પ્રશાંત દયાળ :
પ્રિય તુષાર,
બે વર્ષ પહેલા મારી સાથેની તારી પહેલી મુલાકાત હતી.તું રાજકોટથી અમદાવાદ પત્રકારત્વ ભણવા માટે આવ્યો હતો. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ એક જુદો જ પ્રયોગ કરવા જઈ રહ્યું હતું. 1919માં ગાંધીજીએ નવજીવનની શરૂઆત કરીને પોતાના પત્રકારત્વને નવો આયામ આપ્યો હતો. ગાંધીના પત્રકારત્વએ અંગ્રેજી શાસનની ઉંઘ ખરાબ કરી નાખી અને 1922માં ગાંધીના પત્રકારત્વથી ત્રસ્ત અંગ્રેજી શાસને ગાંધી સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો. જેમાં ગાંધીજીને છ વર્ષ સજા થઈ હતી. નવજીવન ટ્રસ્ટ પત્રકારત્વની કૉલેજ શરૂ કરીને પત્રકારત્વના આવા જ યોદ્ધા તૈયાર કરવા માગતું હતું.
આનંદ એ વાતનો હતો કે, તે ગ્રામીણ પત્રકારત્વમાં કામ કરવાની શરૂઆત કરી.
તુષાર, મને આનંદ છે કે નવજીવન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી પત્રકારત્વની સ્કૂલની પહેલી બેચનો તુ વિદ્યાર્થી બન્યો. શરૂઆતમાં મેં તારી અંદર ગુસ્સો અને સિસ્ટમ સામેની આગ જોઈ. મને ખબર હતી કે, તારો ગુસ્સો અને આગ તને પણ દઝાડશે, તેથી તારી અંદર રહેલા સારા માણસને તારી જાણ બહાર આકાર આપવાની શરૂઆત કરી હતી, અમે તને કયારેય કહ્યું નહેતું કે તારે આવું કરવું જોઈએ અને આવું ન કરવું જોઈએ, છતાં બહુ જલદી સારો માણસ થવાની દિશામાં તું આગળ વધવા લાગ્યો. સ્કૂલ-કૉલેજની પરિક્ષા તો એક વ્યવસ્થા હોય છે. એ પરિક્ષાના પરિણામ જિંદગીમાં ક્યારેય કામ આવતા નથી, છતાં પત્રકારત્વની કોલેજમાં સૌથી વધુ ગુણ તે મેળવ્યા. તેની કરતાં પણ વધુ આનંદ એ વાતનો હતો કે, તે ગ્રામીણ પત્રકારત્વમાં કામ કરવાની શરૂઆત કરી હતી.
પહાડો ચીરી રસ્તો બનાવવાનું આપણને ઝનુન છે.
તું આર્થિક કટોકટીનો સામનો કરતો હતો અને તારી પાસે સાધનો પણ ટાંચા હતાં. અને અત્યારે પણ તારી એ જ પરિસ્થિતિ છે. પણ તે તારી મર્યાદાઓને તારી ઉપર હાવી થવા દીધી નહીં. વિપરીત સ્થિતિમાં પણ તું મોટરસાયકલ ઉપર ગ્રામીણ પત્રકારત્વ કરવા ગુજરાતના ગામડાં સહિત દિલ્હી સુધી ખેડૂતોનો અવાજ બનવા પહોંચી ગયો. હવે તું એક નવું સાહસ શરૂ કરવા જઈ રહ્યો છે, તેનો આનંદ મારા કરતાં વધારે કોને થાય, છતાં તને પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું, કે તને જયારે પણ જરૂર હશે, ત્યારે હું તારી પડખે જ છું, મને તારા જેવા નીડર થઈને લડનારા માણસો કાયમ ગમે છે. નવા સાહસનો રસ્તો ગુલાબી નથી, ઘણો જ કાંટાળો છે. તેની તને અને મને બંનેને ખબર છે. પણ સરળ રસ્તા ઉપર ચાલવાને બદલે પહાડો ચીરી રસ્તો બનાવવાનું આપણને ઝનુન છે. તું સફળ થાય તેવું કહેવાને બદલે કહીશ કે, આપણી સફળતા ત્યારે જ છે કે, આપણુ પત્રકારત્વ કોઈનો ચુલો સળગાવી શકે, કોઈના આંસુ લુછી શકે અને કોઈ નિરાધારનો આધાર બની શકે. અને તું એવું જ કરીશ, તેમાં મને કોઈ શંકા નથી, આજે જેવો છે તેવો કાયમ રહેજે, ઈશ્વર તારી સાથે છે.
તારો
પ્રશાંત દયાળ