Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી પ્રતિયોગીતા - "ગરીબોની દિવાળી" અને આપણી દિવાળીમાં આ જ તો...

ગરીબોની દિવાળી પ્રતિયોગીતા – “ગરીબોની દિવાળી” અને આપણી દિવાળીમાં આ જ તો ફરક…

-

ટુંક સાર – “ગરીબોની દિવાળી”. આપણી દિવાળી અને ગરીબોની દિવાળીમાં આ જ તો ફરક છે. આપણી દિવાળીમાં ઝગમગ, લાઇટિંગ, મોંઘાદાટ કપડા, વિશેષ ટેકનોલોજીવાળા…

Garibo Ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી નિબંધ

  • લેખક- મીનાક્ષી રવિન્દ્ર જગતાપ
  • ઉપનામ- મીનું
  • ગામ- સુરત
  • હોદ્દો – ઉપશિક્ષીકા

આજે સ્મીમેર હોસ્પિટલમાં જવાનું થયું . કેટલાક દિવસથી કમરમાં મને દુ:ખાવો ઉપડ્યો હતો. તેથી ઓર્થો ડોક્ટરનો સંપર્ક કર્યો .તેમને મને એક્સ-રે માટે 45 નંબર ના વોર્ડ માં જવાનું કહ્યું. તે પ્રમાણે હું એક્સ-રે માટે ની લાઈનમાં જઈને ઊભી રહી ગઈ. ત્યારે એક્સ- રે વોર્ડની અંદર એક ઈમરજન્સી કેસને લાવવામાં આવ્યો. સૌને પાછળ ખસેડતા વોર્ડ બોય આમતેમ દોડાદોડી કરી રહ્યા હતા .થોડીજ વારમાં ન્યૂઝ ચેનલવાળા આવી ગયા . પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બે બાળકોના એકસીડન્ટ થયા હતા.

બંને બાળકોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લાવીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોટો બાળક વધારે જખમી હાલતમાં હતો. નાની બાળકીને પગમાં ફેક્ચર થયું હતું .એ રડી રડીને પોતાની હાલત ખરાબ કરી રહી હતી .બધા આ બે બાળકોની આગળ પાછળ દોડાદોડી કરી રહ્યા હતા .પણ આ બંન્ને બાળકોના  મા- બાપ માથી કોઈ પણ ત્યાં હાજર ન હતું . સૌ કોઈ આ બાળકો અને તેમના મા બાપ વિશે પૂછપરછ કરી રહ્યા હતા. ત્યાંરે જાણવા મળ્યું કે આ બાળકો ફૂટપાથ પર રહેતા ગરીબ અને બેઘર બાળકો છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gujarati Essay Garibo ni diwali – Symbolic image

જ્યારે તેઓ રમતા રમતા ફૂટપાથ પરથી નીચે ઉતરી આવ્યા, કે કોઈ ગાડીવાળો આ બંને બાળકોને ઠોકીને જતો રહ્યો હતો અને બાળકો ઘવાયાં હતાં. આજુબાજુના લોકોએ પેલા ગાડીવાળાને પકડવાની કોશિશ કરી હશે, પણ તે નાસી છૂટયો હતો. કોઈએ એમ્બ્યુલન્સને ફોન કરી બાળકોને દાખલ કર્યા હતા. ઘણીવાર થતા એક દંપતી દોડતું રડતું ત્યાં આવી પહોંચ્યું. તેમને કહ્યું કે તેઓ રોજ ફૂટપાથ પર બનાવેલ ઝૂંપડીમાં બંને બાળકોને મૂકીને રમકડા, ફુગ્ગા, ફટાકડા, કાચના વાસણોને વેચવા જાય છે.

તેમની વાત સાંભળી કેટલાક લોકો તેમના પર ગુસ્સો ઠાલવી રહ્યા હતા. પણ તેઓ શા માટે આવું કરતા હશે? એનો વિચાર કોઈએ કર્યો ન હતો. ગરીબની જિંદગીની કલ્પના કરવી શક્ય નથી. આજના જમાનામાં ઘણા પૈસાદાર વ્યક્તિઓએ ભૂતકાળમાં ગરીબીની રેખાનીચે જીવન વિતાવ્યું હશે, પણ આજે તેઓ ભૂતકાળ ભૂલી ગયા છે. પણ આમ પોતાનો ભૂતકાળ ભૂલીને કોઈના પ્રત્યેની સંવેદનાને ન ભૂલવી જોઈએ .શું કામ આટલા નાના બાળકોને એકલા રઝળતા મૂકી આ દંપતી ધંધાર્થે આખો દિવસ ફરતા હશે ? તેનું કારણ હતું “દિવાળી”.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gujarati Essay Garibo ni diwali – Symbolic Labour image

થોડાક સમય પહેલા જ નવરાત્રી ,દશેરો પૂરો થયો. નવલી નવરાત્રીમાં  સુંદર મજાના ઘાઘરા ,ચણીયા- ચોળી પહેરીને ગરબે ઘૂમતા ખેલૈયાઓને આ બાળકો રોજ જોતા હશે. નજીકથી પસાર થતી ટ્રાફિકની ભીડમાં ગાડીઓ જોતા હશે. આ ગાડીઓની વચ્ચે કારમાં બેઠેલા તેમના હમઉમર બાળકોએ પહેરેલા નવા નવા કપડા તેઓ જોતા હશે. “કેવા મજાના કપડા!” લાલ ,ગુલાબી ,પીળા ,મોતી ભરેલા, તેનાપર કરેલું જરીનું કામ, કેટલા સુવાળા કપડા!આ જોઈને બાળકોની આંખોમાં અનેરી ચમક આવી જતી હશે.

