Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી પ્રતિયોગીતા - ગમતાંનો કરીએ ગુલાલ...

ગરીબોની દિવાળી પ્રતિયોગીતા – ગમતાંનો કરીએ ગુલાલ…

-

ટૂંક સાર – ગરીબને દિવાળી શું ને હોળી શું? પેટ ભરવાં માટે રોજ કમાઈને રોજ ખાતા ગરીબ જન બે ટાઈમ પેટ ભરીને જમી શકે એટલું  પણ કમાતા નથી હોતાં. સાવ સામાન્ય વસ્તુઓ બહુ ઓછી કિંમતમાં વેચાતી

Garibo Ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળીની લઘુ વાર્તા 

  • નામ : પ્રફુલ્લા રશ્મિકાંત શાહ “પ્રસન્ના”
  • શહેર : વડોદરા 
  • વિષય : ગરીબોની દિવાળી 
  • પ્રકાર : ગદ્ય –લેખ

સ્કૂલમાં ભણતાં’તાં ત્યારે ગુજરાતીનાં પાઠ્ય પુસ્તકમાં  એક બહુ સરસ કવિતા આવતી હતી,

“દિવાળીનાં દિન આવતાં જાણી, ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.”

ઇન્દુલાલ ગાંધી

ચિભડાં વેચીને પેટ ભરતી એક ગરીબીની દીકરીને જાણ થાય છે કે દિવાળી નજીક આવી રહી છે ત્યારે એ પોતાના અંગ ઉપરની એક માત્ર જોડ ધોવા માટે કોઈકની પાસેથી સાબુનાં છપતરાં માંગીને નદીએ જાય છે. ઘાઘરો ને બ્લાઉઝ પહેરીને અનેક જગ્યાએથી ફાટેલું ઓઢણું ધુએ છે. ભીનું ઓઢણું વીંટાળીને, આજુબાજુ કોઈ જોતું નથી ને! એમ ડરતાં ડરતાં બીજાં કપડાં ધુએ છે. બધાં કપડાં ભીનાં જ પહેરવાથી એને ઠંડી ચઢે છે અને અથડાતી કુટાતી પોતાની ઝુંપડીએ પહોંચે છે!

ગરીબને દિવાળી શું ને હોળી શું? પેટ ભરવાં માટે રોજ કમાઈને રોજ ખાતા ગરીબ જન બે ટાઈમ પેટ ભરીને જમી શકે એટલું  પણ કમાતા નથી હોતાં. સાવ સામાન્ય વસ્તુઓ બહુ ઓછી કિંમતમાં વેચાતી હોવાથી આખો દિવસ ઉભા રહે તો પણ ભરણપોષણ જેટલાં પૈસા કમાઈ શકતાં નથી. દિવાળીનાં કોડિયાં, નવરાત્રીનાં માટીનાં કોતરણીવાળા રંગીન ગરબા, હોળીનાં રંગ, દિવાળીની રંગોળી, રોજિંદી જીવન જરૂરિયાતની નાની નાની  અનેક વસ્તુઓ વેચતાં ગરીબો કાંઈ મોટાં વેપારી નથી હોતાં! વસ્તુઓ ઉપરનો નફો બહુ નથી હોતો.

મહેનતનાં પ્રમાણમાં કમાણી નથી હોતી આવાં સાવ સામાન્ય ધંધાદારીઓની! જીવન માટે જરૂરી  રોટી, કપડાં અને મકાનની એમની જરૂરિયાત પણ તેઓ પૂરી કરી શકતાં નથી. પેટ ભરીને ભોજન, અંગ ઢાંકી શકે એટલાં કપડાં અને રહેવાં માટે ઘર પણ તેઓ પામી શકતાં નથી. ગંભીર બીમારી આવે તો દવા પણ કરાવી શકતાં નથી. ઉત્સવો અને તહેવારોમાં પણ એમની કમાણી એટલી નથી હોતી કે તેઓ તહેવાર ઉજવી શકે. તહેવારોમાં પહેરવા માટે નવાં કપડાં, સુશોભનની વસ્તુઓ, નવાં નવાં વ્યંજનો, મીઠાઈ કશું જ તેઓ ખરીદી શકતાં નથી. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay By Prafulla shah

ફટાકડા  ફોડવાનો આનંદ ગરીબનાં નસીબમાં ક્યાંથી હોય? એમની તૂટી ફૂટી નાનકડી ઝુંપડી માટીનાં કોડિયાનાં   દીવાથી ઝગમગે છે. ઘેર ઘેર અને બજારમાં થતી ઇલેક્ટ્રોનિક રોશનીથી ગરીબોની આંખી ચકાચૌન્ધ થઈ જાય છે. દુનિયાની ધામધૂમથી ઉજવાતી દીવાળી જોઈને એમનાં ચહેરા પર અસહ્ય લાચારી છવાઈ જાય છે!

