Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ - 6

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ – 6

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -6, કવી –પ્રજાપતિ નિકુંજ બી, મિલાપ સુરેશભાઈ પંચાલ, ડૉ (શ્રીમતી) લેખા રાજેન્દ્ર હાથી, ચૌધરી શીલાબેન મંગુભાઈ, જોગારિયા પ્રિતીમાબેન, નિકિતા પપાણીયા.

Garibo Ni Diwali Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -6

1. પ્રજાપતિ નિકુંજ બી, ‘પાનખર’ – વડનગર

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

લાલ સાથીયા ઉંબરે હોય,લાગણી ને સ્નેહ ના ઘોડાપૂર હોય,સવારે ખાંડ વરિયાળી ના મુખવાસ હોય,ગરીબોની દિવાળી કઈક આવી હોય.

ફટાકડા ખોળામાં બહુ ઓછા હોય,એક બે જ ફૂટે બાકી સુરસુરિયા હોય,તેલના દિવે ગોખમાં અજવાળા હોય,ગરીબોની દિવાળી કઈક આવી હોય.

ખરીદી એકની ને જાય આખું ટોળું,ભાવ કરાવા થાય જાણે ઘમ્મર વલોણું,નવા જૂના કપડાના વિવિધ જુગાડ હોય ગરીબોની દિવાળી કઈક આવી હોય.

ઘર નાના પણ મન બહુ મોકળા હોય, સુખડી, મોહનથાળ ને નાસ્તા માં ઢોકળા હોય, આવતા મહેમાનોને આવકારો મીઠડો હોય,ગરીબોની દિવાળી કઈક આવી હોય.

થોડી ચકરડી નું ચક્કર,ને રંગીન એ કોઠી,આવ્યું ગાંડિયું રોકેટ ને ભાગ્યા એ દોડી,હોય વાસ્તવિકતા,ના કોઈ દેખાડો હોય,ગરીબોની દિવાળી કઈક આવી હોય.

શુભ દિપાવલી એ કહેતા હરખાય,હેપ્પી દિવાળી છાપરાના નેવે મૂકાય,પરિવાર સાથેનો એમનો આંનંદ અનેરો હોય,ગરીબોની દિવાળી કઈક આવી હોય.

પ્રજાપતિ નિકુંજ બી

2. મિલાપ સુરેશભાઈ પંચાલ – લીંબાસી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આંગણે પધારો મારા રામ દીપ સજાવ્યા હેતે,તેલ વિનાની વાટ, ને દીપ પ્રગટ્યા એની મેતે,મોઢું ક્યાંથી મીઠું કરાવુ? ખાટા બોર હું ધરાવું!હું તો છું દરિદ્ર! વસમી દિવાળી શીદ મનાવું ?

જોઈ શ્રીમંતની ખુશીઓ માણી લવ થોડો પર્વ,એક સાંધે ત્યાં તેર તૂટે, મારે ગરીબી જ ગર્વ,રોજ નાખતો નિસાસા કે આવે તહેવાર મોટો,આપું ખુશીઓના દિલાસા પણ પડીશ હું ખોટો.

બસો ના દનિયે તેરસ ઉજવું ધન વિનાની,તૂટીને મનાવું તહેવાર, આ તે કેવી દિવાળી ?દિવાળી પછીનો દિવસ લાવ્યો હશે નવી સાલ!મારે તો રોજ એજ દિવસ ને એ જ ગઈ સાલ.

અમીરવંતી રોશની જોઈ તૂટતી મુજ વાંછા,શબરીની શોભા સાદ કરે, આવશે રામ પાછા ?

મિલાપ સુરેશભાઈ પંચાલ

3. ડૉ (શ્રીમતી) લેખા રાજેન્દ્ર હાથી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

નાણાં વગરનો નાથિયો, નામે નાથાલાલ, મોંઘવારી માં દિવાળી ઉજવવા, બન્યા તેના ભુંડા હાલ, ફટાકડાથી દાઝી જવાય ને કાનના થાય બેહાલ,

મીઠાઈ થી સુગર વધે ને ડાયા બિટીસ ફેલાવે જાલ,ફરસાણ થી ચરબી વધે ને હ્રદય ની બગડે ચાલ,

રંગોળી થી હાથ બગડે, ને બગડે જમીન દીવાલ,તોરણથી આંખો બગડે,ને લાઈટ કરે છે બબાલ,

વાહન કોઈ પાસે નથી તો ક્યાં લઇ જાય બાલ ગોપાલ,ગરીબનું ખિસ્સું ખાલી સદા, કાયમનો કંગાળ,

ગરીબ બધાય સરખા,ચાહે ગુજરાત કે બંગાળ,મોંઘવારી સાથે કેવી રીતે, મેળવવો કદમતાલ,

ગરીબો કંટાળી ગયા ચાહે વડતાલ હો કે નૈનિતાલ તમાચો ખાઈને રાખે તેઓ પોતાનો લાલ લાલ ગાલ,

ચિંતામાં દિવસ કાઢે કેવી જશે આવતી કાલ!? આવા ગરીબોને ધુત્કારો નહિ પણ બનો દીનદયાળ ને કરો તેને વ્હાલ,

