Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ - 10

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ – 10

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -10, કવી – ભગવતી પંચમતીયા ‘રોશની’, મણિલાલ વાલજીભાઈ રોહિત ‘સહજ’, મનોજ પંડ્યા ‘સનમ’, નીતા જાટકિયા ‘નિત’.

Garibo Ni Diwali Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ – 10

1. ભગવતી પંચમતીયા ‘રોશની’ – જામનગર

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

દિવાળી આવે છે….એવો મચી રહ્યો શોર,ધનિકોને મન એ તહેવાર, પણ ગરીબો માટે માત્ર શોરબકોર! અમીરો કરે ખરીદી ને બજારોમાં વધારે ભીડ, ગરીબોને આ જોઈ શું નહીં ચડતી હોય ચીડ?

જેને નથી રહેવા ઘર એ કેમ મનાવે દિવાળી? એને તો દઝાડે રોજીંદા પ્રશ્નોની હોળી. ખુદ શું ખાવું ને શું ખવડાવવું બાળકોને, દયા ન આવે જરીયે ટોળે વળતાં ગ્રાહકોને.

ઘરે ઘરે અને ગોખલે ઝળહળે દીવા, ગરીબોને પડે હંમેશા અંધારાં પીવા! વિવિધ રંગોની આંગણામાં રંગોળીઓ રચાતી, જોઈ મન કરતું લેવા વિવિધ મીઠાઈઓ વેચાતી.

સુગંધ વાનગીઓની મનભાવન, મનડું લલચાવતી. બનતાં પકવાન દરેક ઘરમાં, ગરીબોને નસીબ ક્યાંથી, ભાઈ?

આ દિવાળીએ કરીએ એક સંકલ્પ,ઝાઝું નહીં તો પણ ગરીબોને આપીએ અલ્પ. કોઈકનાં ચહેરા પર એથી, થોડી ખુશી જો આવશે ખુશ થશે પ્રભુ, તમ પર કૃપા વરસાવશે.

ખુદનાં ભાગમાંથી કોઈ, થોડું બીજાને જો આપશે,બને એવું કે લેનાર પણ એ જ રીત અપનાવશે. ગરીબી ભગાવવાની વાતો સહુ કરે છે,પણ એ માટે શું નક્કર કોશિશ કરે છે?

ભગવતી પંચમતીયા ‘રોશની’

2. મણિલાલ વાલજીભાઈ રોહિત ‘સહજ’

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

છીએ ગરીબ પણ સૌને બોલાવશું,ભેગા મળીને દિવાળી ઉજવશું

માટીનાં કોડિયાંથી દીવડા પ્રગટાવશું,અંધકાર દૂર કરી રોશની ફેલાવશું.

સૂતળીબોમ નહીં નાના ફટાકડા ફોડીશું,નાનાં બાલુડાંને ખૂબ રાજી કરીશું.

લાડુ બનાવીને ઘેરઘેર આપીશું,સાથે બેસીને ભોજન જમીશું.

ઘેરઘેર જઈને સૌને મળીશું,લડાઈ ઝઘડા ને વેરઝેર ભૂલીશું

નવા વરસની વધામણી આપીશું,ગામમાં સૌને સાલમુબારક પાઠવીશું.

મણિલાલ વાલજીભાઈ રોહિત ‘સહજ’

3. મનોજ પંડ્યા ‘સનમ’ -જોરાવરનગર

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

હોત હાલ જો મારી પાસે નાની મઢી મજાની,લિંપીગુંપીને હું પણ ઉજવત દિવાળી જ મજાની.

દિવેલ દીવા કરી કરી હું આનંદ લેત અનેરો,નાનકડાં મુજ અંતરથી હું લ્હાવો લેત ભલેરો.

નવા વરસની નવલ ઉષાને આમંત્રત શુભકારી,નવા વરસના નવા જોમથી દિલ બનત સુખકારી.

ઉતાવળું આશ્રય માટે મુજ દિલ રહ્યું છે ઝંખી,”ઈશ” મને આપો બે વસ્તુ, મઢીને પૂરતી રોટી.

મીઠાઈ મેવાના વિચાર મુજને આજે પણ ન આવે,મળે જો મને રોટી પૂરતી તે મુજને બહુ ભાવે.

મનોજ પંડ્યા ‘સનમ’

4. નીતા જાટકિયા ‘નિત’ – સુરત

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

દિવાળી સૌ ઉજવે નોખી નોખી,પણ ગરીબોની દિવાળી છે અનોખી..

જગ આખું લાઈટિંગથી પ્રકાશતું,તો ગરીબોનું આલય દીવડાથી શોભતું..

સૌ ભાતભાતનાં પકવાન આરોગતા,ગરીબો બટકું રોટલે ભૂખ સંતોષતા…

મલક આખું ડિઝાઈનર પરિધાને શોભતું,ગરીબો સાદા લીરે પૂરું અંગ ઢાંકતું…

ચૌદશનાં વડા કકળાટ લોકોનાં કાઢતાં,એ વડાથી ગરીબો મિજબાની ઉડાવતાં..

વિદેશી ટુર કરીને લોકો આનંદ માણતાં, પ્રભુ દર્શને ગરીબો ભવ પાર કરતાં..

નોખી માટીના સૌ નોખા માણસ સંગ, દિવાળી ઉજવો *નિત* માણસાઈ સંગ..

નીતા જાટકિયા ‘નિત’

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....