Duplicate liqueur in Ahmedabad અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધી હોવાના આસપાસના રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. પોલીસ સતત રાજ્યની સરહદો પર ચેકિંગ કરી દારૂ રાજ્યમાં ઘુસતો અટકાવાવ પ્રયાસ કરતી હોય છે. પરંતુ ભેજાબાજ બુટલેગરોએ તો રાજ્યમાં દારૂની ફેક્ટરી ખોલવાની શરૂ કરી હોય તેમ જણાય છે. કારણ કે અમદાવાદના પોશ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું કારસ્તાન ઝડપાયું છે. પોલીસે દરોડો કરી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલોમાં નકલી દારૂ ભરી વેચવાનું કૌભાંડ પકડી પાડ્યું છે.
અમદાવાદ સેટેલાઈટ સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને PCBએ દરોડો કરી દારૂનું રેકેટ ઝડપી પાડ્યું છે. PCBની ટીમને બાતમી મળી હતી કે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં નકલી દારૂ બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું છે. બાતમી મળતા જ PCBની ટીમે માણેકબાગ નજીક આવેલા અભિલાષ એપાર્ટમેન્ટમાં દરોડો કર્યો હતો. દરોડો કરતા PCBની ટીમને જે હાથ લાગ્યું તે જોઈ સૌ ચોંકી ગયા હતા.
ફ્લેટમાં રેડ કરી પોલીસે કૃણાલ મચ્છર નામનો એક બુટલેગર ઝડપી પાડ્યો હતો. આરોપી સાથે ભારતીય બનાવટના દારૂ ભરેલી કુલ 22 બોટલ જપ્ત કરી જેની કિંમત રૂપિયા 44,843 આંકવામાં આવી છે. પંરતુ ચોંકાવનારી વાત એ હતી કે, આરોપીના કબ્જામાંથી મોંઘીદાટ દારૂની ખાલી બોટલો, સ્ટિકર અને બોટલના બુચ મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી મોંઘી બ્રાન્ડેડ કંપનીની ખાલી બોટલોમાં દેશી બનાવટનો અંગ્રેજી દારૂ ભરી દેતો હતો. બાદમાં બોટલ પર ઓરિજન બોટલ જેવા જ સ્ટિકર અને બુચ પણ લગાવી દેતો હતો. જેથી ગ્રાહકોને ખ્યાલ પણ ન પડે કે આ બોટલ નકલી છે કે અસલી. આરોપી કૃણાલ મચ્છર સાથે અભિષેક ઉર્ફે ભયલુ અને ધર્મેશ ઉર્ફે કાંચો પણ આ નકલ દારૂના કારખાનામાં સંડોવાયેલો છે. પોલીસે ફરાર બંને શખ્સોની શોધખોળ હાથ કરી કૃણાણ પર કાર્યાવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટમાંથી પોલીસને મોંઘીદાટ દારૂની કંપનીઓની ખાલી બોટલ, સ્ટિકર અને તેના બુચ મળી આવ્યા હતા. પોલીસે ખાલી કાચની 56 બોટલ, બોટલના 67 ઢાકણ, 162 દારૂની બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર, 4 રેપર, ગળણી મળી આવી હતી.