Ahmedabad News in Gujarati અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતનું નાટક કરી લૂંટ ચલાવ્યાની એક ઘટના સામે આવી છે. ગઈકાલે 20 જૂનના રોજ લૂંટારાએ ડિલીવરી બોયને નિશાન બનાવ્યો હતો. લૂંટારાએ એલિસબ્રીજ વિસ્તારમાંથી ડિલીવરી બોય પાસેથી રૂપિયા 12 લાખ 94 હજાર 300ની લૂંટી લીધા હતા.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગાંધીનગરની આઈકોન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ડિલીવરી બોયની નોકરી કરતા ધર્મેન્દ્ર માણેકલાલ પટેલને લૂંટનો શિકાર બનાવવામાં આવ્યા હતા. ફરિયાદી ગઈકાલે સીજી રોડ પર આવેલી આરકે આંગડિયા પેઢીમાં કંપનીની આંગડીયાની રકમ લેવા ગયા હતા. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 19 લાખ 94 હજાર 300 કપડાની થેલીમાં લઈ નિકળ્યા હતા. આ થેલી પોતાના એક્ટિવાની ડેકીમાં મુકી તેઓ રવાના થયા હતા. દરમિયાન ગુજરાત કોલેજ પાસે એક ટુ વ્હિલર સંચાલકે વાહન અથડાવી પીછો કર્યો હતો.
ફરિયાદી જ્યારે માદલપુરમાં આવેલા એએમટીએસ બસ સ્ટેશન પાસે પહોંચ્યો ત્યાં અજાણ્યા શખ્સોએ તેને રોકયો હતો. આ શખ્સો ‘તું મારી સાથે વાહન અથડાવી કેમ ભાગી રહ્યો છે. મને દવાખાને સારવાર માટે લઈ જા.’ તેમ કહી ઝઘડો કર્યો અને એ દરમિયાન બીજા બે વ્યક્તિ બાઈક પર આવ્યા અને એક્ટિવાની ડેકી તોડી રૂપિયા ભરેલી થેલી લઈ ભાગાવા પ્રયાસ કરતા હતા.
લૂંટ થતી જોઈ ફિરયાદી ડિલીવરી બોયએ પ્રતિક્રિયા આપી પરંતુ આરોપીઓ પૈસાની થેલી આંચકીને જતા રહ્યા હતા. ડિલીવરી બોયએ આ ઘટનાની ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.