Gujarati Story : વિજય બી. પારેગી (માડકા) : મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનનો છેલ્લો દિવસ મળસ્કે પ્રાર્થનાથી શરૂ થયો. પલાઠી વાળીને આરસની દિવાલ પાસે બેઠેલા તેમણે અંતેવાસીઓ સાથે છેલ્લી વખત ભગવદ્ ગીતાનો પાઠ કર્યો. શુક્રવારના દિવસે પહેલા અને બીજા અધ્યાયમાં પ્રાર્થના પૂરી થયા પછી મનુ ગાંધીને અલાયદા કમરામાં તેમને દોરી ગઈ.
બીજી તરફ આગલે દિવસે નક્કી કર્યા મુજબ કટ્ટર હિંદુત્વવાદી વિચારો ધરાવનાર નાથુરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે જૂની દિલ્હી સ્ટેશનના રૂમમાં હતા. ગોડસે તે દિવસે વહેલો ઉઠ્યો હતો. તેઓ બે કલાક રૂમમાં સાથે બેસીને ગપ્પાં મારતાં મારતાં ગંભીર બન્યા તેનું કારણ એ હતું કે નથુરામે તે દિવસે સાંજે ગાંધીને મારી નાખવાનું નક્કી તો કર્યું હતું પણ કેવી રીતે એ કામ કરશે તે નક્કી ન હતું. તેમને હત્યાની યોજના કરવાની હતી.
એક વખત મળેલી નિષ્ફળતા પછી બિરલા ભવનમાં પોલીસ જાપ્તો કડક હશે અને અંદર પ્રવેશવું મુશ્કેલ બનશે તે પણ કલ્પી લીધું હતું. સભામાં જતાં માણસોની જડતી લેવાય તેમ પણ બને એટલે જ પિસ્તોલ અંદર લઇ જવાનો ચોક્કસ સલામત રસ્તો વિચારતા હતા. ઘણી ચર્ચા કરી આખરે નાથુરામને એક વિચાર આવ્યો. તેણે કહ્યું કે, બજારમાં જઈને જૂની પદ્ધતિનો ડબલાં જેવો કેમેરો ખરીદી લાવીએ. કેમકે કેમેરામાંથી ફોટા લેતી વખતે માથે કાળી ચાદર ઓઢવાની હોય છે. એ કેમેરામાં આપણે પિસ્તોલ છુપાવી દઈશું. નાથુરામ એવું વિચારતો હતો કે કેમેરો ગાંધીની સામે પહેલા જઈને ગોઠવી દેશું. પછી જ્યારે ગાંધી આવે ત્યારે માથા પર કાળો પડદો ઓઢીને ફોટો લેતો હોય એમ કરીશું અને તે વખતે પિસ્તોલ કાઢી શકાશે.
આવો વિચાર કરીને તેઓ એક ફોટોગ્રાફરની શોધમાં નીકળ્યા કે જેનો કેમેરો ખરીદી શકાય. સ્ટેશનની પાસે જ એમને એવો ફોટોગ્રાફર મળી ગયો. ત્યાં થોડીવાર કેમેરાને ધ્યાનથી જોયા પછી આપ્ટે બોલ્યો કે આ વિચાર બરાબર નથી. હવે આવો કેમેરો કોઈ વાપરતુ નથી. ગાંધીની સભામાં ફોટા લેવા માટે આવો કેમેરો લઈને કોઈ જવા નહીં દે. આમ એ વિચાર પડતો મૂકી પાછા રિટાયરિંગ રૂમમાં આવીને મુસ્લિમ સ્ત્રીઓના બુરખાનો વિચાર કર્યો.
પ્રાર્થના સભામાં ઘણી સ્ત્રીઓ બુરખો પહેરીને આવતી પણ ખરી. વળી સ્ત્રીઓ હંમેશાં ગાંધીની પાસે જ બેસતી તે જોતાં નથુરામને છેક નજીક જવામાં તકલીફ પડશે નહીં એમ ઉત્સાહિત થઈને બજારમાં ગયા અને મોટામાં મોટી સાઈઝનો બુરખો ખરીદી લાવ્યા. જ્યારે નાથુરામ એ તે બુરખો પહેર્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે યુક્તિ કામયાબ નીવડે એમ નથી. બુરખાની આ બધી ગડીઓ વચ્ચેથી પિસ્તોલ કાઢી જ નહીં શકાય અને સ્ત્રીના વેશમાં જ ગાંધીને માર્યા વગર શરમજનક રીતે પકડાઈ જવાની બીક પણ લાગી. તેમની પાસે ફક્ત છ કલાકનો જ સમય હતો. આખરે આપ્ટેએ કહ્યું કે નાથુરામ ઘણી વખત સાવ સાદી રીત ઘણી કામયાબ નીવડતી હોય છે એટલે તારા માટે ભૂખરા રંગનો લશ્કરી ડ્રેસ લઈ આવીએ તેના ખુલતા શર્ટ હેઠળ ખિસ્સામાં સહેલાઈથી પિસ્તોલ રાખી શકાશે. આ પ્રમાણે નક્કી કરી બજારમાંથી નાથુરામ માટે અનુકૂળ દરવેશ ખરીદી લાવ્યા. તે પછી રૂમમાં આવીને આરામ કરતાં કરતાં બરાબર યોજના નક્કી કરી.
ત્યારબાદ બિરલા ભવનમાં નાથુરામની આજુબાજુમાં ગોઠવાઈ જવાનું નક્કી કર્યું જેથી કદાચ તેને ગોળી મારતાં કોઇ રોકે તો તેમને અટકાવી શકીએ. આ દરમિયાન નિયમ મુજબ રિટાયરિંગ રૂમ છોડવાનો સમય થયો એટલે નાથુરામે પિસ્તોલમાં કાળજીપૂર્વક સાત બુલેટો ભરીને પાટલુનના પાછલા ખિસ્સામાં મૂકી.
સ્ટેશન તરફ જતી વખતે એકાએક નાથુરામે કહ્યું કે મને સીંગ ખાવાનું મન થયું છે. એક નાનકડી એ માંગણી હતી પણ તેના સાથી મિત્રોને કેટલી લાગણી હતી કે નાથુરામ માટે ગમે તે કરવા તૈયાર હતા કેમકે તે પોતાની જિંદગીનું બલિદાન આપવા તૈયાર થયો હતો.
નારાયણ આપ્ટે તરત જ સીંગનાં ફોફાંની શોધમાં નીકળ્યો ત્યાં જ થોડીવારે તે પાછો આવ્યો. તેને દિલ્હીમાં ક્યાંય ફોફાં ન મળતાં તેને બદલે કાજુ કે અખરોટ લઈ આવવા પુછ્યું પણ હઠાગ્રહી નાથુરામે કહ્યું કે નહીં મારે તો ફોફાં જ ખાવાં છે. ખોટું ન લાગે એ માટે આપ્ટે ફરી પાછો શીંગની શોધમાં નીકળ્યો અને આખરી થેલી ભરીને શીંગ લઈ આવ્યો. નાથુરામ આતુરતાથી એ ખાતો રહ્યો. તેણે શીંગ પતાવી ત્યાં સુધીમાં તો નીકળવાનો સમય થઈ ગયો.
સૌ પહેલા મંદિરમાં ભગવાનનાં દર્શન કરવા ગયા. નાથુરામને ભગવાનમાં ખાસ રસ ન હતો તેણે મંદિરની પાછળના બગીચામાં આંટા માર્યા. દર્શન કરી થોડા સિક્કા મંદિરમાં નાખ્યા; પૂજારીને પણ થોડુંક દાન કર્યું. મંદિરમાં ફૂલ ચડાવ્યાં જમનાનું પાણી માથે ચડાવીને સફળતા માટે આશીર્વાદ માંગ્યા. બહાર શિવાજીના પૂતળા પાસે ઉભેલા નાથુરામે પુછ્યું: દર્શન કરી આવ્યા ? આપ્ટે અને કરકરેએ હા પાડી ત્યારે તેણે કહ્યું : મેં પણ દર્શન કરી લીધા છે.
