Ahmedabad News : ગઇકાલે જ આમ આદમી પાર્ટી AAP દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી 2022 માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદી જાહેર કર્યાના 24 કલાકમાંજ વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ પટેલ (Kalpesh Patel) વિવાદોમાં સપડાયા છે.
કલ્પેશ પટેલનો દારૂ પાર્ટી કરતો અને હુક્કા પીતો વીડિયો Video અને ફોટો હાલ વાયરલ થવા લાગ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો જાહેર કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આપના ઉમેદવારની આ પ્રકારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
જોકે આ ફોટો તેમણે સોશિયલ મીડિયા પર ઘણાં સમય પહેલા પોસ્ટ કર્યા હતા જે હાલ વાયરલ થયા છે. ગુજરાત ભાજપના સ્ટેટ મીડિયા કોર્ડિનેટર હેડ ઝુબીન આશરાએ ટ્વીટર ઉપર આપના ઉમેદવાર કલ્પેશ પટેલના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે.
ઝુબીન આશરાએ ટ્વીટમાં લખ્યું છે કે, “ગાંધીના ગુજરાતમાં એક વધુ દારૂડિયાને ટિકિટ”. આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવી પર પણ પ્રહાર કર્યા છે અને અરવિંદ કેજરીવાલને સવાલ પૂછ્યો છે કે, “ગાંધીના ગુજરાતમાંથી દારૂ પરથી પ્રતિબંધ હટાવવો છે કે શું ?” અત્રે ઉલ્લેખનીય છે કે કલ્પેશ પટેલ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.
જોકે બાદમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં આ ફોટો તેમના કોંગ્રેસના જ કોઈ જૂના સાથી દ્વારા વાઈરલ કરાયા હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે.