Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -2, કવી – જેઠવા સોનલબેન, શૈલેશ પંડ્યા, પ્રજાપતિ ભાનુબેન બી, નાયક સચિન, દિનેશભાઈ વી.નાયક, અંકિત કુમાર પારેખ.
Gujarati Kavita Garibo ni Diwali – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’….
1. જેઠવા સોનલબેન ધીરુભાઈ

નથી કાંઈ જડતું નથી કાંઇ મળતું અમારું તો કોડિયું કાયમ આમ જ તરસતુંમાણી સ્વાદ આંખો વાટે અવનવી મીઠાઈઓનો…
હોઠો પર જીભનું ટેરવું અમસ્તું ફરકતું મહલયોની રોશનીનો આછેરો ઉજાશ પામી લાગતું જાણે અમારું આ ઝૂંપડું સળગતુ…
ચારે તરફ આ કેવી રેસમતા રેલાઈ રહી છે પણ કા અમારું થીગડું કોઈની નજરે ન ચડતું હશે આ દિવાળી સૌ પુણ્યોને મુબારક…
અમારે તો જીવન દીનતાને પાપે કણસતું હશે વિધાતા તારી કલમ માં સ્યાહી ઓછી નહિતર અમારા કર્મે આ વિલાપ ના લખ તું…
જેઠવા સોનલબેન ધીરુભાઈ
2. શૈલેશ પંડ્યા , “નિશેષ” Gujarati Kavita

તારે ખાતર જેણે કાલે બે ટકની રોટી ટાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારા ભણતર માટે જેણે ઘર ઘરની ડેલી વાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારા હાસ્યનાં ફૂલોમાં આંસુની ગંગા ખાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારી આંખે સપનાં દેવા રાતો જાગી જેણે ગાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
રોશન કરવા તારું ઘર ઝુંપડી ખુદની જેણે બાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારા સુખ કાજે જેણે હાથે દુખની રેખા પાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
આજે પણ તારા સ્નેહ થકી નસ નસ વાસંતી ડાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
હસતા મોઢે જેણે વૃધ્ધાશ્રમ તણી કેડી ભાળી છે, પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
શૈલેશ પંડ્યા , “નિશેષ”
3. પ્રજાપતિ ભાનુબેન બી “સરિતા”

નોરતાં પૂરા થાયને ગરીબોને ચિંતા થાય. હજી તો આઠમે રૂપિયાની સરવાણી થઈ. દિવાળી કેમ ! આટલી વહેલી આવી ગઈ. દીકરો પૂછે; પપ્પા હવે દિવાળી આવી ગઈ. પપ્પા કહે : “બેટા “વ્યાજની શરૂઆત થઈ. દિવાળીમાં પત્નીથી સાડીની માગણી થઈ.
ગરીબીને કારણે દુર્દશા મારી કેવી ભૂંડી થઈ. ફટાકડામાં મૂકું કાપ તો બાળ રોતા થાય. સાડીમાં મૂકી દઉં કાપ તો પત્ની દુઃખી થાય. પૈસા વિના ગરીબની દિવાળી કોરી જાય. આજુ બાજુ જોતા મારું કાળજુ કોરી ખાય. પત્નીની જૂની સાડી જોઈ મન ભરાઈ જાય.
બાળકોને રડતા જોઈને આંખો ભીની થાય. આવી ગરીબીમાં દિવાળી તું કેમ આવી ગઈ. દુકાને મેવા,મીઠાઈ જોતા દિલમાં દુઃખ થાય. ગરીબીમાં મીઠાઈ વિના દિવાળી કેમ જાય.! રડતા બાળકો એક ચોકલેટથી ખુશ થાય. દિવાળી તું ગરીબોને કેમ રડતી કરતી થઈ.
ઘરમાં દિવાળીમાં ગરીબોને ચિંતા કોરી ખાય. દિવાળીમાં પૈસા વિના હવે ખરીદી કેમ થાય ક્યાં કર્મને ગરીબની દિવાળી એમ કોરી જાય. મન ભરી રડીને પાછી એ રામાયણ શરૂ થાય ગરીબોની પૂનમના પ્રકાશે દિવાળી પૂરી થાય.
કુદરતને ફરિયાદ કરતા દિવાળી પૂરી થાય. ગરીબીને જાણે તે માનવ દિલમાં દુઃખી થાય દાન આપો ગરીબોની દિવાળી ખુશીમાં જાય.
પ્રજાપતિ ભાનુબેન બી “સરિતા”
4. નાયક સચિન દિનેશભાઈ, અમદાવાદ

