Homeગુજરાતઅમદાવાદગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણી તો ‘કોર્ટથી સર્ટિફાઈડ ઠગ’ની સાથે જોડાયેલા છે...

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રાજેન્દ્ર ખીમાણી તો ‘કોર્ટથી સર્ટિફાઈડ ઠગ’ની સાથે જોડાયેલા છે !

-

અમદાવાદ Ahmedabad, ગુજરાત Gujarat : ગાંધીજીના નામે સંસ્થાઓ ઊભી કર્યા બાદ સમાજ કલ્યાણના ઉત્તમ કામો થયા હતા; પરંતુ સમય જતાં તેમના સંચાલકોએ ટ્રસ્ટની મિલકત જાણે પોતાની હોય તે રીતે મનસ્વી વહિવટ કરીને ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો ઊઠતી રહી છે. એક ઉદાહરણ જોઈએ. બોટાદ જિલ્લાના ગઢડા ટાઉન ખાતે ‘શ્રી સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ. ગઢડા’ છે. અહીં ગ્રામોધ્ધારની જુદી જુદી પ્રવૃતિઓ ખૂબ સારી રીતે થતી હતી. અહીં વેસ્ટમાંથી કાગળો બનતા હતા; રેંટિયા માટે પૂણીઓ બનતી હતી; સાબુ બનતા હતા. અનેક લોકોને રોજીરોટી મળતી હતી. 1970ની આસપાસ શાળા પ્રવાસ દરમિયાન આ બધી પ્રવૃતિઓ મેં જોઈ હતી.

Gujarat Vidyapith ના કુલપતિ Rajendra Khimani તો કોર્ટથી સર્ટિફાઈડ ઠગની સાથે જોડાયેલા છે !

આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છેલભાઈ જદુરામ શુક્લ હતા. તેમણે એવી ગેરરીતિ કરી કે ગઢડાના જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટશ્રીએ 21 એપ્રિલ 2012 ના રોજ એક વર્ષની સાદી કેદ અને રુપિયા 5000/-નો દંડની સજા કરી. એટલું જ નહીં, બોટાદના સેકન્ડ એડિશ્નલ સેશન્સ જજે 10 એપ્રિલ 2018ના રોજ 3 વરસની સાદી કેદ અને રુપિયા 10,000/-ના દંડની સજા કરી. આ સજા કરવાનું કારણ શું હતું? ટ્રસ્ટ પાસે 10 એકર 14 ગૂંઠા ખેતીની જમીન હતી; તે જમીન છેલભાઈએ 18 મે 1995ના રોજ, ‘સૌરાષ્ટ્ર સમાચાર’ અખબારમાં વેચવાની જાહેરખબર આપી. આ જમીન જાહેર હરાજીમાં દિનેશ વઘાસિયાએ રુપિયા 8,66,812/-માં ખરીદી લીધી અને પૈસા પણ ચેકથી છેલભાઈને ચૂકવી દીધા. તેની પહોંચ પણ છેલભાઈએ લખી આપી.

27 મે 1995 ના રોજથી દિનેશભાઈએ જમીનનો કબજો સંભાળી લીધો; અને ફેન્સિંગ/ડ્રીપ/કૂવાની વ્યવસ્થા કરી. છેલભાઈએ આ જમીન વેચવા માટે ચેરિટી કમિશ્નરની મંજૂરી મેળવી ન હતી ! તેથી જમીનનો દસ્તાવેજ થઈ શકતો ન હતો. છેલભાઈ દિનેશભાઈને આશ્વાસન આપતા કે ચેરિટી કમિશ્નરની મંજૂરી આવે ત્યારે દસ્તાવેજ કરી આપીશ; પણ મંજૂરી મળી નહીં. દિનેશભાઈએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો. છેલભાઈએ કોર્ટ સમક્ષ 3 ઓક્ટોબર 1998 ના રોજ સમાધાન કર્યું કે વહેલી તકે દસ્તાવેજ કરી આપીશ અને આ જમીન બીજા કોઈને વેચીશું નહીં ! દરમિયાન છેલભાઈએ રમત રમી.