નાથુરામે કોઈ મંદિરના દેવનાં દર્શન કર્યા નહોતા પણ હિન્દુ સામ્રાજ્યના સ્વપ્નને આકાર આપવા માટે તે એકાદ કલાક બાદ જ વિશ્વને ખળભળાવી નાંખનારું ખૂન કરવા તૈયાર થયો હતો. ત્રણેય જણ થોડીવાર બગીચામાં ફર્યા, આપ્ટેએ ઘડિયાળ જોઇ કહ્યું સાડા ચાર થયા. નાથુરામે કહ્યું સમય થઈ ગયો છે. બંને સાથીઓ તરફ તેણે હાથ જોડીને કહ્યું નમસ્તે આપણે કદાચ ફરી ક્યારેય નહીં મળીએ. કરકરે તેના તરફ જ જોતો રહ્યો અને બહાર નીકળીને ઘોડાગાડી ભાડે કરી લાવ્યો. તેમાં બેસી ત્રણેય બિરલા ભવન તરફ ચાલ્યા.
ગાંધી એ દિવસ પણ રાબેતા મુજબ જ એક પણ મિનિટે ગુમાવ્યા વગર કામમાં જ ગાળી રહ્યા હતા. ઉપવાસ કર્યા પછી પહેલીવાર તે ટેકા વગર ચાલી શકતા હતા. તેમનું વજન પણ અડધો રતલ વધ્યું હતું તેમનામાં ઘણી શક્તિ પાછી આવી રહી હતી.
ઈશ્વર હજુ પણ ગાંધી પાસે સામે પડેલાં મોટાં કાર્યો કરાવવા માંગતો હોય તેમ ગાંધીને લાગતું હતું. મધ્યાહન પછી તેમની સાથે ડઝનેક જેટલા લોકો ચર્ચા વિમર્શ કરવા આવ્યા હતા. તેમજ છેલ્લા તેમના સૌથી જૂના અને સૌથી વફાદાર અનુયાયી વીસમી સદીના અલ્પભાષી જેમણે ગાંધીની કોંગ્રેસને ઘડી હતી તે વલ્લભભાઈ પટેલ. તે બંને વાત કરતા હતા ત્યારે આભા તેમને માટે સાંજનું ભોજન લાવી : દહીં, ભાજી અને નારંગી. તેમણે ખાણું પતાવીને પોતાનો રેંટિયો મંગાવ્યો.
સરદાર સાથે વાતચીતની સાથે-સાથે ગાંધી તેમના જીવનની છેલ્લી પળોમાં પણ રેંટિયો ચલાવતા હતા. “શ્રમ કર્યા વગર ખાવું તે ચોરી છે” એ સિદ્ધાંત પ્રમાણે ગાંધી છેલ્લા કલાકોમાં પણ શ્રમ કરતા રહ્યા. હત્યારાઓ એ વખતે ગાંધીના કમરાની બહાર આવેલા બગીચામાં આવી પહોંચ્યા હતા.
બિરલા ભવનમાં પ્રવેશવામાં કોઈ પ્રશ્ન ન નડયો. સંત્રીઓની સંખ્યામાં વધારો થયો હતો પણ જડતીઓ લેવાતી ન હતી. નાથુરામ સલામત રીતે પ્રવેશી ચૂકયો. લોકો લૉનમાં અહીંતહીં બેઠાં કે ઉભાં હતાં. પાંચ વાગવા આવ્યા અને પ્રાર્થનાનો સમય નજીક આવતાં બધાં એકઠાં થવા માંડ્યાં. આપ્ટે, કરકરે નાથુરામની બાજુમાં ગોઠવાયા પણ એકમેક સાથે બોલ્યા નહીં કે એકમેક તરફ જોયું પણ નહીં.
નાથુરામ પોતાનામાં મગ્ન હતો જાણે કે એના સાથી મિત્રોને પણ ભૂલી જ ગયો હોય તેમ લાગતું હતું. તેમની યોજના પ્રમાણે ગાંધી સભાની સામે બેસે પછી તેમને ખતમ કરવા આ માટે સભાને જમણે છેડે આગળના ભાગમાં જગ્યા લીધી હતી. ઘડિયાળ જોતાં રોજના કરતાં ગાંધીને એ દિવસે મોડું થયું હતું. શા માટે મોડું થયું હશે એમને ખબર ન હતી.
