Homeવિશેષગરીબોની દિવાળીદિવાળી ના દીવડા પ્રગટાવીએ ઠેર ઠેર, તો ગરીબો પણ ઉજવે દિવાળી આનંદ...

દિવાળી ના દીવડા પ્રગટાવીએ ઠેર ઠેર, તો ગરીબો પણ ઉજવે દિવાળી આનંદ ભેર…

-

લેખક: હિંમત સોમૈયા, ટુંકસાર – દિલબર – વાંદરા ” એ અમીરો પ્રત્યે આશાની મિટ માંડી સલામો ભરતો ગયો માથું નમાવતો ગયો અને ગુલાંટીયા મારતો ગયો આમ પાંચ દસ મિનિટમાં દિલબર નો રૉલ પુરો

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • લેખક: હિંમત સોમૈયા
  • ઉપનામ: શ્યામા
  • નિવાસ: નવી મુંબઈ
  • પ્રકાર: ગદ્ય લેખમાળા

દિવાળી ના દીવડા પ્રગટાવીએ ઠેર ઠેર, તો ગરીબો પણ ઉજવે  દિવાળી આનંદ ભેર….

મુંબઈના સેન્ટ્રલ સબર્બ ઘાટકોપરના ડૉલર એરિયાની એક શાંત નિશાન્ત સ્ટ્રીટ માં રવિવારના ઉગતા સુર્યની સવારે ડમરુના ડુગડુગીયાનો કર્ણપ્રિય અવાજ ગૂંજી ઉઠ્યો. એટલે સ્કાય ટાવરોના મકાનોની બાલકનીઓમાં સુખી સંપન્ન પરિવારોના બાળકો , વયસ્કો અને વડીલોના ચમકતા ચહેરા ડોકાયા અને શું ચાલી રહ્યું છે તેવી વિસ્મયતા થી સ્ટ્રીટમાં નજરો ખોડાઇ  !!

ગરીબીની ભીંસ અને કપરા વખતની થપાટો ખાઇ ખાઇ ખખડધજ થઇ ગયેલો વખતનો માર્યો એક માણસ ગલ્લી ના કોરાણે બબ્બે બામ્બુઓથી બે ખૂણે ત્રિકોણીય મોભ ઉભા કરી બંન્ને ખૂણાઓને રસ્સી થી બાંધી માંચડો તૈયાર કરી ને એના જીવાદોરીના હમસફર સાથી સંગાથી પૂર્વ ભવના ઋણાનુબંધે બંધાયેલા ભેરુ જેવા માંકડા – વાંદરાને એ મદારી લલકારી રહ્યોં હતો અને કહી રહ્યોં હતો કે, એ ય, દિલબર, તેરા ખેલ દેખને કે લિએ આયે હુએ અહ મહેરબાનો કો બાર બાર સલામ કર ઔર ઉનકા સર ઝૂકા કર શુક્ર ગુજાર કર.

એટલે રોજની આદતોથી ટેવાઇ ગયેલા ” દિલબર – વાંદરા ” એ અમીરો પ્રત્યે આશાની મિટ માંડી સલામો ભરતો ગયો માથું નમાવતો ગયો અને ગુલાંટીયા મારતો ગયો આમ પાંચ દસ મિનિટમાં દિલબર નો રૉલ પુરો થયો અને હવે ઑપન મંચ પર એથ્લેટ કલાના કામણ પાથરવાનો વારો મદારીના દીકરી નો આવ્યો .

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by somaiya Himantbhai Mumbai (Symbolic image)

સાત આઠ વરસની  ઉગી ને ઉભી થતી ચિબુકલી ચકલી જેવી દીકરી આંખમાં ઉજળા ભવિષ્ય ના સમણાં ભરી અંગથી મોટું ચાર પાંચ થિગડા મારેલું કોઇકે આપેલું  ફ્રોક પહેરી સજ્જ થઇ બાપ પાસે આવી ઉભી રહી ગઇ અને સમાજ શ્રેષ્ઠીઓ પ્રત્યે આશા – અપેક્ષા ની મિટ માંડી આદાબ કરી બામ્બુઓના આધારે સડસડાટ ટોચ પર ચડી ગઇ અને બંન્ને હાથમાં વાંસની લાંબી લાકડી થી બેલેન્સ- સંતુલન જાળવી ડુગડુગીયા ના તાલે તાલે દોરડા ઉપર નાચતી ઝુમતી આ ખૂણે થી પેલે ખૂણે અને પેલે ખૂણે થી આ ખૂણે ચાર પાંચ રાઉન્ડ મારી દર્શકો ની વાહ !! વાહ !!! અને તાળીઓ ની નવાજેશ મેળવી ગઇ.

વીસ મિનિટ આલેલા આ ઑપન ઑપેરા નો શૉ પુરો થતાં મદારીએ પોતાના કૃશ શરીર પર ટીંગાયેલા બે સુકલકડા હાથ ફેલાવી યાચના ભાવે કહ્યું , અ ય, માઇ બાપ ?? ઇન  માસુમ બચ્ચો કે ઔર દેખો ઔર દયા કરો , શેઠ સાહબ રૂપૈયા દો રૂપૈયા દે દો તો કલ કી દિવાલી કે દિન ઇન્હીકે લિએ દો રોટી કા ઇન્તેજામ હો શકે! પણ એની અપીલ બહેરા કાને અફડાઇ.

