Earthquake In Afghanistan નવી દિલ્હી : આજરોજ 22 જૂન બુધવારે ભૂકંપે અફઘાનીસ્તાનની ધરા હચમચાવી નાખી છે. અફઘાનીસ્તાનમાં 6.1 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ખુબ શક્તિશાળી કહી શકાય તેવા ભૂકંપના કારમે ઓછામાં ઓછા 250 લોકોનો મોત થયાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારે આ મૃત્યુ આંક હજૂ પણ વધી શકે તેવી શક્યાતાઓ વર્તાઈ રહી છે. હાલ 150 જેટલા લોકો ગંભીર ઘાયલ થતા હોસ્પિટલના બિછાને હોવાની માહિતી મળી રહી છે.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ 44 કિલોમીટર દૂર હતું અને તે 51 કિલોમીટરની ઊંડાઈએ હતું.

આ ભૂકંપ એટલો જોરદાર હતો કે પાડોશી દેશ પાકિસ્તાનના લાહોર, મુલતાન, ક્વેટામાં પણ લોકોએ આંચકા અનુભવ્યા હતા. આ સિવાય ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.

અગાઉ મંગળવારની રાત્રે પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં બપોરે 2.24 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાહતની વાત એ છે કે પાકિસ્તાનમાં આવેલા ભૂકંપમાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.
આ સિવાય મલેશિયામાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા 5.1 હતી.
ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર ટેક્ટોનિક પ્લેટોનું અથડામણ હોવાનું માનવમાં આવે છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત સ્થાન ફેરવતી રહે છે. દરમિયાન જો કોઈ પ્લેટ એકબીજા સાથે અથડાય તો સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓ વળવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને આ ભૂકંપ અનુભવાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. એ જ રીતે, 2.0 થી 2.9ની તીવ્રતાના ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1000 ધરતીકંપ દરરોજ આવે છે, સામાન્ય રીતે આપણે અનુભવતા પણ નથી. એક વર્ષમાં 49,000 વખત 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા કેટેગરીના ધરતીકંપ નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ તેમના દ્વારા ભાગ્યે જ કોઈ નુકસાન થાય છે.

4.0 થી 4.9 ની તીવ્રતાવાળા હળવા કેટેગરીના ધરતીકંપો સમગ્ર વિશ્વમાં વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને ઘરની વસ્તુઓને ધ્રુજારીને જોઈ શકાય છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.
