Homeકલમવિજય પારેગીલમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદની વીરતાની કહાની

લમણે ગોળી મારીને મોત વ્હાલું કરનાર ચંદ્રશેખર આઝાદની વીરતાની કહાની

-

વિજય બી.પારેગી (માડકા) : અંગ્રેજો વિરુદ્ધ કરેલ નારેબાજી માટે ગોરા અફસરે એક કિશોરને પકડી લીધો અને તેને જેલમાં લઈ જવામાં આવ્યો. બીજા પણ કેટલાક જુવાનો પકડાયા. એ બધાનો કેસ અદાલતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ચલાવવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે કોઈને ત્રણ મહિના તો કોઈને છ મહિનાની સજા ફરમાવી. આખરે કોર્ટમાં ન્યાયધીશ સમક્ષ એ કિશોરને રજૂ કરવામાં આવ્યો. મેજિસ્ટ્રેટે પૂછ્યું : તારું નામ ? એ બોલ્યો : આઝાદ. તારા પિતાનું નામ ? કિશોરે જવાબ આપ્યો : સ્વતંત્રતા..! મેજીસ્ટ્રેટે છેલ્લો પ્રશ્ન કર્યો, તારું ઘર ક્યાં ? કિશોર નિર્ભયતાથી બોલ્યો :  જેલ. કિશોરના નીડરતા અને જુસ્સાભર્યા જવાબો સાંભળી કોર્ટમાં બેઠેલા તમામ પ્રેક્ષકો તેના ઉપર ખુશ થઈ ગયા. પણ મેજિસ્ટ્રેટ ખૂબ ગુસ્સે થયા અને ગુસ્સામાં અને ગુસ્સામાં તેમણે કોરડા મારવાની સજા ફટકારી.

ફટકાની સજા કેવી આકરી કષ્ટદાયી હોય એનો ખ્યાલ આજના જમાનામાં ન આવે. ભલભલા બહારવટિયા, ક્રિમિનલ કેદીઓ , રીઢા ગુનેગારો ફટકાની સજાનું નામ સાંભળી કંપી ઉઠતાં. જેને ફટકાની સજા કરવામાં આવે તેનાં બધાં કપડાં ઉતારી નાખવામાં આવે, માત્ર લંગોટીભેર નવસ્ત્રા બનાવે, પછી તેના હાથ ત્રિકોણાકાર ઉંચી ઘોડી સાથે બાંધે અને બે પગ પહોળા રાખી ઘોડીના પાયા સાથે બાંધે. પછી મીઠાના પાણીમાં બોળેલી નેતરની સોટી ફટકા મારવામાં આવે. ચામડી ચિરાઈ જાય, લોહીની શેડો ઉડે, માંસના લોચા બહાર નીકળી પડે અને બે – ચાર ફટકા વાગતાં માણસ બેભાન બની જાય, એટલે ડૉકટર તેને દવા આપી ભાનમાં લાવે. ચાબુકના ફટકાની આવી ભયંકર સજા ભોગવનાર કિશોર એટલે ચંદ્રશેખર તિવારી. જેમને આપણે સૌ નીડર આઝાદ તરીકે ઓળખીએ છીએ. ૨૩મી જુલાઈ ૧૯૦૬ના રોજ જન્મેલા ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad)નું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસ (Freedom Fight History)માં નામ અમીટ છે. આવું નીડર, સ્વયંસ્ફુરિત અને નિષ્કલંક પાત્ર ઇતિહાસમાં જવલ્લેજ જોવા મળતું હોય છે.

ઈ.સ.૧૯૨૨માં ગાંધીજી દ્વારા અસહકાર ચળવળ અચાનક બંધ થવાને કારણે તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (Hindustan Republican Association) ના સક્રિય સભ્ય બન્યા. આ સંગઠન દ્વારા રામ પ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં તેમણે સૌથી પહેલાં ૯મી ઓગસ્ટ ૧૯૨૫ના રોજ કાકોરી ઘટનાને અંજામ આપ્યો અને ભાગી છૂટ્યા. આ પછી ૧૯૨૭માં બિસ્મિલ સાથે ચાર અગ્રણી સાથીઓના બલિદાન પછી તેમણે ઉત્તર ભારતના તમામ ક્રાંતિકારી પક્ષોને એક કર્યા અને હિન્દુસ્તાન સમાજવાદી રિપબ્લિકન એસોસિએશન (Hindustan Socialist Republican Association)ની રચના કરી ભગતસિંહ સાથે મળી સોન્ડર્સની હત્યા કરી.

