ગાંધીના હસ્તે લખાયેલાં 40 ચરિત્રો
પુસ્તક પરિચય : ગાંધીલિખિત ચરિત્રો
સંપાદક : કિરણ કાપુરે
કિંમત : 170 રૂપિયા, પાનાં : 144
પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
પુસ્તક પરિચય: ગાંધીના હસ્તે લખાયેલાં 40 ચરિત્રો Gandhi likhit Charitro Gujarati Book
ગાંધીજીની લેખનસફર પૂરા જીવનકાળ દરમિયાન ચાલી. યુવાનીકામાં ઇંગ્લેંડમાં બારિસ્ટરીના અભ્યાસથી જીવનના અંતિમ દિવસો સુધી તેઓ પોતાના વિચારોને શબ્દબદ્ધ કરતાં રહ્યાં છે. આ શબ્દયાત્રા અંગ્રેજીમાં ‘કલેક્ટેટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’[સીડબલ્યુએમજી CWMG]ના નામે અને ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના નામે ગ્રંથોમાં દસ્તાવેજિત છે. ‘સીડબલ્યુએમજી’માં સંપૂર્ણ ગાંધીસાહિત્ય સો ગ્રંથોમાં પ્રકાશિત થયું છે; જ્યારે ગુજરાતીમાં અત્યાર સુધી 82 ગ્રંથો પ્રકાશિત થયા છે. ગાંધીજીએ લખાણમાં ખેડેલા પ્રકારોમાં નિબંધ, પત્રસાહિત્ય, આત્મકથાનક, પત્રકારત્વ, ઇતિહાસલેખન, પ્રવાસસાહિત્ય છે.

ગાંધીસાહિત્યમાં અન્ય પ્રકારનું સાહિત્ય મળવાનો અવકાશ હજુયે છે. આ શક્યતાને તપાસી પુસ્તકના સંપાદક પ્રસ્તાવનામાં લખે છે તેમ સોથી વધુ ગાંધીજીએ લખેલાં ચરિત્રો શોધ્યાં છે. આ ચરિત્રોનો મોટો હિસ્સો દક્ષિણ આફ્રિકાના નિવાસ વેળાએ इन्डियन ओपीनियनમાં લખાયો છે. પછી આઝાદીની લડતમાં આ પ્રકારનું લખાણ મર્યાદિત દેખાય છે. આરંભમાં મહદંશે વિદેશી મહાનુભાવોનાં ચરિત્રો લખાયાં છે. આ ચરિત્રોમાં કેન્દ્રબિન્દુ તરીકે માનવસેવા ઊભરતી દેખાય છે.

ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી મહોત્સવ પ્રસંગે આ પુસ્તકનું પ્રકાશન થયું છે અને તેમાં ગાંધી દ્વારા જેઓના ચરિત્રો લખાયાં છે તેમાં ફિલસૂફ સૉક્રેટીસ, સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકો ગોપાલકૃષ્ણ ગોખલે, બાળગંગાધર ટિળક, ચિતરંજન દાસ છે. વિશ્વની વિભૂતિઓ વિશે પણ ગાંધીજીએ લખ્યું છે તેમાં ગુલામીમાંથી કૉલેજના પ્રમુખ બનનાર બૂકર ટી. વૉશિંગ્ટન, ગુલામગીરીની બેડીઓ તોડનાર અબ્રાહામ લિંકન, વિશ્વપ્રસિદ્ધ રશિયાના લેખક કાઉન્ટ ટૉલ્સટૉય, અમેરિકાના સ્વરાજ સ્થાપક જ્યૉર્જ વૉશિંગ્ટન, લોકસેવા કરનારા દાક્તર બરનાર્ડો છે. આ ઉપરાંત, કેળવણીકાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, હિંદના શ્રેષ્ઠત્તમ વકીલ બદરુદ્દીન તૈયબજી, મુંબઈ શહેરીમંડળના પિતા ફિરોજશાહ મહેતા અને દાદાભાઈ નવરોજી સહિત કુલ 40 ચરિત્રો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યાં છે.
પુસ્તક મંગાવવા માટે સંપર્ક : (079) 4001 6269
E-mail : gvpustakbhandar@gujaratvidyapith.org