Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - 'ગરીબોની દિવાળી'

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ‘ગરીબોની દિવાળી’

-

લેખક: મહેન્દ્રકુમાર ડી પરમાર ‘ફોરમ’, ટુંકસાર – બાળકો અને પરિવારની ખુશી જોઈ એની આંખોમાં હરખના આંસુ આવી જાય છે.. ત્યારે મનોમન અનુભવે છે કે કાશ!… મારી પાસે વધુ પૈસા હોત તો હું..

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ: મહેન્દ્રકુમાર ડી પરમાર ‘ફોરમ’
  • ગામ: ભલાણીયા, તા-ગોધરા જી- પંચમહાલ
  • વિભાગ: ગદ્યલેખ

ભગવાન રામના અયોધ્યા ગમન સમયથી દિવાળી ઉજવાતી આવી છે. દિવાળી એટલે માત્ર દીવડા, ફટાકડા, રંગ રોગાન, મળવું, ફરવું અને ખાવું પીવું જ નહીં એ સિવાય પણ દિવાળી ઘણું બધું સાજન- માજન અને દરેકના હૈયાં સમો ઉજવણીનો આખો મહાવૈભવ લઈને આવે છે…

કદાચ ગરીબોના ઘરે દિવાળી પર આ બધો દુન્યવી વૈભવ નહીં હોય પણ અમીરોથી પણ ખુબ ઊંચો આનંદ ..ઉલ્લાસ…ખુબ પ્રેમ અને એકાત્મ ભાવ ખુબ સાદાઈ છતાં એમની ઉજવણીમાં ભળેલો જોવા મળશે…ગરીબો દિવાળીના એક મહિના પહેલાં ઘર અને આંગણને છાણ માટી વડે લીંપી ગૂંપીને સરસ તૈયાર કરે છે. એક મહિના પહેલાંથી તેમનામાં અઢળક ઉમંગ મ્હાતો નથી.નજીકમાં કોઇ ગુરુવારી કે રવિવારી માંથી એક જોડી કપડાં ખરીદવાનો આનંદ અને એજ જોડી દિવાળી પર પહેરીને જે આનંદ આવે તેનું વર્ણન કરવું ખુબ અઘરું હોય છે. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Parmar MahendraKumar ‘Foram’ (Symbolic image)

ક્યારેક ક્યાંક દાનથી કે કામના બદલામાં મળેલા જૂનાં કપડાં પણ દિવાળી પર ગરીબને અદભૂત ખુશીઓ તરફ ખેંચી જાય છે. ક્યારેક કોઇ મજબૂરીથી માણસ માંગીને દિવાળી કરે, તો કોઇ આમ ક્યાંક સડક પર સૂકા રોટલાના ટુકડાથી પણ દિવાળી કરે, પણ એ ગરીબ માટે મહામુલું પર્વ છે. મજૂરી અર્થે બહાર ગયેલ ગરીબો વતન આવે ત્યારે તેમને મન દિવાળી મિલનનું પર્વ બની જતું હોય છે. નાનકડા ખોરડાંમાં એક દીવાની જ્યોતે અનેક સુખો અનુભવતી ગરીબ વ્યક્તિઓની દિવાળી ક્યારેક કશુંક કહી પણ જાય છે.

દિવાળી પહેલાં ઉજવણી માટે પૈસાની વ્યવસ્થા માટે ખુબ મહેનત કરે છે …કંઈકને કંઈક રીતે પોતાના ઘરે દિવાળીનો માહોલ બને તે માટેનું એમની કક્ષા મુજબ આયોજન કરે છે. ક્યારેક તો ઘરનો મોભી પોતાના બાળકો માટે દિવાળીનો ઉત્સવ મનાવવા સમાન લાવે છે, ત્યારે એનાથી પોતાના બાળકો અને પરિવારની ખુશી જોઈ એની આંખોમાં હરખના આંસુ આવી જાય છે.. ત્યારે મનોમન અનુભવે છે કે કાશ!… મારી પાસે વધુ પૈસા હોત તો હું આનાથી વધુ ખુશીઓ મારા પરિવારને આપી શક્યો હોત… ખેર, તેમ છતાં દિવાળી ગરીબોને મન મહાઅવસર બની રહે છે.

ગરીબો પોતાની દિવાળીમાં પોતાના દુશ્મનને પણ મળીને આનંદ અનુભવે છે. જે ભાવ બીજે જવલ્લે જ હોય છે. કોઈપણ જાતના વેર ઝેર વગર ..ખુબ આનંદ અને ઉલ્લાસથી પર્વ ઉજવે છે. કોઇ ગરીબને ઘેર તો દિવાળીએ જ મીઠાઈ અને ફરસાણ બને છે, અથવા ક્યાંકથી લાવે છે…એટલે એમના ઘરે તો અઢળક આનંદ છવાઈ જાય છે…. અમીરના ઘરે અનેક મીઠાઈ, રસોઈ અને શણગાર હશે, હાલના આધુનિક અનેક વીજળીયુક્ત લાઇટો હશે, પણ અહીં ગરીબને ત્યાં માત્ર પારંપરિક દીવડા અને વર્ષમાં એકાદ વખત બનતા મહાભોજનનો અનન્ય આનંદ ડોકાય છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Parmar MahendraKumar ‘Foram’ (Symbolic image)

