Homeકલમકેલિડોસ્કોપસ્વામી વિદ્યાનંદજી મહારાજ | Swami Vidhyanandji Maharaj

સ્વામી વિદ્યાનંદજી મહારાજ | Swami Vidhyanandji Maharaj

-

ગીતાજ્ઞાનના પ્રસારાર્થે દેશભરમાં ગીતામંદિરોની શૃંખલા સર્જનાર

  • ૧૨/૧૦-મંગળ: ૧૨૭મી જન્મજયંતી પર પ્રાસંગિક.
  • જન્મ : આસો સુદ–૭,સં.૧૯પ૦  ●  નિધન : વૈશાખ વદ–૧ર,સં.ર૦૧૩

ગઈ સદીના પૂર્વાર્ધે દેશવિદેશમાં ગીતાજ્ઞાનનો વ્યાપક પ્રચાર કરનાર મહામંડલેશ્વર જગદ્ગુરુ સ્વામી વિદ્યાનંદજી મહારાજ (સન ૧૮૯૪–૧૯પ૭) સાચા અર્થમાં પરમહંસ પરિવ્રાજકાચાર્ય, પૂર્ણ ગીતાવ્યાસ અને લોકસંગ્રહી (લોકહિતાર્થી) સંત હતા.  ઉત્તર ભારતીય સ્વામીજીને ગુજરાતની ભૂમિ વિશેષ હતી.  તેથી ગુજરાતને જ એમણે પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.  ગીતા પરના ઉપદેશો માટે તેઓ વિશેષ વિખ્યાત હતા.

ગીતાજ્ઞાન પ્રસારનો સંકેત

વિદ્યાનંદજી મહારાજ(Swami Vidhyanandji Maharaj) (મૂળ નામ મુરારિ બળદેવ ત્રિપાઠી–શર્મા)નો જન્મ ઉત્તરપ્રદેશમાં મોસાળના ગામ ગડોલી (તા.લાલગંજ, જિ.આઝમગઢ) ખાતે સંવત ૧૯પ૦ (સન ૧૮૯૪)ના આસો સુદ–૭ના થયો હતો.  વતનનું ગામ મહાદેવપુરા, પરંતુ ભણતર ગોપાળપુર મધ્યે થયેલું. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થયું, પરંતુ વારસામાં મળેલી કૃષ્ણભક્તિ કિશોર મુરારિના જીવનમાં ફળીભૂત થઈ.

અઢાર વર્ષની વયે પરમતત્ત્વની શોધમાં ઘર છોડયુ. આગળ પર ગોવિંદમઠવાળા મહાનિર્વાણી અખાડાના આચાર્ય સ્વામી ગોવિંદાનંદજી પાસે સંન્યસ્ત દીક્ષા લઈ ‘વિદ્યાનંદજી’ નામ ધારણ કર્યું.  આગળની યાત્રા દરમ્યાન ઘંટાકોઠી આશ્રમ (હરદ્વાર)ના નિર્વાણવેદ વિદ્યાલયમાં શાસ્ત્રાધ્યયન પછી ભારતનું તીર્થાટન કર્યું.  હિમાલયનાં પહાડીસ્થળો, વૃંદાવન, ગિરનાર, બદરી–કેદાર, પશુપતિનાથ સુધી યાત્રા કરી.  ત્યાં સત્સંગો–જ્ઞાનચર્ચાઓ પછી પણ અંતરને આરામ મળ્યો નહિ.

આખરે કરનાળી (તા.ડભોઈ, જિ.વડોદરા)ની ગુફામાં એમને જ્ઞાનપ્રકાશ લાધ્યો  ને  પ્રભુ તરફથી ગીતાજ્ઞાનનો પ્રસાર કરવાની આજ્ઞા મળી.  તેનો સ્વીકાર કરી સ્વામીજી લોકસમૂહમાં પાછા ફર્યા, ગીતાપ્રચાર કાર્ય આરંભ્યું અને જિંદગીભર ચાલુ રાખ્યું.  ભારતમાં અમૃતસર, લાહોર, ગુજરાનવાલા, રાવલપિંડી, પેશાવર જેવાં અનેક શહેરોમાં ગીતાજ્ઞાનનો પ્રચાર કર્યો.

