Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -4

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -4

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -1, કવી – ડૉ રાજેન્દ્ર કે હાથી, દિનેશકુમાર એસ. પ્રજાપતિ, જાદવ મનિષાબેન, કિરણ હરિદાસ સાળી, સેજલ પરીખ, સુનિતા મહાજન.

Garibo Ni Diwali Gujarati Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’….

1. ડૉ રાજેન્દ્ર કે હાથી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ઘરમાં તેલ/ઘી નું ટીપું નથી,તો ક્યાંથી કરે દીવા, ભીષણ મોંઘવારી ના જંગમાં ,તૂટી રહી છે દોરી જીવા શ્રીમંતો ને ઘેર લહેર છે,તેમને જોઈએ રોજ રોજ પીવા,મેંદો,બેશન કઈ નથી,ક્યાંથી ખાય મીઠાઈ મેવા ગરીબો તરફ જોઈને,શ્રીમંતો ચઢાવે નાકના ટેરવા

ઘરમાં હાંડલા કુસ્તી કરે, ત્યાં મોંઘા ફટાકડા ક્યાંથી લેવા ઘરમાં લાઈટ આવી નથી,ત્યાં લાઈટના તોરણો થી શું લેવા દેવા સખત મહેનત મજૂરી કરીને,પાડ્યા પુષ્કળ પરસેવા માંડ માંડ પેટ પૂરતું મળતું હોય ત્યાં રંગોળીના ખર્ચા કેવા? છત્તા ય ગરીબો દિવાળી કરે તો વધે છે કરજ ને દેવા નાણાં ની તંગીને લીધે નથી પાસે નવા કપડાં પહેરવા

આવ રો જાવરો કરવા માટે,નથી વાહન ફરવા મોંઘવારીનો ઊંચો આંક જોતા,ચઢી જાય છે ભવા ગરીબીને કારણે ગરીબો બોલે*હે પ્રભુ, તું અમને નિરાંતે દે મરવા ગરીબીને લીધે જ સુદામાએ કૃષ્ણને ભેટ ધર્યા પૌવા ગરીબો ગરીબાઈ થી પીડાઈ માંડ્યા છે કનસવા ઘરમાં ઘી તેલનું ટી પુ ય નથી ત્યાં ક્યાંથી કરે દીવા મોંઘવારીમાં દિવાળી ઉજવવા,ગરીબો બન્યા છે મરજીવા …

કવિ રાજન કહે,પણ ગરીબો ઉપર છે ઈશ્વર ની દુવા કે તેમને જરૂર નથી ઝગમગતા ,ચળકતા દિવા જ્યાં ઘરમાં હોય હોળી,ત્યાં ક્યાં કરે દિવાળી ના દીવા

કવિ રાજન કહે ગરીબોમાં છે સચ્ચાઈ,પ્રામાણિકતા અને માણસાઈ ના અખંડ દીવા પછી શું જરૂર છે દિવાળી ના દિવા ???

ડૉ રાજેન્દ્ર કે હાથી

2. દિનેશકુમાર એસ. પ્રજાપતિ,”R@vi”

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

અન્યના સુખે જેણે પોતાની દિવાળી માણી છે,ઘરના દિવડામાં ના તેલની જરાય એંધાણી છે.

બાળકોને કેમ કરાવી હશે ફટાકડા વિના દિવાળી? ગરીબોની મૂંઝવણ અહીં કોઈને પણ ના દેખાણી?

વસ્ત્રો તો કાયમ ઉતરેલા જ પહેર્યા છે જેણે,નવા લેવાની તો કદી કરી જ નથી અપેક્ષા એણે.

આપણને ક્યાં ગરીબની દિવાળી અજાણી છે? ટુકડો ગોળ ય મળી જાય તો લાગે ઉજાણી છે.

નથી તેના ઘેર કોડિયા કે રોશનીનો ઝગમગાટ,આંખના ખૂણે છે ઝળઝળિયાં નો સળવળાટ.

શુભ સંકલ્પોનો તો વિચાર સુધ્ધાં નથી આવતો,ઘરમાં સૌના પેટનો ખાડો જ તેને હચમચાવતો.

બાળકો પણ એમ હેવાયાં થઈ ગયાં છે હવે તો,કોઈના સુખે હર્ષિત થઈ દિવાળી માને છે એ તો.

કેવળ આંસુ સારીને કે દયા બતાવી કંઈ ના વળે,ગરીબોઇ માણસ છે એમ લાગે તો જ દિ’ વળે.

દિનેશકુમાર એસ. પ્રજાપતિ

3. જાદવ મનિષાબેન રાઘવભાઈ ‘મની’

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

જ્યાં બે ટંક ખાવાનું મેળવવું મુશ્કેલએમાં શું મીઠાઈની વાત પણ કરવી છે યોગ્ય આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી….!

જ્યાં અમીરો પંદર દિવસ કરે ઘરની સફાઈ અમારે તો રહેવા ઝુંપડી શોધવી કઠિન આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી….!

આમ પણ ખૂટે છે રંગો ઘણાં જીવનના દિવાળીની રંગોળી કેમ કરી પુરવી જીવનમાં આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી…!

જ્યાં શરીરને ઢાંકવા પુરતા કપડાં પડે ઓછાં નવા કપડાંની જોડી લેવાની કેમ મુકવી વાત આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી….!

જ્યાં અમીરોના ઘરમાં ફુટે છે ફટાકડા મોટા મોટા અમારે તો આખી જિંદગી જ છે ફટાકડા સમાન આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી…!

જ્યાં અંધારું દુર કરવા મળવી મુશ્કેલ રોશની ત્યાં દિવડા પ્રગટાવીને રોશની કેમ કરવી ? આમાં કેમ ઉજવવી ગરીબોએ દિવાળી…!

જાદવ મનિષાબેન રાઘવભાઈ ‘મની’

4. કિરણ હરિદાસ સાળી – સુરત

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

જોઈ અંધારી રાતે પ્રકાશ, હું કઇંક તો ઘબરાયો…

પણ માઁ ના આંચળમાં હું ટેણીયો, બધીજ રીતે સચવાયો…

આગળના વર્ષે જોયું તારા મંડળ, ને હું જોઈ કેટલો હરખાયો…

માઁ તો સાથેજ હતી મારા, એણેજ તો મારા હાતે પકડાવ્યો…

સમય જતા સળગાવ્યા લવનગીયા, ને મારા ખુશી નો પાર ના રહ્યો…

હતી માઁ તો પાછળજ મારા, જેણે મને અદભુત આનંદ કરાવ્યો…

પછી થયો નિશાળે જતો; મિત્રોની સાથે, જોઈ દિવાળીના આયોજનો હું ભરમાયો…

મેં પણ કહી લાંબી યાદી દિવાળીની, ને ખુશી ખુશી માઁ ની સામે મલકાયો…

ભાવ વિભોર થઈ માઁ ! અને, પ્રેમથી મને ગળે લગાવ્યો…

વેદના સભર શબ્દો ને રુદન, એમણે જાણે મને સમજાવ્યો…

દુનિયાની જોઈ જાહોજલાલી, પછી હું ક્યા કોઈ દિ છેતરાયો…

પ્રેમ રંગ ને; આત્મસંતોષ થી, દિવાળીનો ત્યોહાર મનાવ્યો…

ઝાકમઝોળ બજારોની, ને માનવ મહેરામણ, આમાજ માણસાઈ ને માણસ હલવાયો..

ગરીબોના ઉંબરે ઝબુકતા નાનકડા દિવડામાંજ, છે દિવાળી પર્વ નો વારસો સચવાયો…

કિરણ હરિદાસ સાળી

5. સેજલ પરીખ – વડોદરા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ધનતેરસના દિવસે દીકરીનો જન્મ થયો,ગરીબોની દિવાળી માં હર્ષ લાવી.

કહેવાય છે દીકરી લક્ષ્મીનો અવતાર છે.અને જન્મ પર મોઢું ચઢાવવાનુંઆ તે કેવી દિવાળી?

દીકરીની માતાને પૌષ્ટિક ખોરાક ના મળેદીકરીને પૂરતું ધાવણ ના મળે.આ તે કેવી દિવાળી?

કોડિયામાં તેલ ના પૂરી શકીએ,સ્વપનામાં મીઠાઈનો સ્વાદ માણવાનો.આ તે કેવી દિવાળી?

ફટાકડાનો શોર સાંભળી આનંદ લેવાનો,જુના કપડાં પહેરીને નવા વર્ષના વધામણા આપવાના,આ તે કેવી દિવાળી?

ગરીબોની દિવાળીમાં આનંદની લહેર ક્યારેય આવશે?

સેજલ પરીખ,

6. સુનિતા મહાજન – આકોટ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

તમારે ઘેર દિવાળી, તમે તો શ્રીમંત. અમારે ઘેર દિવાળી, અમે તો ગરીબ. તમારે ઘેર તો મોંઘી લાઈટોની હારમાળા,અમારે ઘેર માટીનાં કોડિયાની દીપમાળા.

તમારે ઘેર તો પાંચ પકવાનના ભોજન,અમારે ઘેર એક જલેબી ને ખમણ. તમારે દ્વારે તો મોંઘા તોરણ,અમારે દ્વારે આસોપાલવના તોરણ.

તમારા આંગણે ડિઝાઇનર સંસ્કારભારતીની મોટી રંગોળી ,અમારા આંગણે મીંડાની નાની રંગોળી. તમારે રંગોળીમાં ભરવા સુંદર નવરંગી રંગો,અમારે રંગોળીમાં ભરવા હળદ,કંકુ,ગળીનાં રંગો.

તમારે ત્યાં મોંઘા સુશોભિત આકાશ કંદિલ,અમારે ત્યાં સસ્તા કાગળના આકાશ કંદિલ. તમારા અંગે સુગંધી તેલની માલિશ,અમારા અંગે કોપરેલતેલની માલિશ.

તમારે સ્નાન ગોળ મોતી સાબુથી,અમારે સ્નાન સુગંધી ઉટણથી( લેપથી). તમારે પહેરવા નવા પાંચ મોંઘા ડ્રેસ અને સાડી,અમારે પહેરવા એક નવો ડ્રેસ અને સાડી.

તમારે ઘેર હજારો રુપિયાના ફટાકડાં,અમારે ઘેર સો બસો રુપિયાના ફટાકડાં. તમારે સજાવટને વિવિધરંગી ફૂલોના હાર,અમારે સજાવટને ગલગોટાના ફૂલોના હાર.

તમારે પૂજાને સોના ચાંદીના સિક્કા,અમારે પૂજાને એક બે રુપિયાના સિક્કા. તમારે મિષ્ઠાન ફરસાણ ખાવાની મનાઈ,અમારે મિષ્ઠાન ફરસાણ ખાવાની નવાઈ.

તમારે ઘેર શ્રીમંતાઇની નકલી દિવાળી,અમારે ઘેર ગરીબાઈની અસલી દિવાળી. તમારે ને અમારે ઘેર, ચાલો સાથે મળી ઉજવીએ દિવાળી, કહે “સુનિ” ના રહે એથી કોઈ ઘરની સૂની દિવાળી.

સુનિતા મહાજન

Must Read