પરાગ સંગતાણી – ગીર-સોમનાથ(Gir Somnath news) તા. -૦૮, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં “ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત”(Green Gujarat Clean Gujarat) કાર્યક્રમ હેઠળ વાઈલ્ડ લાઈફ સપ્તાહની(Celebrated Wildlife Week) ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શહેરની બોયઝ હાઈસ્કૂલ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત પ્રકૃતિના જતન-સંરક્ષણનો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો.
ગીરના ખોળામાં વસેલો ગીર સોમનાથ જિલ્લો પ્રકૃતિ અને વન્ય જીવસૃષ્ટિથી સમૃદ્ધ છે. ત્યારે વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને ગીરની પ્રકૃતિને જતન કરવામાં નાગરિકોની રહેલી ભૂમિકાથી વિદ્યાર્થીઓને અવગત કરાવવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે વન્ય જીવસૃષ્ટિનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, પ્રકૃતિ અને માનવ એકબીજાના પૂરક છે. વન્ય પ્રકૃતિ વગર માનવજીવન શક્ય નથી. આ વનો- વૃક્ષો અને પ્રકૃતિ થકી જ આપણે પ્રતિવર્ષે યોગ્ય માત્રામાં વરસાદ મેળવી શકીએ છીએ. ત્યારે આપણે બધા ભાગ્યશાળી છીએ કે, ગીર જેવું પ્રાકૃતિક ઘરેણું આ જિલ્લાને કુદરતે આપેલી એક બક્ષીસ છે. તેમ કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.

વનવિભાગના ડી.સી.એફ ઉષ્મા નાણાવટીએ જણાવ્યું કે, પ્રદૂષણ અને ક્લાઇમેટ ચેન્જને કારણે અનેક વન્ય પ્રજાતિઓ છે જે લુપ્તતાને આરે પહોંચી છે. ત્યારે વનવિભાગ દ્વારા આ પ્રકારની પ્રજાતિઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સાથે જ લોકો પણ આવા દુર્લભ પશુ,પક્ષી અને સરિસૃપોને સ્નેહ અને જવાબદારી ભરી નજરે જોવાની સાથે તેના જતન માટે આગળ આવે તે જરૂરી છે. તેમણે વન્ય પ્રાણીઓ સાથે સંઘર્ષમાં આવવાને બદલે તેની વન વિભાગને જાણ કરીને લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
આ તકે રોપા ઉછેર માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર નર્સરીના અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. ઉપરાંત વન્ય પ્રાણીઓની ચિત્ર સ્પર્ધામાં ભાગલેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ મહાનુભાવો દ્વારા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં વેરવળ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડી, આર.એફ.ઓ રસીલાબેન વાઢેર, જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ ડોડીયા સાયન્સ કોલેજના આચાર્યા ડો. સ્મિતા છગ, બોયઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને વનવિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.|||