ષમાં હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં શિવસેનાના તાકતવર મંત્રી એકનાથ શિંદે હવે હાસ્યા તરફ ધકેલાતા હતા. છેલ્લા કેટલાક સમયથી તેમને મોટા નિર્ણયોથી પણ દૂર રાખવામાં આવી રહ્યાંની ચર્ચા વહેતી થઈ હતી. નિષ્ણાતો માને છે કે, શિંદે સમજી ગયા હતા કે હવે શિવસેનામાં તેમના માટે જગ્યા નથી રહી માટે તેમણે આ દાવ રમ્યો છે.