દિવાળી આમ તો આનંદનો તહેવાર છે, ક્યાંક છે ખુશી કદી ગમનો વહેવાર છે,ધુપ છાવ કુદરતનો ક્રમ છે,વ્હાલા ક્યાં આવી દીવાળી?ગરીબને પ્રશ્ન વારંવાર છે,
પૈસો છે ત્યાં સુંદર સાંજ શણગાર છે, ગરીબ માટે તો બારેમાસ અંધકાર છે,
રાત પછી દિન કુદરતનો ક્રમ છે,વ્હાલા પડતા પર પાટુ મોંઘવારીનો માર છે
દીવા, દાન ,પરિધાનની વણઝાર છે, ક્યાંક બે ટંકનું ભોજનન જડનાર છે
આનંદ શોક કુદરતનો ક્રમ છે ,વ્હાલા દરિદ્રતાનો રાવણ ક્યાં જલ્દી બળનાર છે
દિવાળી એટલે સોના ચાંદી નો હાર છે, સંતાનોની ભૂખ ગરીબ માટે રોજ હાર છે
શ્યામ શ્વેત કુદરતનો ક્રમ છે ,વ્હાલા ક્યાં આવી દિવાળી?ગરીબને પ્રશ્ન વારંવાર છે
નાયક સચિન દિનેશભાઈ
5. દિનેશભાઈ વી.નાયક ‘દિનેશ કવિરાજ’

રંકને મીઠો આવકાર આપીએ તો ગરીબોને રોજ દિવાળી..
રંકના દિલમાં દીવડો પ્રગટાવીએ તો,ગરીબોને રોજ દિવાળી..
રંકનું જીવન ઊજળું બનાવીએ તો, ગરીબોને રોજ દિવાળી..
રંકના મુખ પર સ્મિત રેલાવીએ તો, ગરીબનો રોજ દિવાળી..
રંકનું શુભ મંગલ ઈચ્છીએ તો, ગરીબોને રોજ દિવાળી..
રંકની આંતરડીને ઠારીએ તો, ગરીબોને રોજ દિવાળી..
દિનેશભાઈ વી.નાયક ‘દિનેશ કવિરાજ’
6. અંકિત કુમાર પારેખ.’ એ.પી’ પીપલોઈ

આંશુ ને પણ આંશુ આવ્યા,જોઈ ગરીબની દિવાળી,હૈયું બાળી સળગાવે દીવો, ઉજવાતી ગરીબની દિવાળી.
ખિસ્સું ખાલી હૈયું ભરીને, મોજીલા ગરીબની દિવાળી,દાનમાં આપેલ મીઠાઈ લઈને, ઉજવાતી ગરીબની દિવાળી.
વર્ષે મળશે નવા ચિથરા ,આશ રાખતા ગરીબની દિવાળી,ફૂટેલા ફટાકડા સાથે સુરસુરિયાં કરતા ,ઉજવાતી ગરીબની દિવાળી.
રસ્તે રજડતા ભટકાતાં છતાં મોઝ કરતા બાલુડા ,આજનું આજ જીવી લઈ ઉજવાતી ગરીબની દિવાળી.
કપડાં – મીઠાઈ – ફટાકડાં હોય કેવા ,મંદિરોમાં રહી લાઈને,સસ્તા સપના સાથે ઉજવાતી ગરીબની દિવાળી.
આંખો તરવરતી જોઈ બાલુડાની, છુપાઈને રોતા માવતર,દિન-રાત પ્રભુ ને ટોકતા, ઉજવાતી ગરીબની દિવાળી.
અશ્રુ ભીની સાથે રાખી ,પ્રાથના કરતા મહાલક્ષ્મી ની,સંપૂર્ણ પરિવાર સાથે રહીને, ઉજવાતી ગરીબની દિવાળી.
અંકિત કુમાર પારેખ.’ એ.પી’ પીપલોઈ