Farmers Protest News Today – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ કૃષી કાયદાઓ પરત ખેંચવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ત્રણેય કૃષી કાયદાઓ સૌ પ્રથમ તો એક અદ્યાદેશના રૂપમાં થોપી દેવાયા હતા. બાદમાં તેને સંસદના બંને ગૃહમાં પાસ કરાવી ખરડો મંજૂર કરાવી રાષ્ટ્રપતિની મહોર મેળવી કાયદા બનાવાયા હતા.
પરંતુ મહત્વની વાત હતી કે જ્યારે અદ્યાદેશ થકી કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારથી જ ખેડૂતોમાં વિરોધના સ્વર જોવા મળી રહ્યાં હતા. પણ મોટી બહુમતીના મદમાં રહેલી સરકારે પોતાનું જક્કી વલણ જારી રાખી કાયદાઓ સંસદમાં પસાર કરાવ્યા હતા.
લોકશાહીની દેશનું મંદિર એટલે સંસદ ! જ્યાં ચર્ચાઓ થાય વિચારણા થાય, લાંબી-લાંબી ચર્ચાઓ ક્યારેક વાતાવરણ ગરમ પણ કરાવે. પરંતુ આ કાયદાઓ સમયે ચર્ચા થઈ તે માત્ર દેખાવ હોય તેમ થઈ હતી. વિરોધી વિરોધ કરતા રહ્યાં અને કાયદા બની ગયા. આમ પણ મોદી સરકારમાં પ્રધાનમંત્રી જ સર્વે સર્વા છે માટે મહત્વના દરેક કાર્યોમાં ચર્ચાનો અવકાશ રાખતા હોય તેવું જણાતું નથી. પરંતુ આ વખતે ખેડૂતો પંજાબ અને હરિયાણાથી દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં હતા.
સરકારનું મહત્વનું કામ જાણે વિરોધીઓને ડામી દેવાનું જ હોય તેમ કૃષી કાયદામાં પણ પ્રયાસો થયા. કાવાદાવા બાદ પણ પંજાબ-હરિયાણા અને મહદઅંશે ઉત્તરપ્રદેશના ખેડૂતો આખર સુધી લડવા મક્કમ રહ્યાં. આખરે પ્રધાનમંત્રીએ આજરોજ શુક્રવારના રોજ જાહેરાત કરવી પડી હતી કે ત્રણેય કૃષી કાયદાઓ પરત ખેંચવામાં આવશે.
પરંતુ અહિં મહત્વની વાત ખેડૂતોની જીતની નથી, લોકશાહી દેશમાં કેવી રીતે તાનાશાહી વલણ ચાલી રહ્યું છે અને કઈ પ્રકારે જૂઠ્ઠાણાના જોરે સરકારો ચાલી રહી છે તે સમજવા જેવી બાબત છે.
પરંતુ આજે પ્રધાનમંત્રીએ ક્ષમા સાથે કાયદાઓ પરત ખેંચતા એ પણ જણાવ્યું કે, દેશના ખુણે-ખુણે આ કાયદાનું સ્વાગત થયું હતું ! જો કાયદાના સ્વાગત થયા હતા તો પરત કેમ ખેંચવા પડે એ યક્ષ પ્રશ્ન રહેશે…
સૌ પ્રથમ તો પ્રધાનમંત્રી અને તેમનું મંત્રીમંડળ ક્યારેય બોલ્યુ નથી એ આ કાયદા પરત ખેંચવામાં આવશે. ઉલ્ટાનું એટલું ચોક્કસ કહેતા કે પરત ખેંચવામાં ક્યારેય નહીં આવે. આ કાયદાઓ રાષ્ટ્રહિત માટે છે જેવી વાતો પણ થતી. તો આજે આ કાયદા પરત ખેંચી રાષ્ટ્રહિતને કેમ જોખમમાં મુકવું જોઈએ ? જો આ કાયદાઓ ખેડૂતોની આવક ડબલ કરવાના હતા તો હવે કાયદા જ નહીં રહે તો ખેડૂતોની આવક ડબલ થશે કે કેમ ?
ખેડૂતોના નામે આંદોલનમાં ખાલિસ્તાની હોવાનું પણ સત્તાપક્ષના નેતાઓ જણાવતા હતા તો પ્રધાનમત્રી મોદીએ ખાલિસ્તાની લોકોની માંગણી સ્વિકારી કે શું ? સૌથી મોટો સવાલ તો એ થાય કે રાષ્ટ્રના ઉન્નત વિકાસ માટે ખુબ જ જરૂરી કાયદા (જે સત્તાપક્ષ જણાવતો હતો) હટાવી રાષ્ટ્રનો વિકાસ રૂંધાતો છોડી દેવાનો નિર્ણય કેમ કરવો પડ્યો ?
આ સવાલો અને કાયદો આવ્યા અને હટાવ્યાની જાહેરાત કર્યાના તબક્કાઓની સમિક્ષા કરતા માત્રને માત્ર રાજકારણનો ખેલ ફલિત થાય તેમ છે.