Veraval’s 20 Fisher man release from Pakistan Prison વેરાવળ : ગુજરાતના કુલ 662 માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ હતા. આ કેદીઓમાંથી 20 કેદી માછીમારોને ગત તા.20 જૂનના રોજ 4 વર્ષના સમયબાદ પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરવામાં આવેલા તમામ 20 કેદીઓને ભારત સરકારને સોંપવામાં આવ્યા હતા. માછીમારો આજરોજ વેરાવળ ખાતે પહોંચ્યા હતા જ્યાં પરિવાર સાથે મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.
આ અંગે મદદનીશ મત્સ્યઉદ્યોગ અધિક્ષક એન.પી. મકવાણાએ જણાવ્યું હતું કે, તારીખ 17 ના રોજ ભારત સરકારે માછીમારો અંગે જાણકારી આપતા તેઓની ટીમ 18 તારીખે વાઘા બોર્ડર પર જવા રવાના થઈ હતી. ત્યારબાદ 20 તારીખે માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. જેમને ટ્રેન અને વડોદરાથી બસ મારફત વેરાવળ મત્સ્યઉદ્યોગ કચેરી ખાતે લઇ આવવામાં આવ્યા હતા.

મુક્ત થયેલા માછીમારોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે માછીમારી કરવા આજથી 4 વર્ષ પહેલા દરિયો ખેડવા ગયા હતા ત્યારે પાકિસ્તાનનાં કોસ્ટલ ગાર્ડ દ્વારા તેમને બંધક બનાવી લેવાયા હતા. હજુ પણ ત્યાં 642 માછીમારો બંધક છે જેમાંથી ઘણાની હાલ બીમારીના કારણે દયનીય છે.

સાથે જ માછીમારોનાં પરિવારજનો એ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હજુ પણ 600થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે. તેમની અને તેમના તેમના પરિવારોની જવાબદારી કોણ લેશે. ક્યારેક તો માછીમારો પાકિસ્તાનની જેલમાં જ મૃત્યુ પામે છે તો માત્ર તેમના શબ ઘરે પહોંચે છે. વહેલી તકે તમામ બાકીના માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી.