Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - મારો શું વાંક ??

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – મારો શું વાંક ??

-

લેખક: જીજ્ઞેશ પટેલ@કડી, ટુંકસાર – વાંક-ગુના વગર આખો પરિવાર ‘ભૂ-ચકરી (ફટાકડો) ની જેમ ગોળ-ગોળ ફંગોળાઈ ને શાંત થઇ ગયો.

Garibo ni Diwali Gujarati essay – મારો શું વાંક ??

  • નામ :- જીજ્ઞેશ પટેલ@કડી, “વિચાર વીંઝણો”
  • ગામ :- જય વિનાયક સિટી, કડી, જિ. મહેસાણા.
  • વિષય :- ગરીબો ની દિવાળી.
  • શીર્ષક :- “મારો શું વાંક ??

 “દિવાળી” શબ્દ સાંભળતા જ અનેક લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો, ચોમાસા માં ઉગી નીકળતા ઘાસની જેમ ફૂટી નીકળે છે. અમિર અને ગરીબ બંને લોકો વિચારે કે આ દિવાળી કેવી રીતે ઉજવીશું ? પરંતુ બંનેના આ એકજ સવાલનો જવાબ જુદો-જુદો હોય છે. અમિર લોકો ક્યાં પૈસા વાપરવા એનું પ્લાનિંગ કરતા હોય છે, જયારે ગરીબ ક્યાંથી પૈસા લાવવા એનું પ્લાનિંગ કરતા હોય છે. તેથીજ ગરીબીની ઘંટીમાં એક વ્યક્તિ નહિ પરંતુ તેનો આખો પરિવાર અને ક્યારેક ક્યારેક તો આખો સમાજ પણ અનાજની જેમ પીસાતો હોય છે.

              આજે આવાજ એક પરિવારની દિવાળી વિષે વાત કરવી છે કે જેનો કોઈ વાંક-ગુના વગર આખો પરિવાર ‘ભૂ-ચકરી (ફટાકડો) ની જેમ ગોળ-ગોળ ફંગોળાઈ ને શાંત થઇ ગયો.

વાક બારસ નો દિવસ હતો, દિવાળી ની ઝાકમઝોળ હવે લોકોના ઘરો અને બજારો માં દેખાવા લાગી હતી. રાત ના આઠેક વાગ્યાનો સમય ને બજારો ની ભીડ ની વચ્ચે કાન ફાડી નાખે ને હૃદય ચીરી નાખે એવો એમ્બ્યુલન્સ નો કર્કશ અવાજ. એમ્બ્યુલન્સ એટલી ઝડપે જતી હતી કે જાણે યમરાજા એનો પીછો ના કરતા હોય જાણે.. યમરાજા ને હાથ તાળી આપીને એમ્બ્યુલન્સ ઝડપથી એક હોસ્પિટલે આવીને ઉભી રહી. અંદરથી એક પાંચ-સાત વર્ષના બાળકને સ્ટ્રેચર પર સુવડાવી ને બહાર લાવવામાં આવ્યો, સાથે તેની “માં” તથા તેની દસ-બાર વર્ષની બે મોટી બહેનો પણ રો-કકળ કરતી કરતી સ્ટ્રેચર સાથે બહાર આવે છે. અને હોસ્પિટલ માં  પહોંચતાજ ડોક્ટર ને આજીજી કરે છે કે સાહેબ મારા છોકરા ને બચાવી લો, મારા એકના એક દીકરા ‘રવિ’ ને બચાવી લો.

ડૉક્ટર સ્ટ્રેચર પર સુતેલા બાળકને જુવે છે, તો તેના હાથમાં કોઈ મોટો બૉમ્બ ફૂટ્યો હોય એવું પ્રાથમિક તબક્કે જણાય છે, કારણકે એક હાથ ના તો કુચ્ચા બોલાઈ ગયા છે, કોમળ આંગળીઓ કે હથેળી નો કોઈ અતોપતો નથી.તથા આંખો અને નાક પર પણ ઘણી નાની મોટી ઇજાઓ થઇ હોય એવું જણાય છે. ડૉક્ટર સાહેબે પ્રાથમિક તપાસ કરીને કહ્યું કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. તેના પપ્પા ને બોલાવી લો અને પચાસ હાજર રૂપિયા કાઉન્ટર પર જમા કરાવી દો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Jignesh Patel “વિચાર વીંઝણો” (Symbolic image) – Children in Hospital

 “મારો શું વાંક ???

દિવાળી નો સમય હોવાથી મનોજભાઈ એટલેકે રવિ ના પપ્પા, કારખાનાં માં મોડે સુધી ઓવર-ટાઈમ કરતા જેથી કરી થોડા વધારે પૈસા મળી રહે ને દિવાળી એ કામ આવે. તેમને ફોન દ્વારા જાણ થઇ તો બધું કામ પડતું મૂકીને શેઠની રજા લઇ ઝડપથી હોસ્પિટલ પહોંચ્યા. અને જુએ છે તો લાભુબેન એટલે કે રવિ ના મમ્મી તથા બે મોટી બહેનો, હેતલ અને શીતલ, આંખોમાં આંસુ સાથે મનોજભાઈ ની રાહ જોતા બેઠા હોય છે એવામાં હંફાળા ફાંફડા આવીને મનોજભાઈનો પહેલોજ સવાલ કે આમ કેવી રીતે થયું ??

