Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -3

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -3

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -1, કવી – સંજય પંડ્યા, જટણીયા પલ્લવીબેન, ઝંખના અખિલેષ વછરાજાની, વંદના બ્રહ્મભટ્ટ “નેહ”, મણિલાલ શ્રીમાળી, વિજય શાહ

Garibo Ni Diwali Gujarati Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’….

1. સંજય પંડ્યા ‘નજર’ કલોલ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

તને કરૂ છું દેખ હજુ હું પ્યાર દિવાળી, જીવન છો ને થ્યું મારૂ લાચાર દિવાળી.

બાલ અવસ્થા થી તું મુજને બઉ ગમતી છે, તું છે મારો નંબર વન તહેવાર દિવાળી.

દિવડાઓ વેચીને ઘર અજવાળું છું હું ના વેચાશે તો બનશે અંધાર દિવાળી.

રૂપિયા વ્યાજે લાવીને વેપાર કર્યો છે, લાજ રાખજે બનું ના કરજદાર દિવાળી.

આજ સુધી મિષ્ટાન દીઠાં છે સપના માં મેં, મારી દિકરી માટે કંઈક વિચાર દિવાળી.

આડે દાડે મરી મરીને રોજ જીવ્યો છું, મારા જેમજ જીવતો મુજ પરિવાર દિવાળી.

ફટાકડાનાં અવાજ પણ બે-દમ લાગે છે, શોર છે એવો મૂજમાં ગિરફતાર દિવાળી.

એક ટંક ના ભાણા સમ હું શ્વાસ ભરૂ છું, જમડાં લાગે આવી ઉભા દ્વાર દિવાળી.

દૂર સુધી જ્યાં જાય *નજર* વેરાન બધું છે, ઘર તું એક દિવસ માટે શણગાર દિવાળી.

સંજય પંડ્યા ‘નજર’ કલોલ

2. જટણીયા પલ્લવીબેન – જામ ખંભાળીયા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

“ઝગમગતા દીવડાઓ જોયા,જાણે ઊંચી આભ- અટારીએ,ટમટમતાં તારલાઓ જોયા,ફટ.. ફટ.. ફૂટતા ફટાકડા જોયા,ચમ- ચમ, ચમકતી અને રગબેરંગી, તેજકિરણો વેરતી,લાઇટોનાં વિશાળ પાથરણાં જોયાં, લાડુ ને બરફી, જાંબુ ને પેંડા,ચકચકિત, પીળા, ગૂંચળાવાળા,રસઝરતી જલેબીઓ નાં થાળ જોયાં, લાલ ને પીળા, ભૂરા ને ગુલાબી,રંગોથી રંગાયેલી રંગોળીથી , દૈદિપ્યમાન આંગણાં જોયાં.”

કનુ આશ્ચર્યથી પૂછે મનુ ને,” આ બધું તેં તારા ઘરે જોયું?”મનુ ખડખડાટ હસીને કહે, “આ તું શું કહે છે? આપણાં તો સપનાં ય કોરા!! તેમાં મીઠાઈની મીઠાશ ક્યાંથી? ફટાકડાનો આનંદ ક્યાંથી? નવા કપડાંની સુગંધ ક્યાંથી? લાઈટોનો પ્રકાશ ક્યાંથી? રંગોળીનાં રંગો ક્યાંથી? મારી માતા જયાં કામ કરે,તે શેઠિયા ને ઘેર જોયાં, બાકી…. આપણે તો.. ફટાકડાનો આનંદ ક્યાંથી? નવા કપડાંની સુગંધ ક્યાંથી? લાઈટોનો પ્રકાશ ક્યાંથી?

રંગોળીનાં રંગો ક્યાંથી? મારી માતા જયાં કામ કરે,તે શેઠિયા ને ઘેર જોયાં,બાકી….

