Homeકલમકેલિડોસ્કોપભુવનેશ્વરી પીઠ અને રસશાળા ઔષધાશ્રમ (ગોંડલ)ના સ્થાપક આચાર્ય ચરણતીર્થજી મહારાજ

ભુવનેશ્વરી પીઠ અને રસશાળા ઔષધાશ્રમ (ગોંડલ)ના સ્થાપક આચાર્ય ચરણતીર્થજી મહારાજ

-

Bharatkumar Thaker કેલિડોસ્કોપ : હિન્દુ ધર્મમાં દશ મહાવિદ્યાની દેવીઓમાં ચોથા ક્રમે ‘ભુવનેશ્વરી˜ છે અને તેઓ વિશ્વનિર્માણને આકાર આપવામાં ભૌતિક બ્રહ્માંડનાં તત્ત્વો રૂપે દેવીનું એક સ્વરૂપ છે. તેઓ આદિ પરાશક્તિ કે પાર્વતી તરીકે પણ ઓળખાય છે. ત્ર્યંબક શિવ એમના પતિ છે. ‘ભુવનેશ્વરી˜ શબ્દ ભુવન અને ઈશ્વરી આ બે શબ્દોનો એક સમાસ છે, જેનો અર્થ ‘ત્રિભુવન (પૃથ્વી, વાતાવરણ, સ્વર્ગ)નાં દેવી˜ થાય છે.

સૌરાષ્ટ્રમાં ગોંડલ (જિ.રાજકોટ) મધ્યે આવેલ ભુવનેશ્વરી પીઠની (Bhuvneshwari Pith) સ્થાપના માટે જેઓ ખાસ વિખ્યાત થયા એવા આચાર્ય ચરણતીર્થજી મહારાજ (૧૮૭પ–૧૯૭૮) આયુર્વેદના સમર્થ જ્ઞાતા, ગોંડલના રાજવૈદ્ય અને સંસ્કૃત સાહિત્યના પ્રકાંડ પંડિત પણ હતા. આ વખતે આપણે આયુર્વેદ તથા ધર્મને સમર્પિત અને સ્વયં એક સંસ્થા સમાન સંતવિભૂતિ ચરણતીર્થજી મહારાજને યાદ કરીશું.

ગૌરવની વાત છે કે ગોંડલનું ભુવનેશ્વરી મંદિર ફક્ત ગુજરાત નહિ, સમગ્ર પશ્ચિમ ભારતમાં એકમાત્ર છે. એટલું જ નહિ, દેશમાં ત્રીસ અને વિદેશમાં પાંચ સહિત દુનિયાનાં કુલ ૩પ જેટલાં ભુવનેશ્વરી મંદિરોમાં પીઠસ્થાન સહિતનું મંદિર પણ એકમાત્ર ગોંડલનું છે ¦
શિક્ષિત અને દીક્ષિત

પૂર્વાશ્રમે શાસ્ત્રી જીવરામ કાલિદાસ વ્યાસ નામધારી આ વિદ્વત્પ્રતિભાનો જન્મ જૂના જામનગર રાજ્યના મેવાસા ગામે સંવત ૧૯૩૧ (સન ૧૮૭પ)ના મહા સુદ–પ (વસંતપંચમી)ના થયો હતો. (જો કે એક વિદેશી સંદર્ભમાં પમી ફેબ્રુઆરી,૧૮૬૬ની તારીખ પણ નોંધાઈ છે.) પિતા સંસ્કૃતના પંડિત અને કર્મકાંડી બ્રાહ્મણ હતા. અનેક વિટંબણાઓ વચ્ચે અભ્યાસ ચાલુ રાખી ૧૬ વર્ષની વયે ‘શાસ્ત્રી˜ની પદવી મેળવી હતી.