ફ્લેસબેક

મનોજભાઈ આમતો ગામડાનો માણસ, લાભુબેન સાથે લગ્ન થયા પછી ત્રણ સંતાનો, બે દીકરી અને એક દીકરો. ગામડે જ રહેતા ખેત મજૂરી કરતા પરંતુ ગામડે બાળકો ના અભ્યાસ અને ભવિષ્ય ની ચિંતા ને કારણે શહેરમાં આવ્યા. બાળકો માં સારા સંસ્કાર અને અભ્યાસ માટે શહેરમાં સારા વિસ્તાર માં મકાન ભાડે રાખ્યું. અને નજીકની સારી અને પ્રતિષ્ઠિત શાળામાં ત્રણેય બાળકોના એડમિશન કરાવ્યા, અને પોતે એક લોખંડના કારખાનામાં મજૂરી કરતા. જે પગાર આવે તેમાં માંડ-માંડ પૂરું થતું સાથે સાથે મોંઘુ શહેરી શિક્ષણ.

લાભુબેન પણ ઘરે જે મળે એ છૂટક કામ લાવીને કરતા જેથી ઘરમાં આર્થિક મદદ થાય. આમ આ પરિવારનું ગાડું ચાલતું હતું. એવામાં દિવાળી નજીક હોવાથી ઘણા બાળકો ફટાકડા ફોડતાં, રવિ પણ ઘણા દિવસથી જીદ કરતો કે પપ્પા મને પણ ફટાકડા લઇ આપોને આ બધા છોકરા રોજ ફટાકડા ફોડે છે. પરંતુ મનોજભાઈ કહેતા કે હજુ દિવાળીની વાર છે, પછી લઇ આપીશ, પણ આતો બાળક, રોજ જીદ કરે અને મનોજભાઈ રોજ કોઈ ને કોઈ બહાને વાત ને ટાળી દેતા.

શહેર ના સારા એરિયામાં રહેતા હોવાથી આજુ-બાજુ ના બાળકો રોજ સાંજે ઘણા દિવસો થી ફટાકડા ફોડતાં અને રવિ પોતાના ઘરની આગળ ઉભો-ઉભો જોતો. એક દિવસ બાળકો પોતાના ફટાકડા ફોડીને ઘરે જતા રહ્યા અને રવિ ત્યાં ઉભો ઉભો જોતો હતો અને તેને લાગ્યું કે બાળકો ફટાકડા ફોડતાં હતા એમાં ઘણા ફટાકડા ફૂટ્યા નહોતા. લાવ ને લઇ લઉં, મારે ફોડવા થશે. આતો બાળક, સમજણ ઉપર લાલચ તરતજ હાવી થઇ જાય. અને થયું પણ એવું જ. રવિ તરતજ ત્યાં ગયો અને જે ફૂટ્યા નહોતા એવા ફટાકડા વીણવા લાગ્યો. અને એવામાંજ એક મોટો બૉમ્બ હાથમાં જેવો લીધો કે તરતજ ….ધડામ………..

(હાલ) હોસ્પિટલમાં એક બાજુ ઓપરેશન ચાલુ છે, મનોજભાઈ એ પોતાના શેઠ ને વાત કરી તો પૈસા નો તો બંદોબસ્ત થઇ ગયો પરંતુ રવિ નું શું થશે ?? એ ચિંતા માં આખો પરિવાર ભૂ- ચકરી ની જેમ ચકડોળે ચડ્યો હતો. ઓપરેશન ચાર કલાક જેવું ચાલ્યું, આ ચાર કલાકમાં તો આખો પરિવાર કેટલીયે વાર ઘંટીમાં અનાજ પિસાય તેમ પિસાતો રહ્યો.. ઓપરેશન પછી ડૉક્ટર સાહેબે બહાર આવીને જણાવ્યું કે.. જુઓ બૉમ્બ ખુબ મોટો હશે, જેથી કુમળી આંગળીયો તો એક પણ રહી નથી, સાથે-સાથે તીવ્ર અવાજને કારણે કાનના પડદા ને પણ ઇજા થઇ છે. તે ઉપરાંત એક મહત્વની વાત કે બાળક કદાચ નીચે નમીને બૉમ્બ લેવા ગયો હોય અને તે સમયે જ  ફૂટ્યો હોય તેથી તેની આંખો ને પણ ઘણું નુકશાન થયું છે.. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Jignesh Patel “વિચાર વીંઝણો” (Symbolic image) – Operation Theatre

ડૉક્ટર સાહેબ ની આટલી વાત સાંભળતા જ લાભુબેન ચક્કર ખાઈને નીચે પડ્યા.જેમ – તેમ તેમને સાંભળ્યા પણ મનોજભાઈ ના મન અને મગજમાં કંઈક અલગ જ ફટાકડા ફૂટતા હતા. તે વિચાર માં હતા કે ‘હે ભગવાન ! અમારો આમ શું વાંક ??, ગરીબ છીયે એ અમારો વાંક ??, મારા દીકરા માટે હું ફટાકડા નથી ખરીદી શકતો એ મારો વાંક ??, કે પ્રામાણિકતા થી મજૂરી કરી પરિવાર નું પેટ ભરું છું એ મારો વાંક……….. પણ ઈશ્વર સાંભળે છે બધાનું પરંતુ આજ સુધી, સામે આવીને કોઈને પણ જવાબ આપ્યો નથી…. હો…. 

દિવાળી માં આપની અને આપના પરિવાર ની કાળજી રાખો, સ્વસ્થ રહો, ખુશ રહો…

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....