Gujarati News Live શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓનું કાયરતાભર્યું કૃત્ય સામે આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા શિક્ષકનું નામ રજની રાજકુમાર છે. તે સાંબાની રહેવાસી હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કુલગામના ગોપાલપોરાની છે. અહીં આતંકવાદીઓએ ગોપાલપોરા હાઈસ્કૂલના મહિલા શિક્ષક રજની પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા શિક્ષીકાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બીજી તરફ જે વિસ્તારમાં હુમલો થયો તે વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
કુલગામમાં મહિલા શિક્ષિકાની આતંકીઓએ ગોળી મારી નિપજાવી હત્યા: શ્રીનગર Gujarati News Live
કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે, આ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓની ટૂંક સમયમાં ઓળખ કરવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે.
તાજેતરમાં જ થયેલી હત્યાઓતાજેતરમાં જ થયેલી હત્યાઓ
25 મે 2022 – કાશ્મીરી ટીવી કલાકાર અમીરા ભટ્ટની ગોળી મારી હત્યા.
24 મે 2022- આતંકવાદીઓએ પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી. આ હુમલામાં 7 વર્ષની બાળકી ઘાયલ થઈ હતી.
17 મે 2022- આતંકવાદીઓએ બારામુલ્લામાં વાઈન શોપ પર ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં રણજીત સિંહનું મોત થયું હતું. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
12 મે 2022 – કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની બડગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી. આતંકવાદીઓ તેમની ઓફિસમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો.
12 મે 2022- પુલવામામાં પોલીસકર્મી રિયાઝ અહેમદ ઠાકોરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
9 મે 2022 – શોપિયાંમાં આતંકવાદીઓના ગોળીબારમાં એક નાગરિકનું મોત. જેમાં એક જવાન સહિત બે ઘાયલ થયા હતા.
2 માર્ચ, 2022 – આતંકવાદીઓએ કુલગામના સાંડુમાં પંચાયતના સભ્યની ગોળી મારી હત્યા કરી.
સુરક્ષા દળોએ ઓપરેશન વધુ તીવ્ર કર્યું
બીજી તરફ ઘાટીમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓને જોતા સુરક્ષા દળોએ ઓપરેશન તેજ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહમાં 16 આતંકવાદીઓ માર્યા ગયા છે.
- 25 મે- બારામુલ્લામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા. આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ શહીદ થયા.
- 27 મે- શ્રીનગરના સૌરામાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા.
- 28 મે- સુરક્ષા દળોએ અવંતીપોરામાં બે આતંકવાદીઓને ઠાર કર્યા.
- 29 મે – પુલવામામાં બે આતંકવાદીઓ માર્યા ગયા.
- 30 મે – અવંતીપોરામાં બે આતંકવાદીઓ માર્યા ગયા.
મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ શોક વ્યક્ત કર્યો હતો
બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ મહિલા શિક્ષકની હત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ જેવા ભારત સરકારના દાવા છતાં નાગરિકોની હત્યા થઈ રહી છે. આ ચિંતાનો વિષય છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું, હું આ કાયરતાપૂર્ણ કૃત્યની નિંદા કરું છું. સાથે જ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, આ દુઃખદ છે. નિઃશસ્ત્ર નાગરિકો પરના તાજેતરના હુમલાઓમાં બીજું નામ. તેમણે કહ્યું, જ્યાં સુધી નિંદા અને શોકના શબ્દો પોકળ છે.