એકદા ગિરનાર યાત્રા વખતે હિમાલયના મહાત્મા અચ્યુત સ્વામીએ તેમને શાસ્ત્રાભ્યાસ, ભુવનેશ્વરી દીક્ષા અને દેવીભાગવત રહસ્ય આપ્યાં. ગુરુઆજ્ઞાથી સંસારમાં આવી લલિતાબહેન સાથે લગ્ન કર્યાં. ૧૯૦પમાં જીવરામભાઈએ મુંબઈના વિખ્યાત વેંક્ટેશ્વર પ્રેસમાં થોડો સમય કામ કર્યું. આયુર્વેદ ક્ષ્ોત્રે નૂતન પહેલ કરવાની ઈચ્છાથી મુંબઈ (૧૯૦૮) અને ગોંડલ (૧૯૧૦)માં એમણે ‘રસશાળા ઔષધાશ્રમ˜ (આયુર્વેદિક ફાર્મસી) સ્થાપી.

ગોંડલના પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહજી (૧૮૬પ–૧૯૪૪) એમની પ્રવૃત્તિઓમાં રસ લઈ પ્રોત્સાહન આપતા અને એમને ‘રાજવૈદ્ય˜ તરીકે પણ સ્થાપ્યા. આ રીતે તેઓ ગોંડલ, વીરપુર, રાજકોટ રાજ્યોના રાજવૈદ્ય રહ્યા હતા. ભારતનાં બીજાં અનેક રજવાડાંના રાજવીઓ પણ એમની આયુર્વેદ નિપુણતાનો લાભ લેતા. ર૭મી જાન્યુઆરી, ૧૯૧પના ગાંધીજી ગોંડલ ઔષધાલયની મુલાકાતે આવેલા. તે પ્રસંગે શાસ્ત્રીજીએ સંસ્કૃત માનપત્રમાં એમના માટે પ્રથમ વખત ‘મહાત્મા˜ શબ્દ પ્રયોજ્યો હતો.

આયુર્વેદ અને સંસ્કૃતમાં પ્રદાન
અખિલ ભારતીય આયુર્વેદ મહાસભાના ૩૧મા સંમેલન (૧૯૪ર, લાહોર)ના પ્રમુખ તરીકે રાજવૈદ્ય જીવરામભાઈ શાસ્ત્રીની વરણી થયેલી. આયુર્વેદના અનેક ગ્રંથો એમણે લખ્યા છે. તેમાં ‘રસરત્ન સમુચ્ચય˜ (રસાયણશાસ્ત્ર), ‘રસોદ્ધાર તંત્ર˜ (ઉપચારપદ્ધતિ), ‘રસપ્રકાશ સુધાકર˜ (પારદવિદ્યા), ‘વ્યાધિ–નિગ્રહ˜ (રોગોના સિદ્ધ પ્રયોગો), ‘ભેષજસંહિતા˜ (આયુર્વેદનાં વિવિધ પાસાંઓ) વગેરે ખાસ ઉલ્લેખનીય છે.

કેટલોક સમય એમણે ‘આયુર્વેદ રહસ્ય˜ નામે માસિક પણ ચલાવ્યું. એમનો વિદ્યાવ્યસંગ માત્ર આયુર્વેદ પૂરતો જ સીમિત નહોતો. તત્ત્વજ્ઞાન, જ્યોતિષ, કર્મકાંડ, ન્યાય, વ્યાકરણ, ધર્મ, કાવ્ય, અલંકાર, પુરાણ, નાટક, ઇતિહાસ … વગેરે જેવા વિવિધ વિષયો ઉપર પણ એમણે ર૦૦ જેટલા ગ્રંથો લખ્યા છે. લગભગ છ હજાર સંસ્કૃત હસ્તપ્રતો પણ એકઠી કરેલી. એમનો આ વિશિષ્ટ સંગ્રહ નિહાળીને ડૉ.રાધાકુમુદ મુખરજી (૧૮૮૪–૧૯૬૪) અને ડોલરરાય માંકડ (૧૯૦ર–૭૦) જેવા સંશોધક વિદ્વાનોએ પણ એમની વિદ્યાપ્રીતિને બિરદાવી હતા.

