રાજકોટમાં (Rajkot) સુશાસન દિવસના સમાપન પ્રસંગે મુખ્યમંત્રી (CM) ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પહોંચ્યા હતા. રાજકોટ આવેલા મુખ્યમંત્રી પટેલ અને પાટીલના સ્વાગત માટે રોડ શોનું (Roadshow) આયોજન કરવામાં આવ્યું હતુ.
સમગ્ર રાજ્યમાં કોરોનાનો ભય ફેલાયેલો છે, ત્યારે બીજી તરફ ભાજપ અને મુખ્યમંત્રી કાર્યક્રમ (તાયફા)ના આયોજન કરી રહ્યા છે. જેના લીધે દેશના પ્રધાનમંત્રીની કોરોના સામે લડવા અપાયેલી સલાહોના લીરા ઉડતા જોવા મળી રહ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના રાજકોટ આગમન પર ઘોડા, વિન્ટેજ કાર તેમજ મોટી સંખ્યામાં બાઈક સહિત રોડ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ભાજપ પ્રમુખ પાટીલ સાથે મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં સવાર થઈ રોડ શોમાં નિકળેલા જોવા મળ્યા હતા. એરપોર્ટથી નિકળેલા આ રોડ-શો ના રૂટ પર ઠેર-ઠેર સ્ટેજ ગોઠવી જાજરમાન અભિવાદનનું આયોજન પણ થયું હતું.
મોટી સંખ્યામાં એકત્રીત થયેલા લોકોની ભીડનું અભિવાદન પણ મુખ્યમંત્રીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખુલ્લી જીપમાં સવાર થઈ જીલ્યુ હતુ. જે રોડ શોમાં ત્યારે રાજકારણ જોવા મળ્યુ જ્યારે અડધા રસ્તે ભાજપ પ્રમુખ પાટીલ ઉતરી ગયા અને પુર્વ મુખ્યમંત્રી રૂપાણી જોવા મળ્યા.
સરકાર કોરોનાના નવા વેરીઅન્ટ ઑમિક્રોનના ભયને લઈ સામાજિક/ધાર્મિક પ્રસંગો સહિતના કાર્યક્રમો પર નિયંત્રણ મુકે છે. પ્રજાને કોરોનાની ગાઈડલાઈનને લઈ પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરી દંડવામાં આવે છે. રાત્રી લૉકડાઉનના લીધે તેમજ નિયંત્રણોને લીધે પ્રજા પર સમાજિક અને આર્થિક રીતે વ્યાપક અસર થાય છે. ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમોની વણઝાર અને રોડ શોમાં મોટી ભીડને પોલીસ નતમસ્તક બની નિહાળી રહી છે.
પરિણામે મુખ્યમંત્રી અને ભાજપના આવા આયોજન (તાયફા) કેટલા વ્યાજબી ? તેની ચર્ચા લોક મુખે જોવા મળે છે. ત્યારે હજૂ પાછળ સંભવત: મોટી મેદની એકઠી થશે તેવો વાઈબ્રન્ટ ગુજરાતનો પ્રોગ્રામ તૈયાર છે. આમ પ્રજા જાણે કોરોનાના કપરા કાળમાં “રામ ભરોસે” હોય તેમ નગરજનોમાં ચર્ચા ચાલી રહી છે.