મનુ અને આભા પણ થોડાં વિહવળ થઇ ગયાં હતાં. પાંચ વાગીને દસ મિનિટ થઈ ગઈ હતી. મોડા પડવા જેવી બાબત જેટલો ધિક્કાર ગાંધીને બીજી કોઈ વસ્તુ પર ન હતો. ગમે તેમ પણ વલ્લભભાઈ સાથેની વાતચીતનો સૂર એટલો ગંભીર હતો કે બંને છોકરીઓમાંથી કોઈએ તેમાં ખલેલ પાડવાની હિંમત કરી નહીં. આખરે મનુએ ગાંધીને ઈશારો કરીને ઘડિયાળ બતાવી. ગાંધીએ પોતાની ઈંગરસોલમાં જોયું અને એકદમ સાદડી પરથી બેઠા થઇ ગયા. તેમણે સરદાર પટેલને કહ્યું મને તમારે રજા આપવી પડશે કેમ કે ઈશ્વરની બેઠકમાં જવાનો મારો સમય થઈ ગયો છે. તેઓ પોતાના નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યા.
બગીચામાં રાબેતા મુજબ જે નાનકડી ટુકડી તેમની સાથે આવતી તે એકઠી થઇ પણ તેમાં બે સભ્યો ન હતા. ગાંધીના ડૉક્ટરો અને પરિચારિકા સુશીલા નય્યર હર હંમેશ ગાંધીની આગળ ચાલતાં. તે હજુ પાકીસ્તાનથી પાછાં આવ્યાં ન હતાં અને પથારીવશ વખતે ડી.ડબલ્યુ.મહેરાએ જે પોલીસ અફસરે પોતાની ફરજ બજાવી હતી તે પણ ન હતા. દિલ્હીના સફાઈ કામદારો બીજે દિવસે હડતાળ પર જવાના હતા એટલે પોલીસ બંદોબસ્ત કરવા માટે કોઈ અર્જન્ટ મીટીંગમાં તેમને જવાનું થયું હતું.
મનુએ રોજની માફક ચશ્મા અને તેમણે લખેલા પ્રાર્થના પ્રવચન માટેની નોટબુક લીધી. મનુ અને આભાએ પોતાના ખભા ટેકા માટે આપ્યા અને ગાંધીએ છેલ્લી યાત્રા માટે ડગલાં ભરતા ભરતા બોલ્યે જતા હતા કે તમે મારી ઘડિયાળ છો. મારે શા માટે ઘડિયાળ જોવી જોઈએ. મને પ્રાર્થના વખતે એક મિનિટ મોડું થાય તે સહન થતું નથી, બિલકુલ ગમતું નથી.
આમ વાત કરતા કરતા જ પ્રાર્થના સભાના લાલ શમિયાના તરફ ચાલતા હતા. સૂર્યાસ્તનાં કિરણો ગાંધીના માથા પર ચમકતાં હતાં. ગાંધીએ બંને હાથ છોકરીઓના ખભા પરથી ઉઠાવીને રાહ જોતા લોકોને વંદન કર્યા. કરકરેએ તે વખતે લોકોના ટોળામાંથી ‘બાપુજી, બાપુજી’ ના ધીરા ઉદગારો સાંભળ્યા હતા. ગાંધીને રસ્તો કરી આપતાં લોકોને જોતાં જ એ ક્ષણે નક્કી કરી લીધું કે હવે ઠાર મારવાનો સમય આવી ગયો છે. મનુએ ખાખી ડ્રેસમાં સજ્જ એ હટ્ટાકટ્ટા આદમીને ડગલું ભરતાં જોયો. લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા અને ગાંધી વચ્ચેથી આવતા હતા તેમની પાછળ તેમની રોજની નાનકડી ટુકડી હતી.
કરકરેની આંખ નાથુરામ તરફ મંડાયેલી હતી. તેણે પોતાની પિસ્તોલ ખિસ્સામાંથી કાઢી અને બંને હથેળીઓ વચ્ચે દબાવી. જ્યારે ગાંધીજી ફક્ત ત્રણ જ ડગલાં દૂર હતા. ત્યારે નાથુરામ વચ્ચે ઊભો રહી ગયો વંદન કરતી તેની હથેળીઓ વચ્ચે પિસ્તોલ હતી તે ધીરેથી નીચે નમ્યો. મનુને લાગ્યું કે તે ગાંધીના પગ ચુમવા માંગતો હશે. ધીરેથી તેણે પોતાનો હાથ લંબાવ્યો અને કહ્યું ભાઈ બાપુને દસ મિનિટ તો મોડું થઈ જ ગયું છે થોડા દૂર રહોને..!! તે જ સમયે નાથુરામે ડાબે હાથે ઝટકો આપ્યો અને પાશવી તાકાતથી તેણે મનુને હડસેલી દીધી.