એમના દ્વારા પ્રકાશિત કવિ ભાસના અપ્રાપ્ય સંસ્કૃત નાટક ‘યજ્ઞફલમ્˜ (૧૯ર૧)ને મુંબઈ યુનિવર્સિટીએ એમ.એ.ના પાઠ–પુસ્તક તરીકે માન્ય કરેલું. એમની વિદ્વતા અને સંશોધનનિષ્ઠાની કદર રૂપે વિશ્વની વિવિધ સંસ્થાઓએ મહારાજશ્રીને ૪ર માનાર્હ પદવીઓ એનાયત કરી હતી. ઇન્સ્ટિટ–ૂટ ફોર રિસર્ચ ઇન બાયોગ્રાફી (ન્યૂયોર્ક) દ્વારા પ્રકાશિત ‘બાયોગ્રાફિકલ એન્સાઇક્લોપિડિયા ઑફ ધ વર્લ્ડ˜માં એમને મળેલું સ્થાન આપણું ગૌરવ છે.
ભુવનેશ્વરી પીઠની પ્રતિષ્ઠા

આયુર્વેદ અને સંસ્કૃતમાં આટલું પ્રશિષ્ટ પ્રદાન ઉપરાંત ગોંડલમાં એમણે પીઠસ્થાન સહિત ભુવનેશ્વરી માતાના મંદિરની સ્થાપના પણ કરી હતી. અચ્યુત સ્વામીએ ભુવનેશ્વરી દીક્ષા આપેલી ત્યારથી જ એમની અંતરેચ્છા હતી કે દેવીભાગવતમાં મા ભુવનેશ્વરીજીનું તથા એમના નિવાસસ્થાન મણિદ્વીપનું જે વર્ણન આવે છે એવું મંદિર ગોંડલમાં સ્થાપવું.

એમનું આ સ્વપ્ન ૧૯૪૬માં સાકાર થયું અને ર૧થી ર૬ મે લગી તેનો ષષ્ટાહ્નિકા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. તેમાં ગોંડલના મહારાજા અને મહારાણી આ શુભ પ્રસંગના મુખ્ય યજમાન હતા. પોતાની આ મહેચ્છા પૂર્ણ થયા બાદ ૧૯૪૭માં એમણે વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો અને ત્યારથી તેઓ ‘અખંડ ભૂમંડલાચાર્ય અનન્તશ્રી વિભૂષિત શ્રી ભુવનેશ્વરી પીઠાધીશ જગદગુરુ આચાર્ય શ્રી ચરણતીર્થજી મહારાજ˜ તરીકે ઓળખાયા હતા.

અહીં મહારાજશ્રીએ માનવસેવા, ધર્મ, જીવદયા સહિત અનેક પ્રવૃત્તિઓ વિકસાવી. આવા પ્રખર સંસ્કૃત સાક્ષર, આયુર્વેદાચાર્ય અને અધ્યાત્મ વિભૂતિ ચરણતીર્થ મહારાજ ૧૦૩ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી સંવત ર૦૩૪ના શ્રાવણી અમાસ અને તારીખ રજી સપ્ટેમ્બર, ૧૯૭૮ના ગોંડલ ખાતે બ્રહ્મલીન થયા.

ભુવનેશ્વરી પીઠ દ્વારા એમણે જે પ્રવૃત્તિઓ શરૂ કરેલી તે આજે પણ અવિરત ચાલ્યા કરે છે. વર્તમાને એમના સુપુત્ર ઘનશ્યામજી મહારાજ (જ.૧૯૪૩) મંદિર અને સંસ્થાના આચાર્યશ્રી છે. એમણે ચરણતીર્થ મહારાજનું જીવનચરિત્ર (૧૯૭૪) પણ લખ્યું છે. એમના સુપુત્ર અને ધાર્મિક ગાદીના વારસ ડૉ.રવિદર્શનજી (જ.૧૯૭૩) મંદિરના અધ્યક્ષ છે અને સંસ્થાનું સંચાલન કરે છે.
ભુવનેશ્વરી મંદિરોની શૃંખલા

ભારતમાં ભુવનેશ્વરી માતાનાં મંદિરો અલ્પ સંખ્યામાં (ત્રીસ જેટલાં) છે. તેમાં મોટા ભાગનાં (છવીસ જેટલાં) સ્થાનકો દક્ષિણ ભારતનાં પાંચ રાજ્યોમાં આવેલાં છે. જ્યારે પશ્ચિમ ભારતમાં એક (ગોંડલ, ગુજરાત), ઇશાન ભારતમાં પણ એક (ઉદયપુર, ત્રિપુરા) તથા પૂર્વ ભારતમાં બે (ચંદનનાગ, પશ્ચિમ બંગાળ અને ગૌહતી, આસામ) આવેલાં છે.

