અમદાવાદ Ahmedabad, ગુજરાત Gujarat, આજના સમાચાર: દેવલ જાદવ : ઉત્તર પ્રદેશની ચૂંટણીઓના મતદાન પૂર્ણ થયા બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે હવે પ્રધાનસેવક મોદી જાણે ગુજરાતની ચૂંટણીઓની તૈયારીમાં લાગવાના હોય તેવું લાગી રહ્યું છે. પ્રધાનસેવક 11 અને 12 માર્ચના રોજ અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા તેમજ અમદાવાદ પોલીસે તડામાર તૈયારીઓ શરૂ કરી દિધી છે.
સામાન્ય દિવસોમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા જે કાર્ય ત્વરાએ કરવામાં ન આવે તેવા કાર્યો ઝપાટા ભેર થઈ રહ્યાં છે. લોકો આ બાબતે જણાવી રહ્યાં છે કે, પ્રધાનસેવક મોદી આવે છે તો શહેરને શણગારવું તો પડે ને, ક્યાંક સાહેબ આગતા સ્વાગતાની કમી જોઈ ખખડાવી ન નાખે ! બીજી તરફ એવી પણ ટીપ્પણીઓ સાંભળવા મળે છે કે, સાહેબના ફોટોઝ ખરાબ આવે તો ! આવી રમૂજ ભરી હળવી ટીખળો સાથે અમદાવાદનું હાસ્યબજાર ગરમ છે.
આજના સમાચાર- પ્રધાનસેવક મોદીજી Ahmedabad આવે છે: રાતોરાત ઝગમગ્યું શહેર
અમદાવાદમાં નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચના રોજ મુલાકાતે આવી રહ્યાં છે. તેમાં શુક્રવારના રોજ પ્રધાનસેવક નરેન્દ્ર મોદી અમદાવાદના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. તેમની આ મુલાકાત ભાજપના વૈચારિક માર્ગદર્શક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધી સભાની બેઠકની શરૂઆત સાથે જ થશે જે આ વખતે અમદાવાદમાં યોજવા જઈ રહી છે.
પ્રધાનસેવક અને ભાજપને રોડ શો સાથે અલગ જ લગાવ છે તે જગ જાહેર છે. આજ પ્રકારે પ્રધાનસેવકનો રોડ શો પણ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ્ સુધી રોડ શોનું આયોજીત છે. આ રોડ શોમાં ચાર લાખ લોકો જોડાશે તેવી જાહેરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કરી હતી.
પ્રધાનસેવકના 2 દિવસના આગમન માટે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં રંગ રોગાન શરૂ કરી દિધા છે. અમદાવાદના જે માર્ગો પર પ્રધાનસેવક પસાર થવાના છે તે રસ્તાઓ રાતોરાત નવા બની ગયા અને ઝળહળી રહ્યાં છે. ડિવાઈડરને કલર, વૃક્ષો અચાનક જ કાપકૂપ કરી દેખાવમાં સુંદર બનાવી દેવાયા છે. અને ગંદકીનું તો નામ જ નથી જોવા મળતું. આ પ્રકારે એ.એમ.સી. દરરોજ કાર્ય કરે તો શહેરીજનોને કોઈ હાલાકીનો સામનો કરવો પડે નહીં.
લગભગ હાલ આ વિસ્તારોમાં જે રીતે કામ થઈ રહ્યું છે તેનું 30 ટકા કામ પણ સામાન્ય નાગરિક માટે થતુ હોય તો કોર્પોરેશનના તંત્રને આશીર્વાદની ક્યારેક ખોટ પડે નહીં એવો ઘાટ છે. બીજી બાજુ આ વિસ્તારોમાં લારીઓ પર પાથરણાં વાળાઓએ તો હાલ રોજગારી બંધ કરી અન્યત્ર ખસી જવાની ફરજ પડાઈ છે, અહીં સુધી કે આ વિસ્તારને લગતી ઝુંપડાંમાં રહેતી જનતાને બાળકો સહિત તાત્કાલીક ધોરણે ખાલી કરી ત્યાંથી હટી જવાની ફરજ પડી છે.
12 તારીખે પ્રધાનસેવક અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ‘સરદાર પટેલ સ્ટેડિયમ’માં યોજવા જઈ રહેલા ખેલ મહાકુંભના કાર્યક્રમમાં ભાગ લેવા આવવાના છે. ત્યારે કોર્પોરેશનનું આ સ્ટેડિયમ લાઇટ્સ દ્વારા જાણે કોઈ લગ્ન સમારંભ હોય તેવી રીતે શણગારવામાં આવ્યું છે. સામાન્ય જન ભલે રોજ ખખડતા સ્કૂટરે પસાર થતો હોય પરંતુ હાલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં જે રોડ વર્ષોથી ખાડા વાળા હતા તે અચાનક નવા બની ગયા છે. રસ્તા પર જે વૃક્ષો હતા તે પૈકીના ઘણા કાપવામાં આવી રહ્યા છે, કારણ કે આપણાં ‘પ્રધાનસેવક મોદીજી’ અમદાવાદ આવે છે.