આપણે તો…હોળી હોય કે દિવાળી, દશેરા હોય કે સંક્રાંતિ,પિતાના ફાટેલા, સાંધેલા કપડાં જોયાં,માતાના થીંગડાવાળા સાડલા જોયાં, એક ટંક રોટલાનું બટકું, બીજા ટંકે ઉપવાસ જોયાં, લાઈટોનું તો નામ જ કયાં? દીવામાં ખૂટતા દિવેલ જોયાં,આપણા આ ઝૂંપડાની સામે, આભે અડતી ઈમારતો જોઈને, મારા બાળમન ને એક પ્રશ્ન મૂંઝવે, ક્યાંક જો ઈશ્વર મળે તો પૂંછું, નિશાળમાં બહેને ભણાવ્યું હતું, પ્રભુને તેનાં બધાં સંતાનો સરખાં, તો પછી આવો ભેદભાવ કેમ?

શેઠજીના મિહિરને નવાં કપડાં, તો એ જ રાશિવાળા મનુને, ફાટેલાં, થીંગડાવાળા કપડાં કેમ?

મિહિરને અવનવાં ફટાકડા તો, મનુને કચરો વીણવાના કોથળા કેમ?

મિહિરને મઘમઘતી મીઠાઈ તો, મનુ ને મગ- રોટલા કેમ?

મિહિરને મોટી ગાડી તો, મનુ ને હાથલારી કેમ?

મિહિરને બંગલે ઝગમગતી દિવાળી તો, મનુ ને ઝૂંપડે અમાસનાં અંધારાં કેમ?

હે પ્રભુ! તારી આ ઝળહળતી, સુંદર દુનિયામાં, ગરીબોની દિવાળી અંધારી કેમ?”

જટણીયા પલ્લવીબેન

3. ઝંખના અખિલેષ વછરાજાની – વડોદરા. Gujarati Kavita

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ વારે, તહેવારે ,સામું જ આવે, નથ ગમતું કોઈ ગરીબ કહી ઉતરેલ કપડા આપે,કોઈ મીઠાઈનાં પડીકાં, તો કોઈ ફળ, ને હા,વરવું તંય લાગે ફટ,ફટ ફોટુ પાડે,મન તો બવ મોટું રાખીએ, તંય તો બધું લેવા હાટું લેનમાં ય ખોડાવું પડે!

આ નાનાંટાબરો હાટું,અમ ગરીબોની દિવાળી જ આવી,શહેરનાં વિકાસનાં કાળી મજૂરી કરી બે ટંકે ઝૂંપડા ભેળા થઈએ!

ઝૂંપડે એક દિવડો અજવાળીએ,એ ઝાંખપે જ લખમીદેવી મારગ ભૂલી જતાં હશે!

તે પાકી છતનાં તરસ્યા જ,ને ધર્માદાની દિવાળી એ નસીબ માની હસતાં રહીએ,ખુલ્લા આકાશમાં થતી ઝાકઝમાળ,ડોકી ઊંચી જ રે,અપલક રોશનીએ તેજને દિલમાં ઉતારીએ,ચારેકોરથી બોમ્બનાં અવાજોથી રાજી થાઈએ,કોક ફુલઝરી આપી જ્યું હોય તો એક,એક કરી પાંચ દહાડાનાં સકન કરીએ,ગરીબોની દિવાળી સવારે મંદિર જઈ બેસીએ તો વરસ આખાનું માધુર્ય છલકાઈ જાય હો, કપડાં તો તન ઢાંકવા બાંયુ વાળી,વાળમાં પટિયા પાડી એક દિન કા બાદશાહ બની હરખાઈએ,ને ઘરવાળી,ટાબરિયાંનાં રોફ પણ મજેદાર,ઝંખના એવી થાય આ માણહનાં મન દિવાળી ટાણે જેવાં,એવાં હંમેશ રહે,ધર્માદાનાં નામે લખમી,અન્નપૂર્ણા,ખુશી, તૃપ્તિ ,સંતોષ સહુ સાગમટે આવે અમ પાસ,ચાર દિ’ની ચાંદની!