જમીન વેચ્યા બાદ પાંચ વર્ષ પછી, છેલભાઈએ 13 જૂન 2000ના રોજ, આ જમીનની જાહેર હરાજી કરવા ચેરિટી કમિશ્નરને વિનંતિ કરી. છેલભાઈએ આ જમીન અગાઉ વેચાઈ ચૂકી છે તે બાબતે ચેરિટી કમિશ્નરને પણ અંધારામાં રાખ્યા ! એટલું જ નહીં સિવિલ કોર્ટ સમક્ષ બીજા કોઈને જમીન વેચીશું નહીં, તેવી લેખિત ખાત્રી આપેલ; તે અંગે ચેરિટી કમિશ્નરને જાણ ન કરી ! છેલભાઈએ દિનેશભાઈના નામનું ખોટું ટેન્ડર તૈયાર કરાવ્યું ! જેમાં હસ્તાક્ષર છેલભાઈના ભત્રીજા દિલીપભાઈના હતા ! ફરી હરાજીની જાણ થતાં જ દિનેશભાઈ ચોંકી ગયા અને તેમણે કોર્ટમાંથી સ્ટે મેળવી લીધો. દરમિયાન છેલભાઈનું 30 ઓક્ટોબર 2020ના રોજ અવસાન થયું. આજે પણ દિનેશભાઈ દસ્તાવેજ માટે ટળવળે છે.

થોડાં પ્રશ્નો : [1] ચેરિટી કમિશ્નરની મંજૂરી વિના ટ્રસ્ટની જમીન વેચી શકાય?

[2] 1995માં એક વખત પૂરો અવેજ લઈ લીધો હોય; છતાં તે જમીન વરસ 2000માં ફરી વેચી શકાય?

[3] જમીન વેચવાની ટ્રસ્ટને જરુર કેમ પડી? ટ્રસ્ટમાં મિસમેનેજમેન્ટ હતું?

[4] ખાદી પહેરતા હોય; ગાંધીજીનું નામ લેતા હોય તે મેનેજિંગ ટ્રસ્ટી છેલભાઈને ત્રણ વર્ષની કેદ થાય તે આંખ ઉઘાડનારો કિસ્સો નથી?

[5] ગુનેગાર ઠરેલ છેલભાઈએ; ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રાજેન્દ્ર ખીમાણી [હાલ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ]ની નિમણૂંક કરી; તથા પી. કે. લહેરી [ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ]ની નિમણૂંક કરી તે કાયદેસર ગણાય?

[6] છેલભાઈએ ગઢડા મેઈન રોડ ટચ ટ્રસ્ટની માલિકીની ‘પૂણી પ્લાન્ટ’ની જમીન વેચી દીધી; અને તે જ દિવસે ડબલ કિંમતે એ જમીન મંદિરે ખરીદી લીધી; એક દિવસમાં ડબલ ભાવે જમીન વેચાઈ; પરંતુ ટ્રસ્ટને અડધી જ કિંમત મળી; આ બાબતે ટ્રસ્ટી રાજેન્દ્ર ખીમાણી કે પી. કે. લહેરી તપાસ કરશે ખરા?

[7] ગાંધીવાદી સંસ્થાઓના વહિવટકર્તાઓની કોઈ જવાબદારી હોય કે નહીં?rs

નોંધ- પૂર્વ આઈ.પી.એસ. અધિકારી રમેશ સવાણીની ફેસબુક વોલ પરથી પરવાનગી સાથે. આ લેખ અને માહિતી કે હેડિંગમાં કોઈ પણ પ્રકારનું એડિટીંગ કરવામાં આવ્યું નથી. તમામ વિગત, માહિતી અને વિચારો લેખકના પોતાના છે.

Must Read