Homeવિશેષગરીબોની દિવાળીGaribo ni Diwali Gujarati essay - 'ગરીબોના પાંચ કોડિયાં પ્રજ્વલિત કરીએ'

Garibo ni Diwali Gujarati essay – ‘ગરીબોના પાંચ કોડિયાં પ્રજ્વલિત કરીએ’

-

લેખક – પીપળીયા જીવતીબેન, ટુંક સાર – અમીર ગરીબની ખાઈ તો તોજ પૂરાય જ્યારે ગરીબ બિચારા બાપડાપણું ભૂલે, ભિક્ષાવૃત્તિ, ચોરી-ચકારી કે કોઈના આશ્રયે જીવતા રહેવાની….

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ:- પીપલીયા જીવતીબેન
  • ઉપનામ: “જયશ્રી”
  • ગામ: ટંકારા
  • પ્રકાર: લેખ
  • વિષય: ગરીબોની દિવાળી
  • ગદ્ય વિભાગ

 સાફ-સફાઈ, રંગરોગાન, નવાં કપડાં અને અવનવી વસ્તુઓની ખરીદી એટલે દિવાળી! અમીર હોય કે ગરીબ સૌને આકર્ષતુ ઉત્સવનું સ્નેહ સંમેલન એટલે દિવાળી!

  આજે તો દિવાળી એટલે નર્યો દેખાડો! આપવું પડશે ની પીડાએ અપાતી ભેટ અને નાસ્તા ને વળી એય પાછા બજારમાંથી આણેલા, ભાવશૂન્ય બનેલા શોષિત માણસે બનાવેલી મીઠાઈ અને ફરસાણ. સ્નેહીજનના હાથે મંગલ શ્લોકો બોલીને બન્યાં હોય તેવા તો ન જ હોય ખરું ને?

  પહેલાના વખતમાં અમીર હોય કે ગરીબ આવકારો અનેરો મળતો. હાથ પકડીને પરાણે નાસ્તો કરાવે ને ઉપરથી ચાર આના કે આઠ આના પણ ભાવથી આપે. એ ચાર આના કે આઠ આના મળતા જ જાણે કે આખા વિશ્વની ખુશી મળી જતી. શહેરોમાં ઉજવાતી ધમાલ ભરી દિવાળી હજારો રૂપિયાના આંધણ પછી પણ એવો સંતોષ આપી શકતી નથી.

  અમીર વર્ગની દિવાળી ગતાનુગતિક બની ગઈ હોય તેવું લાગે જ્યારે એજ દિવાળી ગરીબોના મનને તો આર્થિક સંકડામણ વચ્ચે પણ પ્રફુલ્લિત કરી દેનારી બની રહે. હા ગરીબ ઘરની દિવાળી ફિક્કી જરૂર હોય પણ માંગીને કે કોઈએ દયા ખાઈને આપેલી મીઠાઈ, કપડાં કે રમકડાંથી પણ પરમ સંતોષ અનુભવે છે, જ્યારે અમીર વર્ગના બાળકો, યુવાઓ ગમે તેટલું કરો તો પણ અસંતોષની પીડાએ પીડાતા હોય છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Pipaliya jivatiben (Symbolic image)

  ગરીબ લોકો કાચી માટીના ખોરડાં કે ઝૂંપડાંને પણ સરસ મજાની ખજૂરીની ડિઝાઇનથી શણગારે છે. ગાર માટીથી લીપેલ ને ખડીથી શોભતી દીવાલો પણ મલકાઈ ઊઠે છે. સાચા ભાવથી કંકું, હળદરથી કરેલા સાથિયા પણ પરમ સંતોષ દેનારા હોય. ગરીબના બાળકો ત્રણ-ચાર મહિના અગાઉ ચિરોડી લાવે, ખાંડે, ચાળે અને સફેદ રંગ તૈયાર કરે, કેટલું આનંદદાયક આ દ્રશ્ય હોય ખરું ને? ગરીબની ઝૂંપડી અછતમાં પણ એક નાનકડા દીવાના પ્રકાશે ઝળહળી ઊઠી હોય તેવું દિવ્ય દ્રશ્ય જોઈ શકાય છે.