કાકોરીકાંડના ક્રાંતિકારીઓમાંથી કેટલાકને ફાંસીની સજા થઈ તો કેટલાકને કારાવાસની ચંદ્રશેખર એકલા અતુલા પડી ગયા પણ એ નિરાશ ન થયા. ભગતસિંહ (Bhagat Singh)સાથે મળીને નવું દળ ઊભું કર્યું. સરકાર એમને શોધતી ફરતી હોવા છતાં તેમણે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળીને સાંડર્સને ઠાર કરવામાં ભાગ લીધો. ત્રણેય જણા નાસી છૂટ્યા સરકાર ફરી એમની શોધવામાં નિષ્ફળ રહી ત્યાં ભગતસિંહ એસેમ્બલીમાં બોમ ધડાકો કર્યો એમણે સામે ચાલીને ધરપકડ વહોરી લીધી. ચંદ્રશેખર હવે સાવ એકલા પડી ગયા. નાણાંની જરૂર ઊભી થતાં એક દિવસ પોતે જેને ત્યાં થાપણ મૂકી હતી તે શેઠને ત્યાં રૂપિયા લેવા ગયા. શેઠે તેને બીજે દિવસે આલ્ફ્રેડ પાર્કમાં મળવાનું કહ્યું. દેશદ્રોહી શેઠે બીજે દિવસે રૂપિયા લઈને જવાને બદલે પોલીસને મોકલી. બદલામાં ઇનામ મેળવ્યું. આલ્ફ્રેડ પાર્કમાં ૨૭મી ફેબ્રુઆરી ૧૯૩૧ના દિવસે પોલીસ અધિકારીઓએ ચંદ્રશેખરને ઘેરી લીધા અને સામસામે ગોળી ચલાવી દીધી. ગોળી ચંદ્રશેખરને જાંઘમાં ગોળી લાગી. તેઓ ઘસડાતા ઘસડાતા એક વૃક્ષના થડ પાછળ ગયા અને પોતાને ગોળી મારનાર અધિકારીના કાંડાને લક્ષ્ય બનાવીને ગોળી છોડી અને કાંડુ તોડી નાખ્યું. બીજા એક પોલીસ અધિકારીનું જડબુ તોડી નાખ્યું. લાંબા સમય સુધી ગોળીઓ ચાલતી રહી જ્યારે મેગઝીનમાં એક જ ગોળી રહી ગઈ ત્યારે ચંદ્રશેખરે વિચાર્યું કે જો હું જીવતો પકડાઈશ તો મને ક્રુર યાતના દેશે તથા ઘણી વાતો ઓકાવશે તેના કરતાં તો સ્વયં જ શહીદ થઈ જવું સારું. તેમણે પિસ્તોલને પોતાના લમણા પર ધરી અને ઇન્કલાબ જિંદાબાદનો બુલંદ નારો બોલીને ઘોડો દબાવી દીધો. ચંદ્રશેખર સ્વમાનપૂર્વક ઢળી પડ્યા પોલીસ તેમને જીવતા પકડી ન શકી તેથી તેઓ આઝાદ કહેવાયા. આઝાદ જીવનના છેલ્લા શ્વાસ સુધી આઝાદ રહ્યા હતા.

ચંદ્રશેખરે એકવાર કહેલું કે, “કાયરો ભલે અન્યાયનો પ્રતિકાર ન કરી શકે પણ તે પણ કોઈ પરાક્રમી તો શોધતો જ હોય છે. કોઈ ન મળે તો ઇશ્વરના અવતારની રાહ જુએ છે. આવી રાહ જોવડાવનારા ધર્મગુરુ, કથાવાચકો પેલાની કાયરતાને ભક્તિના રંગે રંગી દેતા હોય છે. ભક્તિ અને કાયરતાને એક રંગે રંગી દેવાથી ભગતડાં પેદા થતા હોય છે, જે દેશના વિનાશ માટે ઘાતક છે.” એમની સંગઠન શક્તિ અદ્વિતીય હતી. એમની સાહસિકતા સૌના હૈયે ઘર કરી ગયેલી. અંગ્રેજ સરકારની આંખ ખોલવા ક્રાંતિકારીઓએ સરકારી ખજાનાની લૂંટ પણ ઉપાડી હતી. આમ, ચંદ્રશેખર અગ્રેસર હતા. તેમણે વીરતાથી કાર્ય કર્યું હતું. અંગ્રેજોએ એમના નામનું વોરંટ કાઢ્યું હતું પણ પોલીસો એમને કોઈ કાળે પકડી શકતી નહોતી. નામ બદલીને તેમણે ક્રાંતિદળના સૈનિકોને શસ્ત્રોની તાલીમ આપવાનું ભગીરથ કામ કર્યું હતું.

ઈતિહાસ બોધ : મહાશક્તિશાળી તરીકે ઉભરી આવેલ રોમનોનું પણ પતન થયું

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...