રમકડા તો મા-બાપ ઘણા લાવે છે, પણ રમવા નથી દેતા. ફટાકડા પણ તેઓ ઘણા લાવે છે, પણ ફોડવા નથી દેતા. કારણ આ રમકડા પોતાને રમવા માટે નથી, આ ફટાકડા પોતાને ફોડવા માટે નથી પણ બીજાને વેચવા માટે લાવેલા છે. એનાથી પૈસા મળશે ત્યારે તેઓ નવા કપડા ખરીદશે. શું આ બાળકોની આંખોમાં ચમક મા-બાપથી છુપાઈ હશે?.. ના,તેથી જ તો આવનાર દિવાળીમાં આ નાનકડા બાળકો ને નવા કપડા લાવવા માટેજ તો તેઓ આટલી મહેનત કરી રહ્યા છે. જ્યારે સખત મેહનત પછી આ બાળકોને તેઓ દિવાળીમાં નવા કપડાં લાવશે બાળકો પહેરીને ગેલ કરશે. ત્યારે જ સાચી દિવાળી હશે .

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gujarati Essay Garibo ni diwali – Symbolic Diwali image

હા એજ તો છે “ગરીબોની દિવાળી”. આપણી દિવાળી અને ગરીબોની દિવાળીમાં આ જ તો ફરક છે. આપણી દિવાળીમાં ઝગમગ, લાઇટિંગ, મોંઘાદાટ કપડા, વિશેષ ટેકનોલોજીવાળા દિવડા, મીઠાઈઓ, મોંઘા ગિફ્ટ. અને ગરીબની દિવાળી એટલે”આજે છે દિવાળી ને મારુ પેટ ખાલી”આવી પરિસ્થિતિ હોય છે. જો આપણે ધારીએ તો તેઓના ઘરમાં પણ દિવાળીની ઉજવણી થઈ શકે છે. માત્ર આપણને એટલું જ કરવાનું છે કે ભલે તમે મોંઘાદાટ મોલમાં કપડા ખરીદવાના આદી હોવ, પણ એકાદ કપડાનું જોડ તો પેલા શનિવાર બજાર, રવિવાર બજાર જેવા બજારોમાં એકાદ ખૂણામાં બેસીને કોઈ ભલા ગ્રાહકની રાહ જોતા ફેરિયાઓપાસેથી પણ જરૂર ખરીદી કરજો.

મોંઘીદાટ દુકાનેથી ફટાકડા ખરીદી કરો છો. જરૂર કરજો, વાંધો નહીં, પણ એકાદ-બે પેકેટ લોરી લઈને શેરીએ-શેરીએ ફટાકડા વેચવા ભમતા ફેરિયાઓપાસેથી પણ લઈ લેજો ને.., ઘરને મોંઘી ને ઝગમગ કરતી લાઇટીંગના રોશનીથી જરૂર સજાવજો ,પણ માટીના દિવડા તો રસ્તાપર પોતાનું પાથરણું ફેલાવીને દિવડાવો વેચતા ગરીબ લોકો પાસેથી પણ લઈ લેશો. ભગવાને વધારે આપ્યું હોય તો પોતાના સ્વજનોને ગિફ્ટ જરૂર આપજો, પણ રસ્તાપર ,ફૂટપાથ પર, શેરીના નાકે, મંદિરોની બહાર, પુલની નીચે પોતાનું ગુજરાન ચલાવતા ગરીબો, નિરાશ્રિતો, વૃદ્ધોને આ દિવાળીમાં દાન જરૂર કરજો. થોડી ગરીબોની પણ દિવાળી ઉજવાઈ જશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Gujarati Essay Garibo ni diwali – Symbolic Diwali crackers image

દશેરા પછી આ લોકો પોતાના ઘરમાં દિવાળીની ઉજવણી થાય તે માટે સખત મહેનત કરે છે. ભર બપોરે પણ પોતાની વસ્તુઓ વેચવા તત્પર બને છે. તો શું એમના માટે આપણે એટલું પણ ના કરવું જોઈએ?

હવે દાન કરવાનું કીધું એટલે એક બિસ્કિટનું પેકેટ આપી દસ ફોટા પડાઓ અને સોશિયલ મીડિયામાં અપલોડ કરો એવું મેં નથી કીધું. મારા ભાઈ, ગરીબોને પણ એમનો સ્વાભિમાન સાચવવા દો. તમે આવું કરી પોતાની છબી લોકો સામે પ્રસ્તુત કરવા માંગો છો . ફોટો પડાવવાનો તમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત બીજાને ગરીબોની મદદ કરવાનો પ્રોત્સાહન મળે એવો જ હોવો જોઈએ. બાકી તમારી છબી તો ઈશ્વર જાણે જ છે.

તો ચાલો થોડીક સંવેદના સાથે ઉજવીએ ‘ગરીબોની દિવાળી’. એનાથી તમારા ઘરના લાઈટીંગના પ્રકાશ કરતા કંઈક અનેરો પ્રકાશ તમારા હૃદયમાં ઝગમગશે એવી ખાતરી આપું છું.

Must Read