36 C
Ahmedabad

દીવથી સ્પ્લેન્ડર બાઈકમાં આ રીતે ઘુસાડતા હતા દારૂ, પોલીસે કર્યો પર્દાફાશ

Published:

Gir Somnath News in Gujarati પરાગ સંગતાણી, ઉના : ગુજરાતના ઉના પાસે એકદમ સરહદે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો વધુ એક કિમીયાનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બે આરોપીને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ ગુજરાતમાં દારૂ ઘુસાડવા જે કિમીયો શોધ્યો હતો તે જોઈ આશ્ચર્ય થાય તેમ છે.

ગીર સોમનાથના ઉનાથી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એકદમ નજીક હોય ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો સતત થતા હોય છે. પરંતુ પોલીસની સતર્કતાને કારણે સતત દારૂ ઘુસાડતા બુટલેગરોના અવનવા કિમીયાના પર્દાફાશ થતા રહે છે. તાજેતરમાં જ એમેઝોન જેવા પાર્સલ અને બાદમાં કેરીના બોક્સમાંથી દારૂ ઝડપાયો હતો. ત્યારે ગઈકાલે તારીખ 18 જૂનના રોજ ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે હોન્ડા સ્પ્લેન્ડરમાંથી દારૂના જથ્થો ઝડપી પાડ્યો છે.

ગતરોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખાપટ ગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન દીવથી દારૂ ભરેલું સ્પ્લેન્ડર બાઈક લઈ આવી રહેલા બે આરોપી ઝડપાયા હતા. GJ-11-KK-4968 નંબરનું સ્પ્લેન્ડર બાઈક ચેક કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. જાણે આખું બાઈક દારૂની બોટલથી ભરેલું હોય તેવી સ્થિતી હોય પોલીસને બાઈકના પાર્ટ ખોલવા પડ્યા હતા. પોલીસે બાઈકની ટાંકી, બાઈકની સીટ સહિત બાઈકના નાની-નાની જગ્યામાંથી પણ દારૂની બોટલો મળી હતી.

પોલીસે સ્પ્લેન્ડર બાઈકમાંથી 180 મીલીની કુલ 67 બોટલ બહાર કાઢી હતી. રૂપિયા 3350ના દારૂ સાથે પોલીસે કોડીનારના મનીષ કિશનભાઈ બાંભણીયા ઉંમર વર્ષ 19 અને જયેશ ધીરૂભાઈ કામળીયા ઉંમર વર્ષ 25ને ઝડપી પાડ્યા હતા.

Related articles

Recent articles