Dhandhuka Kishan Bharwad Murder case : અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યા મામલે રાજ્ય સરકાર ગંભિરતાથી પગલા ભરતી જોવા મળી રહી છે. આ મામલાની ઊંડી તપાસ માટે ATS ને સમગ્ર તપાસ સોંપી દેવાનો આદેશ થયો છે.
Dhandhuka Kishan Bharwad હત્યા કેસની તપાસ મામલે મોટા સમાચાર
ATS કરશે ઊંડી તપાસ
ધંધુકામાં યુવકની હત્યા મામલે પોલીસને કેટલાક ચોંકાવનારા તથ્યો હાથ લાગતા ઝીણવટ પુર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જ મામલે હવે ATS સોશિયલ મીડિયા તેમજ મોબાઈલના ડેટાની પણ ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરશે. કથિત રીતે મામલામાં પાકિસ્તાન કનેક્શન હોવાની બાબતે પણ પોલીસ તપાસ આદરશે. અત્રે ઉલ્લેખનિય છે કે હત્યાના 2 આરોપીઓની ધરપકડ બાદ પોલીસે અમદાવાદના એક મૌલવીની પણ સંડોવણીના આરોપ સર ધરપકડ કરી છે.
મૌલવીની ખુલી સંડોવણી
ધંધુકાના યુવાનની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળો પર વિરોધ પ્રદર્શન અને કડક સજાની માંગણી ઉઠવા પામી હતી. જેના પગલે ખુદ ગૃહરાજ્યમંત્રી સંઘવી પણ પીડિત પરિવારની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે તટસ્થ તપાસ અને કડક સજાનું વચન આપ્યુ હતુ. ત્યાર બાદ પોલીસ તપાસનો ધમધમાટ વાયુ ગતિથી આગળ વધતો જોવા મળ્યો હતો. આ સમયે જ ગૃહમંત્રી એ સૂચક નિવેદન આપી મૌલવીની સંડોવણી હોવાનું પણ જણાવ્યું હતુ.

મોરબીથી વસીમની અટક કરતી પોલીસ
રાજ્યમાં ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું ષડયંત્ર ચાલતુ હોવાની આશંકાને પગલે પોલીસે વિવિધ દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે. જેમાં કેટલાક લોકોની સંડોવણી પણ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ અને મોરબીમાં પણ પોલીસે હથિયાર ઉપલબ્ધ કરાવનારા શખ્સોની શોધખોળ આદરી વસીમ સમાની મોરબીથી અટક કરી હોવાના અહેવાલ છે.
પાકિસ્તાની કનેક્શન ?
મૌલાના મામલે અહેવાલ મળી રહ્યાં છે કે મૌલાના ધાર્મિક કટ્ટરતા ફેલાવતો હતો તેમજ પાકિસ્તાની સંગઠનો સાથે સંપર્કમાં હતો. માટે સમગ્ર તપાસમાં આ વિષયે પણ ATS દ્વારા તપાસ ચલાવાઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
કેવી રીતે કરી હત્યા
મૌલાનાની દુષ્પ્રેરણાથી કિશન ભરવાડની હત્યા માટે આરોપી શબ્બીર ઉર્ફે શાબા ચોપડા તેમજ ઈમ્તિયાઝ પઠાણ દોરાયા હતા. આરોપીએ કટ્ટરવાદી માનસિકતાના કારણે 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડનો પીછો કરી 2 ગોળી ચલાવી હત્યા કરી હતી.