Ahmedabad: રાજ્ય સરકાર પેપર લેસ ગર્વનન્સની દિશામાં આગળ વધી રહી છે. આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ઇ-ગર્વનન્સની દિશામાં વધુ એક કદમ મુક્યું છે. આ નિર્ણય બાદ હવે સાધારણ કે અસાધારણ ગેઝેટ પણ ડિજિટલ (Digital, E-Gazette) રીતે ઉપલબ્ધ થશે.
ઈ-ગવર્નન્સની દિશામાં મોટુ પગલું લેતા મુખ્યમંત્રી દ્વારા ઈ-ગેઝેટની સુવિધા માટે gazette.gujarat.gov.in વેબસાઈટનું (e-gazette website) લોન્ચિંગ કર્યું છે. આ વેબસાઈટ પરથી રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના આ સરાહિનીય પગલાના કારણે વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે.
ડિજિટલ વેબસાઈટ મારફતે ઈ-ગેઝેટ ઉપલબ્ધ થતા અંદાજે વાર્ષિક 35 મેટ્રિક ટન જેટલા કાગળ (paper)ની બચત થવાનું જણાવાયું છે. આ વેબસાઈટ પરથી કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. જેના કારણે નાગરિકોના સમયની અને ખર્ચની પણ બચત થશે. સાથે જ ડિજિટલ રીતે મળી શકતા ઇ-ગેઝેટની અધિકૃતતા (Authenticity) માટે QR કોડની પણ મુક્વામાં આવશે. સાથે જ હવે ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી પણ મુક્તિ મળશે.
ઉપરાંત રાજ્યમાં જે 30 વર્ષના ગેઝેટ ઉપલબ્ધ છે તેને વેબસાઈટ પર એક મહિનામાં મુકી દેવા માટે પણ મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતુ. જૂની પ્રથાને બદલી હવે જ્યારે વિભાગનું ડિજિટલાઈઝેશન થયું છે ત્યારે આશા સેવાઈ રહી છે કે નાગરિકોને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે.