Homeગુજરાતગીર સોમનાથબિનઅનામત વર્ગોના પ્રશ્નનોના નિરાકરણ માટે સમાજિક અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ

બિનઅનામત વર્ગોના પ્રશ્નનોના નિરાકરણ માટે સમાજિક અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ

-

રાજ્યમાં બિન અનામત વર્ગની યોજનાઓની સહાયમાં વધારો કરાશે હંસરાજ ગજેરા(Hansraj Gajera), સમાજના અગ્રણીઓને બિન અનામત વર્ગોની યોજનાઓની જાણકારી અપાઈ

પરાગ સંગતાણી ગીર-સોમનાથ(Gir Somnath News) તા. 11,   ગુજરાત રાજ્ય બિનઅનામત આયોગના અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરાએ(Hansraj Gajera) બિનઅનામત વર્ગોના વિવિધ સમાજના અગ્રણીઓ સાથે પરિસંવાદ યોજી, રાજ્ય સરકારની જુદી-જુદી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવાની સાથે બિન અનામત વર્ગોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વિચાર વિમર્શ કર્યો હતો.

જિલ્લા સેવા સેદન, ઈણાજ ખાતે યોજાયેલા પરિસંવાદમાં ગજેરાએ જણાવ્યું કે, રાજ્યના બિન અનામત વર્ગની વિવિધ યોજનાઓની સહાયમાં વધારો કરવામાં આવશે. આ માટે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી સુધારા કરવા માટે ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોના આયોગ દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે.

તેમણે બિન અનામત વર્ગની સ્પષ્ટતા કરતા કહ્યુ કે, સામાન્ય રીતે રાજ્યના અનૂસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં જેમનો સમાવેશ નથી થતો તે સિવાયના તમામને બિન અનામત વર્ગમાં આવરી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ બિન અનામત વર્ગોના ઉત્થાન માટે રૂ. 500 કરોડ જેટલુ માતબર બજેટ ફાળવ્યું છે.

રાજ્ય સરકારે નાગરિકોના હિતમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ મળે તે માટે મોટાભાગની મર્યાદાઓ દૂર કરીને માત્ર ૮ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા તમામ લોકોને અનામત હેઠળ આવરી લીધા છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે શૈક્ષણિક અને વ્યવસાયિક હેતુ માટે અનેક યોજાનાઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને રાજ્યના ગરીબ ઘરના દિકરા-દિકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે જુદી-જુદી યોજનાઓના માધ્યમથી ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ પ્રયાસ કરી રહ્યું છે.

આમ, સમાજમાં સામાજિક સમરસતા જળવાઈ રહેવાથી અને લોકો શિક્ષિત થવાથી અંતે સમગ્ર રાષ્ટ્રને ફાયદો થતો હોય છે. સાથે જ તેમણે જુદા-જુદા સમાજના અગ્રણીઓને બિનઅનામત વર્ગોના આયોગની યોજનાનો મહત્તમ પ્રચાર-પ્રચાર કરવાની સાથે લોકો આ યોજનાઓથી લાભાન્વિત થાય તેવા પ્રયાસ કરવા ગજેરાએ અનુરોધ કર્યો હતો.

આ પરિસંવાદમાં બિનઅનામત વર્ગોના આયોગના સચિવ વિજયસિંહ વાઘેલાએ બિનઅનામત વર્ગોની જુદી-જુદી યોજનાઓ વિગતવાર જાણકારી આપી હતી.

જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલે બિન અનામત વર્ગના યુવાઓને રાજ્ય સરકારની યોજનાઓ લાભ મળે તે માટે સામાજિક આગેવાનોએ લોકો સુધી જાણકારી પહોંચાડવાની સાથે જ આ માટે ઈડબ્યુએસ અને બિનઅનામત વર્ગનુ પ્રમાણપત્ર મેળવવા માટે લોકોને જાગૃત કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ પરિસંવાદમાં જુદા-જુદા સમાજના અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક રજૂઆત સહ રચનામત્મક સૂચનો રજૂ કરવાની સાથે ચર્ચામાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમનુ સંચાલન જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ( વિકસતી જાતિ) એચ. એચ. મહેતા કર્યું હતું.|||

Must Read