Rajkot News : રાજકોટમાં સાયબર ક્રાઇમ (Cyber Crime)ની વધુ એક ઘટના ઘટી છે. જેમાં જીઓ (JIO) મોબાઇલ કંપનીના નોડલ ઓફિસરના નામે ફોન કરીને ગઠીયાએ રાજકોટના વેપારી સાથે રૂ.7,92,000ની ઠગાઇ કરી છે. આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ રવિ રેસીડેન્સી સોસાયટી બ્લોક નંબર 1 માં રહેતા હિતેશભાઈ ભગવાનજીભાઈ પટેલે બે અલગ અલગ ફોન નંબરના ધારકો વિરૂધ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં હિતેશભાઈએ જણાવ્યું છે કે, તેઓ મોટી ટાંકી ચોકમાં વાત્સલ્ય કેમિકલ્સ નામની પેઢી ધરાવે છે. 1લી મે ના રોજ તેમના મોટાભાઈ દિપકભાઈના મોબાઇલ પર ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં તમારા વોડાફોનનું સીમ ઈ-કેવાયસી અપડેટ કરવા કસ્ટમર કેર નંબરમાં તાત્કાલિક ફોન કરો નહીંતર કાર્ડ બ્લોક થઇ જશે તેવું જણાવ્યું હતું.
વધુ વાંચો- રાજકોટની ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, પાંચ શ્રમિક ગંભીર ઇજાગ્રસ્ત
એ પછી હિતેષભાઈને ફોન આવ્યો હતો અને એવું કહ્યું હતું કે, તમારૂં જીઓ સીમકાર્ડ ઈ-કેવાયસી અપડેટક કરો નહીંતર બ્લોક થઇ જશે. ત્યારબાદ હિતેશભાઈને એક એપ ડાઉનલોડ કરવાનું કહી 10 રૂપિયાનું રિચાર્જ કરવાનું કહ્યું હતું. હિતેશભાઈએ તે પ્રમાણે કરીને તેમનો મોબાઇલ નંબર એડ કર્યો હતો.
તેની 15 મિનિટ પછી તેમના ખાતામાંથી રૂપિયા 99 હજાર ઉપડી ગયા હતા. એ પછી બીજી રકમ પણ ઉપડી ગઇ હતી. ત્યારબાદ કુલ રૂ.9,90,000 ઉપડી ગયા હતા. સમગ્ર ઘટના બાબતે હિતેશભાઈએ તેમની સાથે થયેલા સાયબર ફ્રોડની અરજી કરતા અમુક રકમ પરત મળી ગઇ હતી પરંતુ બાકીના રૂ.7,92,000 ન મળતા ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ફરિયાદ નોંધીને PSI એમ.ડી.વાળાએ વધુ તપાસ હાથ ધરી છે.