પ્રસાર–વિસ્તરણ–સંચાલન

ત્યાંથી તેઓ ગુજરાતમાં દ્વારકા, કચ્છ, વડોદરા, આણંદ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ જ્ઞાનગંગા વહાવી,  તે વખતે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ–ત્રીજા (૧૮૬૩–૧૯૩૯)એ દ્વારકાનું શંકરાચાર્ય પદ સંભાળવા પ્રસ્તાવ મુકો, પણ તેનો સવિનય અસ્વીકાર કર્યો. આ ઉપરાંત આફ્રિકા, એશિયા (બ્રહ્મદેશ), અમેરિકા (ન્યૂયોર્ક), યુરોપ (ઈટાલી) જઈ વિશ્વફલક પર ગીતાજ્ઞાન પ્રસરાવ્યું.

લોકકલ્યાણાર્થે ગીતાનો પવિત્ર સંદેશ ફેલાવવા આ મહાપુરુષો ચાળીસના દાયકામાં વડોદરા, કરનાળી, અમદાવાદ, (ગુજરાત), કાશી (ઉત્તરપ્રદેશ), નાગપુર (મહારાષ્ટ્ર), દિલ્હી અને સાથે જ ન્યૂયોર્ક (અમેરિકા) સહિત બાર ભવ્ય ગીતામંદિરોની સ્થાપના કરી.  તે દ્વારા જનતાને ગીતાજીનો આશ્રય લેવડાવ્યો.  આરંભમાં તેઓ એકથી બીજા ગામ (તેમાં ક્યારેક પગપાળા પણ) ફરતા, જે થકવી નાખનારી અને સમય લેનારી બાબત હતી.

તેથી મહત્ત્વનાં સ્થળોએ ગીતામંદિરની શાખાઓના વિસ્તરણ અને સંચાલન કરવાની કાર્યપદ્ધતિ અપનાવી. તે માટે દૂરનાં વિવિધ સ્થળોએ ગીતાપ્રચાર કેન્દ્રો, જૂથો અને સંગઠનો પણ સ્થાપ્યાં. આવી નાની શાખાઓ મારફત પ્રચાર દ્વારા ઉપદેશની સાથે લોકોની આરોગ્ય, શિક્ષણ, ભોજન, આવાસ જેવી અન્ય પાયાની જરૂરતો પણ ધ્યાનમાં લેતા.  આ હેતુ માટે એક સાફ અને સ્પષ્ટ યોજના અપનાવવામાં આવી.

‘શરીર નાશવંત–જ્ઞાન અનંત’

બધી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ ખાતે રહે તથા શ્રેષ્ઠ પરિણામો મેળવવા વિવિધ કેન્દ્રોનું નિયંત્રણ અને સંચાલન અહીંથી કરવામાં આવે.  આમ, અમદાવાદ (જમાલપુર)નું ગીતામંદિર ૧૯૪૦માં તેના આરંભથી જ દેશનાં તમામ ગીતામંદિરોનું ધરી રૂપ કેન્દ્ર બન્યું છે.  આ રીતે સ્વામીજીએ ભારત અને વિદેશનાં તમામ ગીતામંદિરો માટે અમદાવાદને ‘પ્રમુખ ગાદી’ની બેઠક તરીકે પસંદ કર્યું.  અહીંના મંદિરમાં ચતુર્ભુજા ગીતામાતાની સુંદર પ્રતિમા પ્રતિષ્ઠિત છે.

દિવ્ય જીવન સંઘ (હૃષીકેશ)ના સ્થાપક સ્વામી શિવાનંદ સરસ્વતી (૧૮૮૭–૧૯૬૩) પોતાની ભારતયાત્રા દરમ્યાન ૧લી/રજી નવેમ્બર,૧૯પ૦ના અમદાવાદ પધાર્યા હતા.  ત્યારે ગીતામંદિરમાં પણ એમનું પ્રવચન રખાયું હતું અને ત્યારે એમનું સ્વાગત એમના જ નામેરી એવા ગીતામંદિરના સાથી સ્વામી શિવાનંદજી મહારાજે કરેલું.