જેઓ બીજાંને મદદ કરવા સમર્થ છે તેઓ જો આવાં ગરીબોને કપડાં, મીઠાઈ, પૈસા અને ફટાકડાં વહેંચીને  એમનાં ચહેરા પર પણ ખુશીઓ લાવી શકે છે. આવી રીતે લાચાર, ગરીબનાં ચહેરા પરની ખુશી આપણાં તહેવારનાં ઉત્સાહમાં વધારો કરે છે! નિજાનંદ આપે અને આત્મસંતોષ આપે છે! જરૂરિયાત વાળી વ્યક્તિને દરેકે શક્ય એટલી મદદ કરવી એ સાચા માનવીય સદ્દગુણ છે.

“કોઈનું આંસુ લૂછયું હોય એ બેસે અહીં ! ને પછી છાતીમાં દુખ્યું હોય એ  બેસે અહીં!

સ્નેહી પરમાર

સ્નેહ, પ્રેમ, લાગણી, ચિંતા, દુઃખ એ બધી માનવીય લાગણીઓ છે. આ લાગણી માણસને માણસ બનાવે છે. ઈશ્વરે આપણને ધન દોલત આપી છે તો એમાંથી થોડો હિસ્સો ગરીબોનાં ચહેરા પર ખુશી લાવવા માટે ખર્ચવો જોઈએ. જરૂરિયાતવાળી વ્યક્તિઓ માટે  કે સદ્દમાર્ગે વાપરેલું ધન ખૂબ આત્મસંતોષ આપે છે અને જીવન ધન્ય બની જાય છે અને માનવ તરીકેનો આપણો જન્મ સાર્થક બની જાય છે.

આજકાલ કેટલીય સંસ્થાઓ અને NGO ચાલે છે જે વાર તહેવારે ગરીબોને  આર્થિક રીતે અને વસ્તુઓની મદદ કરે છે જેથી ગરીબ પણ તહેવારનો આનંદ માણી શકે. એવું નથી કે આ કામ માત્ર સંસ્થા જ કરી શકે. કોઈ પણ વ્યક્તિ આ કામ કરી જ શકે. આપણાં ઘેર કામ કરવાં આવતાં વર્કરને થોડા વધારે પૈસા અને વસ્તુઓ આપીને, નાની નાની વસ્તુઓ વેચતી વ્યક્તિઓ પાસેથી વસ્તુ ખરીદીને, મોચી, શાકભાજી વાળા, રીક્ષા વાળા,

સાથે ભાવતાલની રકઝક કર્યાં વગર એમને થોડા પૈસા વધારે કમાવામાં આપણે મદદ કરી શકીએ. સફાઈ કામદારને પણ વાર તહેવારે મદદ કરવી જોઈએ. મોજ શોખમાં પૈસા ખર્ચતા કે હોટેલમાં કે હરવા ફરવામાં ખૂબ ખર્ચો કરતાં આપણે અચકાતાં નથી. 

નાની, ગરીબ વ્યક્તિઓને આપણાં તરફથી ચોક્કસ અપેક્ષા હોય જ. કોઈ હાથ લાંબો કરે એ પહેલાં એનાં હાથમાં કંઈક એની જરૂરિયાતનું મૂકી દેવું એ જ સાચી માનવતા છે. આપણાં હૃદયમાં પણ માનવતાનો દીવો ઝગમગવો જોઈએ જેનો પ્રકાશ દરેક ગરીબની ઝુંપડીને પ્રકાશિત કરે, તહેવારનો આનંદ તેઓ પણ માણી શકે અને એમનાં ચહેરા ખુશીઓથી ઝળકી ઉઠે.

     ગરીબો પણ દીવાળીનો આનંદ માણી શકે… જો આપણે મદદનો હાથ લંબાવીએ તો. એમનાં ઘરમાં પણ દીવાળીની રોશની ફેલાઈ જાય, એમનાં બાળકો પણ ફટાકડાં ફોડી શકે, તેઓ પણ નવાં કપડાં અને મીઠાઈ ખરીદી શકે….. જો આપણે એમને થોડી આર્થિક સહાય કરીએ તો. વહેંચવાનો આનંદ અનોખો હોય છે. આપણને નસીબે આપેલી સંપત્તિનું પ્રદર્શન કરવાના બદલે એનું થોડું સુખ પ્રસાદી રૂપે જરૂરિયાતવાળાને આપીશું તો આત્મા અને પરમાત્મા બંને રાજી થશે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....