તેના જમણા હાથમાં કાળી બેરેટા પિસ્તોલ તૈયાર જ હતી. એક પછી એક નાથુરામે ત્રણ વાર કર્યા. પ્રાર્થનાસભાની શાંતિમાં ત્રણ તીખા ધડાકા થયા. નાથુરામ ગોડસે આ વખતે નિષ્ફળ નિવડયો ન હતો. એણે મારેલી ગોળીઓ નાજુક હાડપિંજરમાં ખૂંપી ગઈ હતી.
માઉન્ટબેટન ઘોડે સવારી કરીને આવી રહ્યા હતા ત્યારે તેમણે હત્યાના સમાચાર સાંભળ્યા. તેમના મોંમાંથી પ્રથમ શબ્દ સર્યા કોણે કર્યું એ..!! ‘અમને ખબર નથી સાહેબ’ તેમના એડીસીએ કહ્યું. માઉન્ટબેટને ઝડપથી કપડા બદલ્યા અને તેમના અખબાર મંત્રી એલન કેમ્પબેલ જહોનસનને સાથે લીધા. બંને જણ બિરલા ભવનમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો કમ્પાઉન્ડમાં ભીડ જામી ગઈ હતી. એ બંને જણ ભીડમાંથી રસ્તો કરતા અંદર ગયા ત્યારે એક આદમીએ ભયાનક રીતે જોરજોરથી બૂમ પાડી કે આ ખૂન મુસલમાને કર્યું.
માઉન્ટબેટન એ આદમી તરફ ગયા અને કહ્યું અરે મૂરખ કોઈને ખબર નથી કે ખૂન કરનાર હિન્દુ હતો કે મુસ્લિમ હતો ? પણ જો એ મુસ્લિમ હશે તો વિશ્વમાં ક્યારે ન થયો હોય તેવો માનવ સંહાર સર્જાશે આવી માઉન્ટબેટનની જેમ હજારોને ચિંતા થતી હતી. ગાંધીનો હત્યારો જો મુસ્લિમ હોય તો તેનાથી હિન્દ જે સર્વનાશમાં ગર્ત થઇ જાય તેનો પુરો ખ્યાલ ઑલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટરને પણ હતો એટલે જ ચાલુ કાર્યક્રમ અટકાવીને મહાત્માના સમાચાર આપવાને બદલે તેમણે કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખ્યો હતો.
રેડિયો સ્ટેશન પર કેટલાય ટેલિફોનો રણકી ઉઠયા અને ભારતભરમાં સૈનિકોને સાબદા કરી દેવામાં આવ્યા. બિરલા ભવનમાંથી પોલીસે પુરતી તપાસ કરી રેડિયો તંત્રને સમાચાર મોકલ્યા કે નાથુરામ ગોડસે હિન્દુ હતો અને બ્રાહ્મણ જ્ઞાતિનો હતો. તે પછી બરાબર છ વાગે રેડિયો પર જાહેરાત કરવામાં આવી. એ જાહેરાતના શબ્દ શબ્દને બરાબર જાણી રજૂ કરી કે મહાત્મા ગાંધીની આજે પાંચ વાગીને વીસ મીનીટે હત્યા થઈ છે અને તેમનો હત્યારો હિન્દુ છે,બ્રાહ્મણ છે. ત્યારે લાખો નિર્દોષ લોકોનો નરસંહાર થતો રહી ગયો અને અકલ્પનિય કત્લેઆમમાંથી ભારત બચ્યું. આમ, કટ્ટર હિંદુત્વ વિચારધારાની ખેવનાએ ૩૦ જાન્યુ.૧૯૪૮ના રોજ એક અમર સપૂત ખોયો.