લેખા કહે ગરીબો છે દેવ તુલ્ય,દેવ દિવાળી ઉજવશે તેઓ બેમિસાલ

ડૉ (શ્રીમતી) લેખા રાજેન્દ્ર હાથી

4. ચૌધરી શીલાબેન મંગુભાઈ, માંડવખડક. ચીખલી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આવી દિવાળી ભાઈ કેવી મજાની રૂડી-રૂપાળી દિવાળી,આવી દિવાળી ભાઈ લાવી ઉજાણી ખુશીથી માણો દિવાળી…

આવકારતાં ધનવાનો પૈસાથી કરે લ્હાણી એવી તમારી દિવાળી,નિર્ધન કેવા હોંશે હોંશે સ્મિત સાથે કરે ઉજાણી એવી આપણી દિવાળી…

મોજ સાથે દેખાડો કરી ઉજવતા એવી તમારી દિવાળી,લોકો ભેળા મળી સૌના હ્રદયમાં કરતાં રંગોળી એવી અમારી દિવાળી…

માંગે તેના કરતાં વધુ ફટાકડા મળે એવી માતેલી દિવાળી,ફટાકડાના નાના ભાગ માટે ઝગડતા એવી આપણી દિવાળી…

રોજ નવા નવા વસ્ત્રો-ગિફ્ટ લાવે એવી તમારી દિવાળી,રાત્રેના ફૂટેલા ફટાકડા સવારે શોધતા એવી અમારી દિવાળી…

નવા કપડાં પહેરી લોકોમાં ઠાઠ બતાવતા એવી અમીર દિવાળી,જુના કપડાંમાં પણ રાજી થતાં એવી ગરીબ દિવાળી…

સેલ્ફી સાથે સૌને બતાવતા એવી કરે ઉજાણી એવી તમારી દિવાળી,પગે લાગી વડીલોના આશિષ લેતાં એવી સંસ્કારી દિવાળી…

ડિઝાઈનર બીબામાં રંગ ઢાળે એવી તમારી દિવાળી,આખી રાત જાગીને સપનામાં રંગો ભરાતાં એવી અમારી દિવાળી…

માત્ર ઉત્સવ ખાતર ઉજવે એવી અમીરોની દિવાળી,બીજાની ખુશીમાં ખુશ થઈ સાદગીથી ઉજવતા એવી “ગરીબોની દિવાળી”…

ચૌધરી શીલાબેન મંગુભાઈ

5. જોગારિયા પ્રિતીમાબેન રામુભાઈ, ‘પ્રિતમ’

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આટલી વહેલી દિવાળી તું કેમ આવી ?કોરા છે કોડિયા હજી એમાં રંગો મારે લાવવા બાકી આટલી વહેલી દિવાળી તું કેમ આવી?

મારા કામ હજી પત્યા નથી ત્યાં તું આવી ચઢીમરું છું મથી મથીને કામ કરવા રૂપિયા આવે બે ચાર આટલી વહેલી દિવાળી તું કેમ આવી?

ધણી મારો બહાર કામે ને છોકરા મારા રોતાં ફરેએમાં હું એકલી અટવાતી ખાવા માટે શોધતી ફરું આટલી વહેલી દિવાળી તું કેમ આવી?

છોકરા બેસી બજારમાં વેચે કોડિયા આખો દિ’સ લે લે કરે ત્યાં ઓછું લાવી બચાવ કરી મજા કરે આટલી વહેલી દિવાળી તું કેમ આવી?

મજબૂર થઈ કામે જાઉં ત્યારે ઉધાર માગણી કરું મારેય આવે દિવાળી ડબલ કરી આપીશ કામ તમારું આટલી વહેલી દિવાળી તું કેમ આવી?

નથી મોંઘા કપડાં કે ના ફટાકડા મોંઘા હોય જોઈને આનંદ કરે ને હસતા હસતા આનંદ માણે આટલી વહેલી દિવાળી તું કેમ આવી?

કમાઉ લંઉ એટલું કે દિવાળી મનાવું હર્ષથી એક કોડિયાથી ઘરના ખૂણા મારા અજવાળી શકું આટલી વહેલી દિવાળી તું કેમ આવી?

જોગારિયા પ્રિતીમાબેન ‘પ્રિતમ’

6. નિકિતા પપાણીયા “ઝિલમિલ ” – ઉપલેટા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ભરી મહેફિલમાં અંજવાળા પથરાય છે, સામે સુના સુના ઘરોના અંગણાં દેખાય છે.ઝળહળતા દિવડે માની વેદના મલકાય છે,

મેહલોમાં અન્નકોષથી અનેક જઠરો ઠરાય છે. હસતા ચેહરે મહેલમાં દિવાળી ઉજવાય છે,

ઍક કોડિયાના પ્રકાશે ઝૂંપડીની શાન વખણાય છે. જોઈ માની વેદના બાળથી ક્યાં કાઈ ખવાય છે, મૂકી અન્ન બાળ નાનું કોડિયું જોઈ હરખાય છે.

માંડી રીત પુરાણી માટીનો મોલ ચાકડે પૂજાય છે, ફરતી માટીને રમતા હાથ આકાર કોડિયાનો ઘડાય છે. શેઠાણીએ લીધું કર પર કોડિયું મોંઘા મોલુ જણાય છે,

આપી બક્ષીશ બાળને હાથમાં કોડિયું ત્યાં ખરીદાય છે. ખુશીઓને ખરીદવા બજારે આમ જ જવાઈ છે, મેહનતના દીવડામાં “ઝિલમિલ “કોડિયું ગીત બની ગવાય છે.

નિકિતા પપાણીયા “ઝિલમિલ “

Must Read