ઉપરાંત, ભારત બહાર નેપાળ, કેનેડા (ટોરોન્ટો), બ્રિટન (લંડન) તથા અમેરિકા (મિશિગન અને સાન જોસ) એમ પાંચ મંદિરોની નોંધ નેટ પર જોવા મળે છે. આ સૌમાં પીઠસ્થાન સહિતનું ભુવનેશ્વરી મંદિર તો એકમાત્ર ગોંડલનું છે ¦

દેવીભાગવતમાં વર્ણન મુજબ ભુવનેશ્વરી દેવી ભુવનેશ્વર મહાદેવ પર બેઠેલાં છે. તેથી અહીંના મંદિર નીચેના ભૂગર્ભખંડમાં ભુવનેશ્વર મહાદેવ પ્રતિષ્ઠિત કરાયા છે. અસલમાં તે સદ્ગત આચાર્યશ્રીનો ધ્યાન કક્ષ હતો. તેને શિવમંદિરમાં ફેરવવાની એમની ઇચ્છાનુસાર ૮મી માર્ચ,૧૯૮૩ના અહીં ભુવનેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયું. એપ્રિલ, ર૦૦૦માં ગાંધીનગર ખાતે પણ ગોંડલ પીઠના સંચાલન હેઠળ ભુવનેશ્વર મહાદેવ મંદિર સ્થપાયું છે.
લોકસુવિધાઓનું ત્રિદલ

ચરણતીર્થ મહારાજ સ્થાપિત આયુર્વેદિક ઔષધાશ્રમ આજે પણ કાર્યરત છે અને વૈદિક પદ્ધતિથી શુદ્ધ આયુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. ઉપરાંત મહારાજશ્રીના સમયથી મંદિરમાં આરંભાયેલ આયુર્વેદિક દવાખાનું પણ ચાલુ છે અને સમયાંતરે વિવિધ સ્થળોએ તબીબી શિબિરો યોજાતી રહે છે.

ભુવનેશ્વરીનાં દર્શનાર્થે પધારતા ભાવિકોની વિશેષ સુવિધાર્થે ડૉ.રવિદર્શનજીના આયોજન હેઠળ અહીં ભોજનાલય અને ત્રણ અતિથિગૃહોનું પણ નિર્માણ થયું છે. તો, ઘનશ્યામજી મહારાજના માર્ગદર્શન તળે ગોંડલ અને સુરત ખાતે ગૌશાળા – ગિર પશુ ઉછેર કેન્દ્ર તેમ જ કાઠિયાવાડી ઘોડાના સંરક્ષણાર્થે ૧૯૮૭થી ‘કાઠિયાવાડી અશ્વો અને ઘોડેસવાર મંડળ˜ પણ સ્થપાયું છે. (તેઓ ખુદ પણ અચ્છા અશ્વારોહી અને અશ્વોછેરક છે)

સંસ્થાનું પોતાનું પ્રકાશનગૃહ પણ છે, જે નિયમિતપણે વાર્ષકિ પંચાંગ, કેલેન્ડરો, ‘માતૃવાણી˜ માસિક અને ધાર્મિક–આધ્યાત્મિક પુસ્તકો બહાર પાડે છે. જિજ્ઞાસુઓને જ્યોતિષ સંબંધિત માર્ગદર્શન–સલાહસૂચન માટે ‘જ્યોતિષ અને જન્માક્ષર વિભાગ˜ પણ ચલાવાય છે.

આપણા દેશમાં ભાદરવા સુદ–બારસની તિથિ વામન જયંતી, વિષ્ણુ પરિવર્તનોત્સવ, શ્રવણ–કલ્કિ દ્વાદશી, વિરાટ વિજયદિન (દ્વારકા) ઉપરાંત ‘ભુવનેશ્વરી જયંતી˜ તરીકે પણ મનાવાય છે. જ્યારે ગોંડલમાં સંવત ર૦૦રના વૈશાખ વદ–પાંચમના દિવસે માતાજીની પ્રતિષ્ઠા થયેલી. તેથી દર વષ્ર્ો આ તિથિએ ગોંડલનાં ભુવનેશ્વરી માતાના પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...