સ્વામી વિદ્યાનંદજી એક સરળ છતાં અદ્વિતીય વિદ્વત્પ્રતિભા અને પ્રભાવક વક્તા હતા. ઉપનિષદો, પુરાણો અને ગીતાનું અમૃત વહેંચીને તેઓ લોકોને અધ્યાત્મ તરફ દોરી જતા.  ‘ભૌતિક શરીર નાશવંત છે, પરંતુ દિવ્ય જ્ઞાન અનંત છે’ના ઉપદેશ સાથે તેઓ ભારતીય સંસ્કૃતિના ગૌરવરૂપ ગ્રંથોની સમૃદ્ધિથી લોકોને વાકેફ કરતા રહ્યા.  આનાથી સાર્થક જીવન માટે નિષ્કાર્મ કર્મ–આત્મજ્ઞાન સાથેની ચડિયાતી સંસ્કૃતિ તરફ સમાજ અગ્રેસર થયો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
– પ્રતીકાત્મક તસવીર

સર્જન, વિદાય અને વારસો

સ્વામીજીએ શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપર ખૂબ પ્રસિદ્ધ હિન્દી ભાષ્ય ‘ગીતાગૌરવ’ લખ્યું છે, જેના ગુજરાતી–અંગ્રેજી અનુવાદો પણ થયા છે.  ઉપરાંત, દસ ઉપનિષદો ઉપર પણ એમણે સુંદર વિવેચનો આલેખ્યાં છે.  ‘અધ્યાત્મ રામાયણ’ પરની એમની વિદ્વદ્ ટીકા જાણીતી છે.  ‘વિદ્યાનંદ વિનોદ’ આદિ બીજાં પુસ્તકો પણ રચ્યાં છે.  ગીતા પ્રચારાર્થે મુંબઈથી હિન્દી–ગુજરાતીમાં ‘ગીતાધર્મ’ નામે માસિકપત્ર પણ શરૂ કરેલું (જે હવે ‘ગીતાપ્રચાર’ નામે અમદાવાદથી પ્રસિદ્ધ થાય છે).

આપણા પુરાણગ્રંથોના આવા વિદ્વાન સ્વામી વિદ્યાનંદજી મહારાજ સંવત ર૦૧૩ના વૈશાખ વદ–૧ર અને તારીખ ર૬મી મે,૧૯પ૭ના મુંબઈ ખાતે બ્રહ્મલીન થયા.  સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈ (૧૮૯ર–૧૯પ૪)એ વિદ્યાનંદજીનું બૃહદ્ ચરિત્ર પણ આલેખ્યું છે.  એમના પછી એમના શિષ્ય સ્વામી સદાનંદજી મહારાજે ગુરુકાર્ય આગળ ચાલુ રાખ્યું હતું.  તે વખતે એમની સાથે સ્વામી શિવાનંદજી મહારાજ પણ સહયોગી હતા.

સદાનંદજીએ હરિદ્વાર–બદરીનાથ (ઉત્તરાખંડ), પૂના–ગોંદિયા (મહારાષ્ટ્ર), વૃંદાવન (ઉત્તરપ્રદેશ), કલકત્તા (પશ્ચિમ બંગાળ) અને દિબ્રુગઢ (આસામ)માં વધુ સાત નવાં ગીતામંદિરોની સ્થાપના દ્વારા ગીતાપ્રચારની પ્રવૃત્તિઓ વિસ્તારી હતી.  આ ઉપરાંત માંડવી–કચ્છ, સોમનાથ, રાજકોટ, પોરબંદર (ગુજરાત), ગુવાહાટી (આસામ) ખાતે પણ ગીતામંદિરો આવેલાં છે.  સદાનંદજી પછી ૧૦મી જાન્યુઆરી, ર૦૧૩થી સ્વામી સત્યાનંદજી મહારાજ ત્રીજા ગાદીપતિ તરીકે અલંકૃત થયા છે અને પોતાના પૂર્વસૂરિઓના ઉમદા કાર્યક્રમો આગળ ધપાવી રહ્યા છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
લેખક – કટારલેખક ભરત ‘કુમાર’ પ્રા. ઠાકર (કેલિડોસ્કોપ)

Must Read