Ahmedabad News in Gujarati અમદાવાદ : ગુજરાતની ગઈકાલે મોડી રાત્રીથી રાજકારણનું જોર વધ્યું છે. ગઈકાલે 20 જૂનની મોડી રાત્રે સુરતમાં મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા છે. જેના લીધે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમ છે ત્યાં કોંગ્રેસે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તમામને દિલ્હી આવતીકાલે સવારે પહોંચી જવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો (Gujarat Congress MLA) અને સાંસદોને હાઈકમાન્ડે દિલ્હી પહોંચવા આદેશ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે તમામને હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડના અચાનક લીધેલા પગલાએ રાજકારણમાં આશ્ચર્ય પેદા કર્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોને બે દિવસ દિલ્હી રહેવાનું જણાવાયું છે.
પરંતુ બીજી સુત્રો જણાવી રહ્યાં છે, કોંગ્રેસ હાઈકમાન્ડ સતત ગુજરાત સહિતના રાજ્યોમાંથી નેતાઓને બોલાવી દિલ્હી ખાતે રાહુલ અને સોનિયા ગાંધીની EDની તપાસના વિરોધમાં બેસાડે છે. તાજેતરમાં જ ગુજરાત યુવા કોંગ્રેસના નેતાઓને પણ આ પ્રકારે દિલ્હી પ્રદર્શનમાં પહોંચવા જણાવ્યું હતું. ટૂંકમાં રાબેતા મુજબના કાર્યક્રમનો હિસ્સો બનવા માટે ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યા છે. જેમાં કોઈ રાજકીય રીતે ચોંકાવનારી માહિતી મળી શકે તેવું હાલ પુરતું જણાતું નથી.