  ગરીબના ચહેરા ઉપર પરમ સંતોષ હોય છે પણ આ પરમ સંતોષ કાયમ એમના ચહેરા ઉપર વિદ્યમાન રહે તે માટે આ અમીર ગરીબની ખાઈ પૂરવાનો પ્રયાસ થાય ને તો જ સાચી દિવાળી ઉજવી ગણાય. દયા દ્રષ્ટિથી વસ્તુ, કપડાં, મીઠાઈ કે ફટાકડા આપી દીધાં એટલામાં ઈતિશ્રી ન સમજવી જોઈએ. અમીર ગરીબની ખાઈ તો તોજ પૂરાય જ્યારે ગરીબ બિચારા બાપડાપણું ભૂલે, ભિક્ષાવૃત્તિ, ચોરી-ચકારી કે કોઈના આશ્રયે જીવતા રહેવાની મનોવૃત્તિમાંથી બહાર આવે. ગરીબ લોકો પણ ઈશના સંતાન છે એવી અસ્મિતા તેનામાં જગાડીએ, તમે પણ કરી શકો છો! તમારાથી પણ થઈ શકે છે, આપણે બિચારા બાપડા કે લાચાર નથી, તેવું આત્મગૌરવ પેદા કરીએ. આ બધું કરવાની જવાબદારી આ દિવાળીએ આપણે લઈએ તો કેવું?

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Pipaliya jivatiben (Symbolic image)

 અમીર દ્વારા દયા ભાવથી આપવામાં આવેલ દાન બે દિવસની પ્રસન્નતા ગરીબને આપે જ્યારે આપણું લક્ષ્ય તો તેમનું જીવન પણ ઝળહળતું બને, તેઓ પણ પુરુષાર્થની પાંખે બેસી, આત્મવિશ્વાસના અજવાળે, ખંતીલા બની  કાર્ય કરતા થાય, તેમજ તેમની આવડતમાં વધારો થાય તે માટે માર્ગદર્શન આપીએ, બિચારા બાપડાની મનોવૃતિમાંથી મુક્ત કરીએ, તેઓને પણ સુશિક્ષિત કરીએ, સ્વરોજગારીના માધ્યમો ઊભા કરીએ, અંધશ્રદ્ધાને શ્રદ્ધા વચ્ચેના ભેદ સમજાવીએ, અજ્ઞાનનાં અંધારાને ઉલેચી જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ, સ્વયંની અસ્મિતાને ઓળખતા કરીએ ને તો ગરીબોના જીવનમાં પણ હંમેશા દિવાળીના અજવાળાં પથરાયેલા રહેશે અને ભારત દેશની સૌથી મોટી સમસ્યા ગરીબી, જે ભારત માતાના શિર પર લાગેલું કલંક છે તે પણ કંઈક અંશે દૂર કરી શકાશે ખરું ને? 

 ફિલોસોફર હેન્રી વોર્ડ બીચરે કહેલું કે” કવિતામાં ગરીબોના ગુણગાન ગાઈએ તો મીઠા લાગે પણ ખરેખર ગરીબીમાં મજા નથી.” જો આ ગરીબી શાપ બની ગરીબના બાળકો એટલે કે આવનારા ભવિષ્યને ભરખી જતી રોકવી હોય ને ભારત દેશને ઉન્નતિના શિખરે લઈ જવા ઈચ્છતા હોઈએ ને તો ગરીબોને પણ સાક્ષર બનાવીએ, તેનામાં પણ આત્મગૌરવ પેદા કરીએ. આ દિવાળીએ આપણે સૌ સંકલ્પ કરીએ કે હું પાંચ ગરીબ ઘરે જઈ, હૂંફ ધરીને વિચારો આપી તેને પણ પુરુષાર્થ કરતો કરીશ. જો આપણા થકી પાંચ કોડિયા પ્રજ્વલિત થશે ને તો સાચી દિવાળી ઉજવી ગણાય.

” જિંદગી મળી છે તો લાવ માણી લઉં, પ્રેમ અને લાગણીથી શણગારી લઉં, અહમનો પટ ખંખેરી, માનવતા ઉરે ધરી ગરીબોની આંખે પણ સમણાં આંજી લઉં.”

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....