Devbhumi Dwarka News દ્વારકા : દેવભૂમી દ્વારકામાં એક શખ્સ ઝડપાયો છે જે દસ વર્ષ પૂર્વે આચરેલા ગુનામાં જામીન બાદ નાસતો ફરતો હતો. આરોપી શખ્સ જામીન પર છુટી સાધુ વેશ ધારણ કરી છુપાતો ફરતો હતો. પોલીસે આ સાધુ વેશમાં રહેલા આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધર હતી.
ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2012માં દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમ વિરૂધ્ધ હત્યાની ધમકી અને એટ્રોસિટી જેવા આરોપ સબબ ગુનો દાખલ થયો હતો. આરોપી રજનીકાંત કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ખરેખર ફિલ્મી રજનીકાંતની માફક વેશભૂષા બદલી નાસતો ફરતો હતો. ગુના સબબ કોર્ટમાં ચાલી રહેલા કેસની મદ્દે પણ આરોપી હાજર નહીં થતો હોય રજનીકાંતને નાસતા ફરતા આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
Devbhumi Dwarka News સાધુના વેશમાં ફરતો રાજેન્દ્રગીરી તો આરોપી રજનીકાંત નિકળ્યો
દરમિયાન આરોપીની શોધખોળમાં લાગેલી એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે, છેલ્લા દસ વર્ષથી ફરાર આરોપી રજનીકાંત સાધુનો વેશ ધારણ કરી ફરી રહ્યો છે. આરોપી રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમે સાધુ જેવા કપડા ધારણ કરવા સાથે નામ પણ સાધુ જેવું ‘રાજેન્દ્રગીરી’ ધારણ કર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.એ દ્વારકાના રબારી ગેટમાં સાધુના પહેરવેશમાં રહેલા આરોપીની અટકાયત કરી વોરંટની બજવણી કરી હતી અને કોર્ટ સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી કરી હતી.