Gujarat Politics News : ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejrival) તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ ગઇકાલે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પણ ગુજરાતમાં આવીને જનતાને સંબોધન કર્યું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) UP ની તર્જ પર ગુજરાતમાં સક્રિય થઈ શકે છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓ પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવા એકમત થયા છે. તેમજ આગામી 11મી સપ્ટેમ્બર પહેલા ચૂંટણી લડવા ઇચ્છુક લોકોની દાવેદારી મંગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
વધુ વાંચો- રાજકોટ: પોલીસ ચોપડે નોંધાયેલા ગુના હોવા છતાં ‘નીલ’ની પ્રેસનોટ કેમ ? પારદર્શિતા પર સવાલ
અગાઉ ઉમેદવાર નક્કી કરવાની સ્ક્રીનીંગ કમિટીની બેઠક દિલ્હીમાં જ મળતી હતી પરંતુ હવે સ્કીનીંગ કમિટીની તમામ બેઠક ગુજરાતમાં જ મળશે. તેમાં આગામી ચૂંટણીમાં મહિલાઓ અને યુવાઓને વધુમાં વધુ મેદાનમાં ઉતારવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કીનીંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે, “ઉમેદવારો ગુજરાત કોંગ્રેસ જ નક્કી કરે તેવો મારો આગ્રહ છે.”
ગઈકાલે રાહુલ ગાંધીએ અમદાવાદમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને દીકરીઓને મફત શિક્ષણ આપીશું. કોંગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું”. ઉપરાંત 10 લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવી પડે છે. સરદાર પટેલ પણ કોંગ્રેસના કાર્યકર અને નેતા હતા. ભાજપથી ગુજરાતની જનતા દુઃખી છે. કોરોનામાં ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા છે. કોગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરાશે”.
રાહુલ ગાંધીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, “સરદાર પટેલની મૂર્તિ બનાવનારી સરકાર હજારો સ્કૂલ બંધ કરી રહી છે. બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે. આદિવાસી થોડી પણ જમીન માંગે તો સરકાર આપતી નથી. દેશમાં વિજળીનો સૌથી વધુ ભાવ ગુજરાતમાં છે. જીએસટીથી દુકાનદારોને માત્ર નુકસાન થયું છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને નહી, માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે”.