સાચું કહીએ તો સાચી દિવાળી કદાચ અહીં છે… બધા ભેગા થઈ અને દેશી મનોરંજન અને એકબીજાના સુખ દુઃખમાં સહાય થવા મથે છે. દિવાળી સમયે પ્રેમ, લાગણી, આત્મીયતા અને ભોળપણ ગરીબોની મોટપ છે. જે અમીરના મહેલોમાં અત્યારે માત્ર ઔપચારિક બની ગયું છે. દિવાળી ટાણે જો ગરીબના ખોરડે પહોચી જાવ તો જે દિવાળી માહોલ મુજબ અદભૂત સ્વાગત કરે છે, જે કદી ક્યાંય બીજે જોયું ના હોય તેવું આત્મીય હોય છે.. તૂટેલી ખાટલીમાં ફાટેલ ગોદડી પાથરીને જે ઉમળકાથી આવકારે છે તે દિવાળીની મહેમાની બીજે ક્યાંય નથી. તેઓ ખુબ જ હર્ષોલ્લાસ અને આસ્થાપૂર્વક દિવાળી પર્વ મનાવે છે. ગરીબ બહાર કમાવા ગયો હોય તો દિવાળી પર ફરજિયાત ઘરે આવે છે.. ને ધનવાન માણસ દિવાળી પર ઘરેથી ક્યાંક બહાર ફરવા કે તહેવાર મનાવા જાય છે. આટલો ફરક પણ જોયો છે..

ગરીબના ઘરમાં ટમટમતું નાનકડું કોડિયું આખા પરિવારને નવું જીવન બક્ષે છે…દિવાળી ગરીબીમાં હારી ગયેલને પ્રેરણા આપે છે. કોઈની જાહોજલાલી જોઈ પોતાની ગરીબીથી કદી નિરાશ થયા વિના પોતાના નસીબની બલિહારી માની ગરીબ પરિવાર ખુબ પારંપરિક દિવાળી મનાવે છે… જૂની પરંપરાઓ અને ગીતોથી મઢીને આખી દિવાળી હરીભરી બનાવી દે છે. આ બધી બાબતોથી વિપરીત કેટલાક પરિવારમાં દિવાળી જેવું કશું થતું જ નથી, કેમ કે ખુદ ખાવા માટે એક ટંકના ફાંફા પડે ત્યાં તેમને દિવાળી વળી શું? ક્યારેક તો દિવાળી ટાણે ગરીબોના જીવનમાં ડોકિયું કરીએ તો તેમનો અંતરાત્મા પોકારતો હોય છે  કે આ દિવાળી શું કામ આવતી હશે??

ગરીબ માણસ આ બાબતે આંખમાં ઝળઝળિયાં આવી જાય એવા રડમસ ચહેરે ભગવાનને ક્યારેક લડી પણ લે છે. સિક્કાની બીજી બાજુની જેમ દિવાળી ટાણે ગરીબોને અન્ન,વસ્ત્ર જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પણ મળતી નથી. તો દિવાળી ઉજવવાની વાત તો શું હોય! ગરીબના ઘરમાં ઘી તો શું તેલનું ટીપું પણ જોવા મળતું નથી, જ્યારે શ્રીમંતોની કબરો પર મોંઘા ઘીના દીવા પ્રગટાવેલા આપણે જોઈએ છીએ…જે સમાજમાં ગરીબના પેટનો દીવો સળગી નથી શકતો તેવા સમાજમાં સાચી દિવાળી ઉજવાય એમ માનવું ભૂલ ભરેલું છે.

કેમ કે દિવાળી પ્રસંગે એક ખુશીઓ મનાવે અને એક નિઃસાસા નાખે એ દિવાળી …દિવાળી નથી હોતી. દિવાળી ક્યારેક ગરીબ માટે અફસોસનો તહેવાર બની જાય છે. દિવાળીની ખરીદી ગરીબોનું બજેટ ખોરવી નાખે છે.શ્રીમંતો ભોગવિલાસની પાછળ લાખો રૂપિયા ખર્ચે છે,તેનો થોડોક ભાગ પણ જો ગરીબોના કલ્યાણ માટે વપરાય તો આવા તહેવારો ટાણે ગરીબોના જીવનમાં દિવાળીનો ઉઝાસ સાચા અર્થમાં ચમકી ઊઠશે…

એક કવિએ સાચું જ કહ્યું છે કે…  ‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે’

દિવાળી દર વર્ષે આવે છે ને જાય છે ..પણ ક્યારેક દિવાળીનો સાચો દીવો ગરીબના દિલમાં પ્રગટશે ને, એ દિવસે દિવાળી ઉજવાઈ સાર્થક ગણાશે. ખેર,  અનેક …વિટંબણાઓ છતાં દિવાળી ગરીબના ઘરે નવી તાકાત… નવું જોમ આપનારી હોય છે. કદાચ દિવાળી છે એમ માની અનેક દાતાઓએ દિવાળી નિમિત્તે આ ગરીબોને ભોજન, મીઠાઈ, ફટાકડા અને અનેક પ્રબંધ કરતા હોય છે. એ રીતે દિવાળી ગરીબ માટે આશાનું કિરણ પણ હોય છે. ગમે તેટલા ગરીબ હોય મીઠાઈ ભોજન કે ખાવાનું મળે કે ના મળે ફટાકડા કે કપડાં  મળે કે ના મળે પણ આવતી દિવાળી કોણે જોઈ ?…કાલે સાથે હોઈશું કે નહીં !

એમ વિચારી દિવાળી પોત પોતાની ક્ષમતા, પરંપરા અને રિવાજો મુજબ ઉજવાતી આવી છે …આ ગરીબોની આવી લીલી સુખી જિંદગીમાંથી સાચા જીવનનો અણસાર મળે છે.અને આવી દિવાળી જેવા તહેવારો અને તેની સાથેની પરંપરાઓમાંથી જીવનની ચાલી જતી આ વર્તમાન પળને ભોગવીને જીવન ધબકતું અને ખુશહાલ રાખવાનો ગર્ભિત સંકેત તેમની પાસેથી મળે છે. 

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....