મલ્ટી પ્લેક્ષ થિયેટરના સ્ક્રિન પર વાંદરાની જેમ નાચતા હીરો ખાનો ને જોવા રૂપિયા ત્રણસો ચારસો ની ટીકીટ ખર્ચી નાખતાં આ સખાવતી ઓને રૂપિયા બે રૂપિયા આપી ગલ્લી કલાકારોને પ્રોત્સાહન આપવાની દિલ દિલાવરી ત્યાં જ  સૂકાઇ ગઇ અને ખેલ જોવા ઉભરાયલી બાલ્કનીઓ હળવે હળવે સૂમસામ થઇ ગઇ , સખાવતીઓ અંતરધાન થઇ ગયાં પણ એક બાલ્કનીમાં નવ દસ વરસનો એક ” તેજશ ” હજુ ત્યાંજ ઊભો હતો અને ભૂતકાળ માં ખોવાઈ ગયેલી તેની આંખો કઇંક શોધતી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by somaiya Himantbhai Mumbai (Symbolic image)

તેજશ ને પોતાના અભ્યાસ કાળ દરમિયાન વાંચેલું એક પાઠ યાદ આવી ગયું  કે ! “જે દિવસે શહેરના અમીર ઉમરાવો દિલ થી દિલદાર બની પોતાની કમાઇનો ટૂકડો ભાગ  ગરીબો ની ઝૂંપડીમાં જઇ એમના બચ્ચાઓને આપશે અને એમના ચહેરા પર દિવાળી ની ચમક જોવા રોકાશે તે દિવસે એ અમીરોના બારણે મહાલક્ષ્મી દેવી દસ્તક દેતી આવશે ”

અભ્યાસ દરમિયાન વાંચેલા આ પાઠ ના શબ્દો એ તેજસ ના અંતર આત્મા માં  સંસ્કારોનો ઝબકારો થયો પરમારથના અંકુરો ફૂટ્યાં , તેજસે ત્વરિત નિર્ણય લઇ લીધો અને હાથ હલાવી ગલ્લી ના એ કલાકારોને ” ઉભા રહો હું આવું છું ” નો ઇશારો કરી કઇંક કહી રહ્યો હતો . પાંચ જ મિનિટ માં તેજશ નીચે ગલ્લીમાં આવ્યો અને મુઠ્ઠી માં દબાવેલા રૂપિયા સો સોની ચાર પાંચ નોટો એ ડાયરેક્ટર જેવા મદારીને આપી જાણે એણે આજે કોઈ ને સહભાગ આપ્યો હોય એવા તૃપ્ત સંતોષના ભાવ સાથે અને મદારી ઉપર ઉપકાર કર્યાનો કોઇ પણ જાતનો ભાવ દર્શાવ્યા વિના પોતાના ઘર ભેગો થઇ ગયો .

મમ્મી એ પૂછ્યું તો તેજસે ગૌરવ સાથે કહ્યું કે, મમ્મી !!! મેં આજે મારા અભ્યાસને અજવાળ્યું !!!! બે કામો એક સાથે કર્યાં.

એક , કો’ક અજાણ્યા ધેર દિવાળી ના દીવડા પ્રગટાવ્યાં અને બીજું હવેથી ફટાકડા ન ફોડવાનું વૃત લઇ પર્યાવરણ સ્વચ્છતાની ઝૂંબેશને સ્પોટ પાઠીંબો આપ્યો. મહેલાતો અને આવાસોમાં મહાલતા સેંકડો નગર શ્રેષ્ઠીઓ ના એકે એક ઘરમાં “તેજસ ” વિચારધારા સાકાર થાય અને સમાજ ની સેંકડો સમાજ સેવા કરતી સંસ્થાઓ ,એન જી ઓ જો ” તેજસ ” ની વિચારધારા ને અપનાવી તહેવારો અને ઉત્સવ પર્વ ના દિવસોએ જરૂરતમંદોને બે ટંકના ભોજનનો પ્રબંધ કરાવી આપે ફૂડ પેકેટ વિતરણ કરી કે રેશનીંગની કીટ તૈયાર કરી ગરીબોના ઘેર આપવાની યોજનાઓ કરે તો ઉપર આભ અને નીચે ધરતી ના આસરે જીવન ખસેડતા ગરીબો પણ દિવાળી ની ઉજવણી કરી મનના ગોખલામાં આસ્થા ના દીવડા પ્રગટાવે .

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by somaiya Himantbhai Mumbai (Symbolic image)

સમાજના શ્રેષ્ઠીઓ અને  સમાજ સંસ્થાઓની આ નૈતિક ફરજની એક પરંપરા અને પ્રાણાલિકાના મંડાણ થાય અને આહિસ્તે આહિસ્તે સમાજમાં રંક રાય વચ્ચેની ભેદ રેખા નાની થાય.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....