Homeગુજરાતમતદાર યાદીમાં નામ નોંધાવવા કે સુધારા કરવા માટેની ખાસ માહિતી

મતદાર યાદીમાં નામ નોંધાવવા કે સુધારા કરવા માટેની ખાસ માહિતી

-

રાજકોટ ન્યુઝ : તા.૧૦ ઓગસ્ટ – ચૂંટણી પંચ દ્વારા તા. ૧-૧૦-૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદી (Photo Voter List) અંગેનો ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ (Election Commission) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

જે અન્વયે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુની યાદીમાં જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લા (Rajkot District)માં આગામી ૧૨ ઓગસ્ટે સંકલિત મતદારયાદી મુસદ્દાની પ્રસિદ્ધિ થશે. આ યાદીમાં જે નાગરિકોને સુધારો કરવો હોય તેઓ ૧૨મી ઓગસ્ટથી ૧૧મી સપ્ટેમ્બર સુધીમાં પોતાના હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે.

કેવી રીતે અને ક્યાંથી થશે મતદાર યાદીમાં સંક્ષિપ્ત સુધારણા ?

ચાર રવિવારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત ૨૧મી ઓગસ્ટ, ૨૮મી ઓગસ્ટ, ૪ સપ્ટેમ્બર તથા ૧૧ સપ્ટેમ્બરના રોજ ખાસ વિવિધ મતવિસ્તારો તથા બૂથ મથકો પર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં બૂથ લેવલ ઓફિસર મતદાન મથક પર સવારે ૧૦થી સાંજે પ કલાક સુધી ઉપસ્થિત રહેશે. જેમની પાસે નાગરિકો મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા, નામ કે સરનામા સુધારવા, નવા મતદારોની નોંધણી સહિતની કામગીરી કરાવી શકશે.

ક્યારે થશે મતદાર યાદી પ્રસિધ્ધિ ?

નાગરિકોએ કરેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓનો ૨૬મી સપ્ટેમ્બર સુધીમાં નિકાલ કરવામાં આવશે. ૪ ઓક્ટોબર સુધીમાં મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરાશે, તેમજ આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવામાં આવશે. સાથો સાથ ડેટાબેઝમાં અપડેટ તેમજ પૂરવણી યાદીઓ પણ જનરેટ કરવામાં આવશે. ૧૦મી ઓક્ટોબરના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

કઈ તારીખે આપની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ?

ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલા આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને મતદાર નોંધણી સહિતની પ્રક્રિયા કરાવવા જિલ્લા કલેક્ટર તરફથી અનુરોધ કરાયો છે. જેમની ઉંમર ૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થતી હોય તેમને અચૂક મતદારયાદીમાં નામ નોંધાણી કરાવવા અને મતદાનનો અધિકાર મેળવવા જણાવાયું છે.

શું છે વિવિધ ફોર્મની ઉપયોગીતા ?

માત્ર નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ નંબર-૬ જ્યારે વિદેશી ભારતીય નાગરિક દ્વારા મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ નંબર ૬-એ ભરવાનું રહેશે. ઇલેક્શન કાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક કરાવવા માટે ફોર્મ નંબ ર૬-બી ભરવાનું રહેશે. મતદાર યાદીમાંથી નામ કમી કરવા કે નવા દાખલ કરનારા નામ સામે વાંધો રજૂ કરવા ફોર્મ નંબર-૭ ભરવું. મતદાર યાદીમાં દાખલ કરાયેલી વિગતો સુધારવા માટે ફોર્મ નંબર-૮ ભરવું.

ઓનલાઈન મતદાર યાદીમાં નોંધણી માટેની એપ online voter ID App

ઓનલાઈન ફોર્મ ભરવાની સેવા પણ હવે ઉપલબ્ધ બનાવાઈ છે. અરજદારો ઘરે બેઠા સરળતાથી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી શકે છે. આ માટે VOTER HELPLINE APP (VHA) (વોટર હેલ્પલાઈન એપ) મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. જે લોકો દિવ્યાંગ છે તેમણે PWD APP ડાઉનલોડ કરવાની રહેશે.

ઓનલાઈન મતદાર યાદીમાં નોંધણી માટે વેબ Online Voter ID Website

આ ઉપરાંત voterportal.eci.gov.in તેમજ www.nvsp.in નો પણ ઉપયોગ કરી શકાશે. કોઈપણ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર સંપર્ક કરી શકાશે.

Must Read