ઝંખના અખિલેષ વછરાજાની

4. વંદના બ્રહ્મભટ્ટ “નેહ” – ભરૂચ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

દિવાળીને બધાં હરખે મનાવે છે,આ ઉત્સવ તો હૃદયને ખૂબ ભાવે છે. ને ઉત્સવ,ભેદભાવો ક્યાંય ના રાખે! ભલેને રાય કે કો’ રંક કા’વે છે?

દિવાળી તો છે બસ અજવાસનો દરિયો, તિમિરને સ્થાન છે નહિ એ જતાવે છે! ગરીબો અંતરે સંતોષ પ્રગટાવે, ને અંતર સદગુણોથી તો સજાવે છે!

ખુશીની મ્હોર રૂપિયાને વરે થોડી? ગરીબોના ય અંતરમન હસાવે છે. ભલેને રોજનું લાવીને ખાશે પણ, નિજાનંદે ખુશી ભરપૂર આવે છે.

ગરીબોના ય આંગણ થાય રંગોળી, ને દ્વારે આશનાં તોરણ લગાવે છે. ગરીબો પણ દિવાળી હર્ષથી ઉજવે! ગરીબો પણ નિરાશાઓ ભગાવે છે!

દિવાળીમાં સુકનવંતી શરૂઆતો! વરસભર મોજનો આસ્વાદ લાવે છે. અમીરી કે ગરીબી આડે આવે નહિ, આ ઉત્સવ ‘નેહ’,સૌ ઉરમાં વધાવે છે!

વંદના બ્રહ્મભટ્ટ “નેહ”

5. મણિલાલ શ્રીમાળી ‘મિલન Garibo ni Diwali

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

કોરોનાની કળ હજી વળી નથી. લોકોનાં લોહિયાળ મોં હજી લુંછાયા નથી. કુદરતની થપ્પડ વાગ્યા પછી ના સુધરો તો…..

તમ તમારે કરો દિવાળી. અમારે મન તો હોળી. દુઃખના માથે ઝાડ ઉગ્યા ભલે તોય ઝેર લઈશું નહીં ઘોળી.

ભલે ના મળે ગેસનો બાટલો કે ના મળે… ડબ્બો તેલ. પાણીનું જો ટીંપુય મળશે તો ખેલીશુ ખાંડાના ખેલ

રાત દિવસ કાળી મજુરી કરીશું બે ટંક પુરતું ભોજન ખાવાને ઉપર આભ નીચે ધરતીને માનીશુ બિછાનું ને ચાદર અમારે ઓઢવાને.

લાંચ રુશ્વત ને ખૂનામરકી થાય બળાત્કાર ને ભ્રષ્ટાચાર હળાહળ. માનવતા મરી પરવારી છે માનવમા દહેજનો સળગે દાવાનળ.

સમતા સમાનતા કે બંધુતા જેવું દેખાય છે કોઈનેય કયાંય? ‘મિલન’ મથામણ કાં કરે? સાચો ક્યાં તોળાઈ છે ન્યાય?

મણિલાલ શ્રીમાળી ‘મિલન

6. વિજય શાહ ” વીજ ” ગોધરા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

છે તેલનું ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોએ રાત અજવાળી છે,પ્રભુ શ્રીરામના રાજમાંય, આવી ગરીબોની દિવાળી છે.

નથી તન ઢાંકવા કપડાં, ને એ મૂર્તિ કાજે છે શણગાર,થીંગડા મારીને ચાલે ખોળિયું, આવી ગરીબોની દિવાળી છે.

અહીંયા ડબ્બામાં ખાંડ ખાલી છે, મીઠાઈની ન કરો વાત,મળી જાય બે ટંકનું ભોજન, આવી ગરીબોની દિવાળી છે.

હાસ્યની એ ફૂલજડીઓ દોસ્ત, ક્યાં બળે છે અહીંયા,હર તણખામાં દે છે દુઃખ, આવી ગરીબોની દિવાળી છે.

નથી આ જિંદગીમાં પૈસા, નથી જડતું રડવાને અશ્રુ,બસ નાંખ્યા કરે નિઃસાસા, આવી ગરીબોની દિવાળી છે.

વિજય શાહ ” વીજ “

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...